સ્કૂલના લાંબા કલાકો, ટ્યુશન અને એક્સ્ટ્રા ક્લાસીસ વચ્ચે ખોવાઈ રહ્યું છે બાળકોનું બાળપણ?

10 વર્ષની પ્રાચી પટેલનો દિવસ સવારે સાડાપાંચ છ વાગ્યે શરૂ થાય, ઉઠીને તૈયાર થઈને બેગ ભરીને સાત વાગ્યે સ્કૂલ જાય. નાસ્તો પણ આ બધી દોડભાગમાં ખાધુ ના ખાધું બરાબર જ. આંખોમાં ઊંઘ ડોકાતી હોય છે. સ્કુલથી આવીને ટ્યૂશન, ટ્યૂશનથી છૂટીને એક્સ્ટ્રા ક્લાસીસ અને હોમવર્કનું ભારણ તો ખરું જ. આમ સવારે છ વાગ્યાથી શરૂ થયેલો પ્રાચીનો દિવસ સાંજે સાત વાગ્યે માંડ માંડ પૂરો થાય ત્યાં તો એ થાકીને ઠૂસ થઈ ગઈ હોય એટલે ડિનર કરીને સીધું બેડ ટાઈમ…
12 વર્ષના વૈભવની સ્થિતિ પણ પ્રાચી કરતા જરાય અલગ નથી. આ એ બાળકો છે કે જેમની પાસે ન તો રમવાનો સમય છે કે ન તો પોતાને ગમતી કોઈ એક્ટિવિટી કરવાનો સમય અને આ સ્થિતિ માત્ર પ્રાચી કે વૈભવની નથી. આપણા ઘરના બાળકો પણ આવું જ મશીન જેવું કહી શકાય એવું જીવન જીવતા હશે અને તેમનું આ બાળપણ જાણે કોર્પોરેટ લાઈફ જેવું જ બની ગયું છે.
મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, પુણે જેવા દેશના મેટ્રો સિટીમાં અનેક શાળાના કલાકો વધી ગયા છે જેથી એજ્યુકેશન, એક્સ્ટ્રા કરિકુલર એક્ટિવિટીઝ અને વર્કિંગ પેરેન્ટની સુવિધાનું ધ્યાન રાખી શકાય, પણ આ બધામાં બિચારા કુમળા ફૂલ જેવા નિર્દોષ બાળકોનું શું? આ ફૂલ જેવા બાળકો વધારે પડતાં ભારણને કારણે મુરઝાઈ રહ્યા છે, તેમનું બાળપણ ખોવાઈ રહ્યું છે અને આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કે બાળકોનું બાળપણ છે ક્યાં આ બધી એક્ટિવિટીમાં?
વર્કિંગ પેરેન્ટ્સની વાત કરીએ તો તેમના માટે સ્કુલના વધી ગયેલા કલાકો એક રાહતની વાત છે કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમનું બાળક સ્કુલમાં સુરક્ષિત છે અને તેને ટાઈમ પર ખાવા-પીવાનું મળી રહેતું હશે અને એક્સ્ટ્રા એક્ટિવિટીઝથી પાછું તેમનું બાળક સોસાયટીમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એવી શેખી મારવાનો મોકો તો વળી છોગામાં જ…
વર્કિંગ પેરેન્ટ્સ જ્યાં આ નવી સિસ્ટમથી એકદમ ખુશ છે તો હાઉસ વાઈફ કે નોન વર્કિંગ પેરેન્ટ્સને આ સિસ્ટમ સામે વાંધો છે. તેમનું એવું કહેવું છે કે અમારા બાળકો કંઈ મશીન નથી કે સવારે 6-7 વાગ્યે ઘરેથી નીકળે અને સાંજે સાડાપાંચ છ વાગ્યે ઘરે પાછા ફરે. ત્યાર બાદ ટ્યુશન, હોમવર્ક કરવાનું. આ બાળકો પાસે ન તો રમવાનો સમય છે કે ન તો મોજ-મસ્તી કરવાનો સમય. આ બધાને કારણે બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે, તેઓ મુરઝાઈ રહ્યા છે.
90ના દાયકાની વાત કરીએ તો ત્યારે શાળા સવારે 8 વાગ્યે શરૂ થતી અને બપોરે એક દોઢ વાગ્યે તો બાળકો છૂટી પણ જતા. ઘરે આવીને તરત જ જમીને થોડો આરામ કરીને બાદમાં ટ્યુશન અને ટ્યુશનથી આવીને થોડી વાર રમવાનું અને હોમવર્ક કરીને રાતે જમીને સૂઈ જવાનું.
બાળ મનોવૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર બાળકો માટે બપોરના સમયે બાળકોને મળતી ઉંઘ એ આરામ નહોતો પણ બાળકોના મગજ અને કલ્પનાશક્તિને બુસ્ટ કરવાનું ટોનિક હતી. અભ્યાસમાં એકાગ્રતા વધારવાની સાથે સાથે તાણ ઘટાડવામાં પણ આ ઉંઘ ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરતી હતી. પરંતુ હવે બાળકો પાસે એવો સમય જ નથી, કારણ કે તેમનો મોટાભાગનો સમય સ્કુલ, ટ્યુશન અને એક્સ્ટ્રા ક્લાસીસમાં જતો રહે છે.
શિક્ષક અને કાઉન્સેલરોનું પણ એવું માનવું છે કે પ્રાઈમરી ક્લાસના બાળકોમાં પણ સામાજિક ચિંતા, ચિડિયાપણુ, માનસિક થાક જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. બાળકો ખાલી પડેલાં સમયમાં કા તો ઉંઘવા માંગે છે કે પછી બસ એકલા બેસી રહેવા માંગે છે.
શાળાના સંચાલકો દ્વારા આ માટે એવો તર્ક આપવામાં આવે છે કે શાળાના લાંબા કલાકો હોલિસ્ટિક લર્નિંગનો એક હિસ્સો છે. તેમના મતે રોબોટિક્સ, યોગ, કોડિંગ અને પર્ફોર્મિંગ આર્ટ જેવા પ્રોગ્રામ્સ માટે વધારે સમય જોઈએ છે જે પહેલાંના શેડ્યુલમાં શક્ય નહોતું.
વાત કરીએ બાળકોની તો બાળકોનો અવાજ આ વિવાદમાં હંમેશા દબાઈ જાય છે. કેટલાક બાળકો એવા પણ છે કે જેઓ મિત્રો સાથે સમય પસાર કરવાનું અને એક્ટિવિટીઝ કરવાનું પસંદ કરે છે, પણ તેઓ એટલા બધા થાકી ગયા હોય છે કે તેઓ આવું કરી શકતા નથી. તેમની ડે ટુ ડે લાઈફમાં સહજતા અને મોજ-મસ્તીની કોઈ જગ્યા જ નથી.
આ સમસ્યાનું સમાધાન આપણે બધાએ મળીને લાવવું પડશે કે આપણે બાળકોને ભાવનાત્મક રૂપે વધુ મજબૂત અને બેલેન્સ્ડ બનાવી રહ્યા છે કે પછી તેમને એક મશીનની જેમ જીવવા માટે મજબૂર કરી રહ્યા છીએ. બાળકોને એમનું બાળપણ જીવવા દેવું જોઈએ, બાકી દુનિયાની ભાગદોડ તો તેમણે મોટા થઈને પણ કરવાની જ છે…