હેં… પ્રાણીઓની પોટ્ટીમાંથી બને છે કોફી? એક તો છે દુનિયાની સૌથી મોંઘી કોફી!
જેમ દુનિયામાં ચાના દિવાનાઓની કમી નથી એ જ રીતે કોફી લવર્સ પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે પહેલી ઓકટોબરના ઈન્ટરનેશનલ કોફી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચાની મહેક ચારસિયાઓને મદહોશ કરી દે છે એ જ રીતે કોફીની સોડમ પણ કોફી લવરને દિવાના બનાવી દે છે. આજે અમે અહીં તમને દુનિયાની એવી ત્રણ મોંઘી કોફી વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેની બનાવટ વિશે સાંભળીને જ તમે ચોંકી ઉઠશો. જી હા, આજે અમે અહીં વાત કરીશું એવી ત્રણ કોફી વિશે કે જે પ્રાણીઓના મળમાંથી બનાવવામાં આવે છે અને અનેક લોકોની મનપસંદ હોય છે આ કોફી. આ કોફીની બનાવટની સાથે સાથે જ તેની કિંમત પણ તેને અન્ય કોફી કરતાં આગળ બનાવે છે. ચાલો જોઈએ કઈ છે કોફી…
કોપી લુવાક કોફી:
આ કોફી સિવેટ કોફી, એશિયાઈ પામ સિવેટની પોટ્ટીમાંથી એકઠા કરવામાં આવેલા બીન્સમાંથી તૈયાર કરવામાં આવે છે. આ એક સ્પેશિયલ કોફી છે, જે તમને ઇન્ડોનેશિયામાં મળશે. આ કોફી બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો સિવેટ પાકેલી કોફી ચેરી ખાય છે. બાદમાં આ કોફી તેના આંતરડામાં એક ખાસ ફર્મેટેશનની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને બે ત્રણ દિવસ બાદ ઝુમખામાં પોટ્ટી મારફતે બહાર આવે છે. ત્યાર બાદ આ બીન્સ પર ખાસ પ્રોસેસ કરીને તેને બજારમાં વેચવામાં આવે છે.
બ્લેક આઇવરી કોફી:
સૌથી મોંઘા વેચતા કોફી બીન્સ પણ હાથીના મળમાંથી એકઠા કરવામાં આવેલા કોફી બીનમાંથી તૈયાર કરવામાં આવે છે. બીજી કોફીની જેમ આ કોફી બનાવવાની પ્રોસેસ પણ સરખી છે. આમાં હાથીને સીધા ઝાડ પરથી કોફી ચેરી ખવડાવવાને બદલે તેને ખાસ હાથથી ચૂંટેલી અરેબિકા ચેરી ખાવા આપવામાં આવે છે. ત્યાર બાદ તેના મળમાંથી બીન્સ કલેકટ કરીને તેના પર પ્રક્રિયા કરીને આ કોફી તૈયાર કરવામાં આવે છે, જે થાઈલેન્ડમાંથી ખરીદી શકો છો.
જૈકુ બર્ડ પૂપ કોફી:
ભાઈસાબ અહીંયા તો નામમાં જ જણાવી દેવાયું છે કે આ કોફી પણ પ્રાણીના મળમાંથી તૈયાર કરવામાં આવે છે. બ્રાઝિલમાં કોફીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. અહીંની સ્પેશિયલ કોફી બ્રાઝિલના પક્ષીની પોટ્ટીમાંથી બનાવવામાં આવે છે. બ્રાઝિલના જૈકુ બર્ડ પાકેલી ચેરી ખાય છે અને બાદમાં તેની પોટ્ટીમાંથી બીન ભેગા કરી, તેને સાફ કરીને, શેકીને આ ખાસ પ્રકારની કોફી તૈયાર કરવામાં આવે છે.