બાળકની મોબાઇલ-ટેવથી કંટાળી ગયા છો? તો અપનાવો, આ ટિપ્સ
આજકાલ બાળકોને મોબાઇલની એવી તો ટેવ લાગી ગઈ છે કે તેઓ ઘરની બહાર જઈને રમવાનું ભૂલી ગયા છે. આખો દિવસ સ્માર્ટફોન પર તેઓ બિઝી રહે છે. એને કારણે તો તેમના માતા-પિતા પણ કંટાળી ગયાં છે. જોકે અમુક હદે તો તેઓ પોતે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. બાળકો જ્યારે નાના હોય છે ત્યારે તેમને શાંત કરવા માટે તેમના હાથમાં તેમણે જ મોબાઇલ ફોન પકડાવી દીધો હોય છે. બાળક મોટું થાય ત્યાં સુધી તો તેને મોબાઇલની લત લાગી ગઈ હોય છે અને પછી માતા-પિતાને પસ્તાવાનો વારો આવે છે. એથી બાળક પર તેઓ ગુસ્સો પણ કરે છે.
બાળક એકલામાં મોબાઇલ જુએ છે એને કારણે તે ક્યારેક એવા ક્ધટેન્ટ પણ જોઈ લે છે જે તેની ઉંમર પ્રમાણે જોવાલાયક નથી હોતાં. એને કારણે બાળકના માનસિક અને શારીરિક વિકાસ પર માઠી અસર પડે છે. સાથે જ સતત મોબાઇલમાં જોતા રહેવાને કારણે આંખો પણ ખરાબ થવાની શક્યતા રહે છે અને નાની ઉંમરે ચશ્માં લાગી જાય છે.
એવામાં બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે અપનાવો ટિપ્સ અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ કરો:
બાળકોને મોબાઇલથી દૂર રાખવાનો સૌથી સરળ ઉપાય છે કે તેમને આઉટડોર ગેમ કે પછી અન્ય ઍક્ટિવિટીમાં સામેલ કરો. તેમને બહાર રમવા મોકલો, યોગા, સ્વિમિંગ, સાઇકલિંગ કરાવો અથવા તો ગાર્ડનિંગ માટે પણ પ્રેરિત કરી શકો છો.
ફૅમિલી ટાઇમ: ઘરનું વાતાવરણ ખુશનુમા અને આહલાદક રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ બને એમ વધુ સમય ફૅમિલી સાથે પસાર કરવો. પરસ્પર હસી-મજાક કરો. સાથે બેસીને જમવું.
સ્ક્રીન-ટાઇમની લિમિટ: નાનાં બાળકો માટે ચોવીસ કલાકમાંથી બે કે ત્રણ કલાકનો સ્ક્રીન-ટાઇમ રાખવો. બાકીના સમયમાં તેને સ્ટડી કરવા અને અન્ય બાબત શીખવા માટે પ્રેરિત કરો.
મોબાઈલનો પાસવર્ડ બદલાતા રહેવું: પેરન્ટ્સે મોબાઈલનો પાસવર્ડ સમયાંતરે બદલતા રહેવું જોઈએ. જેથી તમારી મંજૂરી વગર બાળક મોબાઇલને હાથ નહીં લગાવી શકે.
ઘરનાં કામમાં બિઝી રાખવા: બાળકોને ઘરનાં અન્ય કામમાં સામેલ કરો. જો બાળક વધુ પડતો મોબાઇલનો ઉપયોગ કરે તો તેને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરવો. બાળકોને ઘરના કામ જેવા કે સાફસફાઈ, ડેકોરેશન, બ્રેકફાસ્ટની તૈયારીમાં મદદ વગેરે કરવામાં બિઝી રાખવા.
બાળકોથી દૂર રાખો મોબાઇલ: બાળક સવારે જાગતાની સાથે જ મોબાઇલ કે પછી ટીવી જોવાનું કહે તો એ બન્નેને તેની નજરથી દૂર રાખો.
મોબાઇલથી ધ્યાન હટાવવું: બાળકનું ધ્યાન મોબાઇલથી હટાવવા માટે તેને પુસ્તક વાંચવાની ટેવ પાડો અને સંગીત સંભળાવો.
કોમ્પ્યુટર કાં તો લેપટૉપ આપવું: બાળકોને સ્ટડી માટે મોબાઇલને બદલે કોમ્પ્યુટર કાં તો લેપટૉપ આપવું. જેથી મોબાઇલની સરખામણીએ સ્વાસ્થ્ય પર ઓછી ખરાબ અસર પડશે. સાથે જ તે શું જુએ છે એના પર પણ ચાંપતી નજર રાખી શકાશે.