ઇયરબર્ડ્સ બનાવી શકે છે બહેરાં
મોબાઇલ ફોન સાથે ઇયરબર્ડસ કનેક્ટ કરીને એમાં મ્યુઝિક સાંભળવાની ખૂબ મજા આવે છે, પરંતુ આ જ ઇયરબર્ડસ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઇયરબર્ડસ અને હેડફોનનો વપરાશ ખૂબ વધી ગયો છે. વર્તમાનમાં યુવાઓની સાથે વયસ્કો પણ વિવિધ ગેજેટ્સનો ઉપયોગ કરતા થઈ ગયા છે. લોકો કૉલ્સ, ગીત સાંભળવા અને ફિલ્મો જોવા માટે ઇયરબર્ડસનો વધારે પડતો વપરાશ કરે છે. જોકે એનો વધુ પડતો ઉપયોગ કાન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
આપણી સાંભળવાની ક્ષમતાને ઘટાડી શકે છે. ઇયરબર્ડસને કારણે કાનમાં ગંદકી જમા થાય છે. એ ગંદકી કાનની અંદર ફેલાઈ જાય છે. એને કારણે બહેરાશ આવી શકે છે.
ગુરુગ્રામમાં આવેલી મેરિંગો એશિયા હૉસ્પિટલમાં ન્યૂરોલોજી વિભાગના ક્લિનિકલ ડિરેક્ટર કપિલ અગ્રવાલે કહ્યું કે, ‘લાંબા સમય સુધી ઇયરબર્ડસના ઉપયોગથી આપણાં કાનની સાથે-સાથે બ્રેઇન પર પણ માઠી અસર પડે છે. આવાં ઉપકરણોમાંથી નીકળતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ વેવ્સ આપણાં દિમાગ પર ખરાબ અસર કરે છે. એને કારણે લોકોને અલગ-અલગ પ્રકારના અવાજ સંભળાવાનો ભ્રમ થાય છે.’
ઇએનટી સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર મુજબ જો તમે કલાકો સુધી ઇયરબર્ડસનો ઉપયોગ કરો છો તો તમને અનેક તકલીફો વેઠવી પડી શકે છે. એનાથી માથાનો દુખાવો થાય છે. સાથે જ માઇગ્રેનની પણ શરૂઆત થઈ શકે છે.
અનિદ્રા: ઘણો વખત સુધી ઇયરબર્ડસ પર ગીત સાંભળવાથી કે ફિલ્મો જોવાથી અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે. સાથે જ બહેરાશ પણ આવી શકે છે. ઊંચા અવાજમાં મ્યુઝિક સાંભળવાથી કાનની સાંભળવાની ક્ષમતા ઘટી જાય છે.
હૃદય માટે છે જોખમી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ઇયરબર્ડસ હૃદય માટે પણ જોખમી છે. મોટા અવાજે મ્યુઝિક સાંભળવાથી હૃદયના ધબકારા તેજ વધવા માંડે છે. એની હૃદય પર માઠી અસર પડે છે. જે ભવિષ્યમાં ગંભીર રોગનું કારણ બની શકે છે. આવા ગેજેટ્સને કારણે કાનના બ્લડ ફ્લો પર અસર થાય છે. એથી રાતે પણ સૂતી વખતે ઇયરબર્ડસનો ઉપયોગ ટાળવો જોઈએ.
કાનમાં ઇન્ફેક્શન: સતત કાનમાં રહેલાં ઇયરબર્ડસથી કાનમાં મેલ જમા થાય છે. એ મેલ કાનના પરદાને નુકસાન પહોંચાડી શકે છે. આટલું જ નહીં ઇયરબર્ડસ અને હેડફોનના વધુ પડતા ઉપયોગથી કાનમાં ઇન્ફેક્શન ફેલાવાનો પણ ભય રહે છે.
જો તમે કલાકોના કલાકો સુધી ઇયરબર્ડસ કે પછી હેડફોનનો ઉપયોગ કરો છો તો તરત એ ટેવને બદલી નાખો. દરરોજ એક કલાકથી વધુ એનો ઉપયોગ ન કરવો જોઈએ. ઊંચા અવાજમાં ન સાંભળવું. સાઉન્ડ લેવેલનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ૧૩૦ ડેસિબલથી વધુ એ લેવેલ ન હોવુ જોઈએ. એનાથી વધુ હશે તો કાનમાં સખત પીડા શરૂ થશે અને સાંભળવાની ક્ષમતા પર પણ પ્રભાવ પડશે.
Also Read –