શું લગ્ન પર વીમો લઇ શકાય? કઇ કઇ વીમા કંપની વેડિંગ ઇન્શ્યોરન્સ આપી રહી છે?
ડિસેમ્બરનો મહિનો બેસતા જ લગ્નસરા શરૂ થઇ જાય છે, હાલ સમગ્ર દેશમાં વેડિંગ સીઝન જામી છે, ત્યારે જો તમારા ઘરમાં પણ લગ્નપ્રસંગ આવી રહ્યો હોય તો જાણી લો કે લગ્ન પર વીમો કઇ રીતે લેશો, તેમજ ઇન્શ્યોરન્સ ક્લેમ મુકવાની આખી પ્રોસેસ શું છે..
ભારતીય પરિવારોમાં લગ્નસરા એ કોઇ તહેવારથી કમ નથી. કદાચ લગ્ન એ સૌથી વધુ ખર્ચાળ તહેવાર છે, લોકો લાખો-કરોડો રૂપિયા લગ્ન પાછળ ખર્ચી નાખતા હોય છે. પોતાના વ્હાલસોયા સંતાનોના જીવનના અત્યંત મહત્વના પ્રસંગને ધામધૂમપૂર્વક ઉજવી નાખવા દરેક ભારતીય માતાપિતા તત્પર હોય છે.
લગ્નની તારીખ નક્કી થાય એ પછી સતત પરિવારમાં કોઇને કોઇ વાતે ધામધૂમ ચાલી જ રહી હોય છે, ભોજન, વાડી-હોલ, બેન્ડવાજાં, વર-કન્યાનો પહેરવેશ, દાગીના વગેરે જેવી અઢળક બાબતો હોય છે, જે લગ્નના સમગ્ર આયોજનમાં એક મોટી ભૂમિકા ભજવે છે. આ તમામ બાબતો હેમખેમ પાર પડે તો જ લગ્નનું આયોજન સફળ ગણાય છે અને માબાપને હાશકારો થાય છે, પરંતુ ન કરે નારાયણ..અને જો સંજોગો વિપરિત ઉભા થયા તો? તો લગ્નનો વીમો તમારી વ્હારે આવશે.
એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 1 થી 1.5 કરોડ લગ્નો થાય છે. ઘણા મહિનાઓ પહેલા લોકોએ લગ્નો પર લાખોનો ખર્ચ કરી અનેક આયોજનો કર્યા હોય છે, એવામાં સામાન ચોરી, આગ લાગવી, અકસ્માત જેવા અનેક કારણોસર લગ્ન રદ થાય તો તેમાં વીમા કંપની લગ્ન વીમાનું વળતર ચૂકવે છે. પરંતુ આ માટે પૉલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના આધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. લગ્ન વીમામાં, પોલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના 1 થી 1.5 ટકા ચૂકવવા પડે છે. ધારોકે જો તમારા લગ્નમાં કુલ ખર્ચ 20 લાખ રૂપિયા થયો છે, તો તમારે વીમા પ્રિમિયમ તરીકે 30,000 રૂપિયા ચૂકવવા પડશે. પ્રિમિયમની ચૂકવણી બાદ જો કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ આવે તો તમે તમારા નુકસાન માટે વળતર મેળવી શકો છો. અલગ અલગ કંપનીઓમાં પ્રિમીયમનો દર અલગ અલગ હોઇ શકે છે. કઇ કઇ ઘટનાઓ કવર થશે અને કઇ કઇ નહિ એ પોલીસી પર આધારિત હશે. સામાન્યપણે પોલિસીની ડેડલાઇન 2 વર્ષની હોય છે, દુર્ઘટના બને એના 30 દિવસની અંદર પોલિસી ક્લેમ મુકી દેવાનો હોય છે.
દેશની ઘણી વીમા કંપનીઓ લગ્ન વીમા પોલિસીની સુવિધા આપી રહી છે. બજાજ આલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ફ્યુચર જનરલી, એચડીએફસી એર્ગો, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જેવી ઘણી વીમા કંપનીઓ ગ્રાહકોને લગ્ન વીમાની સુવિધા પૂરી પાડી રહી છે. જો કે કોઇપણ કંપનીની વીમા પોલિસી ખરીદતા પહેલા સંબંધિત અધિકારીનું માર્ગદર્શન મેળવવું તથા પોલિસીના તમામ દસ્તાવેજો સંપૂર્ણપણે ચકાસવા આવશ્યક છે.