મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ભગવાનને નમો, પછી એ તમને ક્યાંય નમવા નહીં દે.!

અરવિંદ વેકરિયા

જો નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ ઘડવી ન પડે. પ્રોફિટ કે લોસનો વિચાર કર્યા વગર તુષારભાઈએ કહી દીધું કે ‘આવતી કાલનો બધો ખર્ચ મારો. શો સારો ગયો. હવે આ માઉથ પબ્લિસિટીનો ફાયદો પરમ દિવસના શોમાં મળશે. આજનો શો પ્રેક્ષકોના પ્રચંડ પ્રતિસાદ સાથે પૂરો થયો છે!’

બધાએ આ વાત વધાવી લીધી. અભયભાઈ અને ધનજીભાઈને તો નક્કી કરેલ બે શોની જ ગણતરી હવે માંડવાની હતી. દિવાળી અને નવા વર્ષ વચ્ચે ક્યારેક આવી પડતા ‘ધોકા’ ની જેમ આવેલો બેઠા રહેવાનો દિવસ અને પૂરા દિવસની જવાબદારી હવે તુષારભાઈની હતી.

બીજા દિવસે શું કરવું એનો વિચાર કરતાં હતા. ત્યાં સવારના પહોરમાં તુષારભાઈ કહે : ‘અહીંથી ડાકોર નજીક પડે તો બધારણછોડરાયનાં દર્શન કરી આવીએ તો? હું માનું છું કે ભગવાનને નમો પછી ભગવાન તમને કોઈ જગ્યાએ નમવા નહિ દે..! ’

બધાને આ આધ્યામિક વાત ગમી ગઈ. સાથે સ્વાર્થ પણ ખરો કે આણંદમાં દિવસ પસાર કેમ થાય? તો ચાલો, દર્શનનો લાભ લઈએ ને દિવસ પણ પસાર થઈ જાય.
સવારે ફ્રેશ થઇ ૧૧ વાગે નીકળી જવાનું નક્કી થયું.

મેટાડોરનો ખર્ચ કરવા કરતાં એસ.ટી. બસમાં જશું તો સફરનો આનંદ આવશે એવું સૂચન ભરત જોશીએ (ભ.જો.) કર્યું. બધાને ગમ્યું. અમારો સંઘ એસ,ટી. સ્ટેન્ડ પહોંચ્યો.

ભ.જો. એ ત્યાં તપાસ કરી તો ખબર પડી કે ‘ડાકોરની એક બસ દસ મિનિટ પહેલાં જ ઊપડી ગઈ અને બીજી લગભગ એક કલાક પછી હતી. એક કલાક?’

તો ભ.જો. કહે: એ તો સામે પેલા ખાલી ખૂણામાં ‘અંતકડી’ રમતાં-રમતાં પસાર થઇ જશે.

બધા એ ખૂણામાં ગોઠવાયને અંતકડી શરૂ કરી દીધી. ભ.જો. જ્યાં ‘પૂછપરછ’ કરવા ગયો હતો એ અધિકારીને ખબર હતી કે આ નાટ્ય કલાકારો છે. હજુ અંતકડીની માંડ શરૂઆત કરી ત્યાં પેલો અધિકારી આવ્યો અને બોલ્યો,‘તમારે ડાકોર જવું હોય તો વધારાની સ્પેશિયલ બસ ખાસ ડાકોર માટે હમણાં રવાના થવાની છે તો બે નંબરનાં પ્લેટફોર્મ પર પહોંચો ! ’

લાવ-લશ્કર ટપોટપ બસમાં ગોઠવાય ગયા. આખી ટીમમાં તુષારભાઈ નથી એનો કોઈને ખ્યાલ પણ ન રહ્યો. બસ..ઊપડી. અડધે પહોંચી ગયા પછી ધનવંતશાહને બત્તી થઇ કે ‘તુષારભાઈ ક્યાં?’ એ વખતે મોબાઈલ નહોતા એટલે સંપર્ક કરવો શક્ય નહોતો. આપણને ત્યાં નહિ જુએ તો સમજી જશે કે ‘આપણે ડાકોર જવા નીકળી ગયા હોઈશું. એ એમની રીતે આવી જશે’ ભ.જો. એ પોતાનો વિચાર રજુ કરી દીધો. અમે ડાકોર પહોંચી હજી ઊતર્યા ત્યાં થોડી વારમાં એક મેટાડોર આવી. આખી મેટાડોરમાં એકલા તુષારભાઈ !

ગાળ-ગલોચ કરતાં અને સાથે હસતાં-હસતાં એ નીચે ઊતર્યા. વાત પરથી જાણવા મળ્યું કે તુષારભાઈએ એક કલાક સુધી બસ- સ્ટેન્ડ પર કલાકારોને દુ:ખી નહોતા કરવા એટલે અમે અંતકડી રમવા બેઠાં અને એ એક કલાક બચાવવાની શોધમાં નીકળી પડ્યાં. એમણે મેટાડોર ભાડે કરી અને અમને ‘સરપ્રાઈઝ’ આપવા અમને લેવા આવ્યાં, એ દરમ્યાન અમે નિર્માણ નિયામક ભ.જો. નાં ‘હુકમ’ થી ડાકોર જતી સ્પેશિયલ બસમાં બેસી ગયા. અડધે રસ્તે નિર્માતા’ યાદ આવ્યા….

શું તુષારભાઈ., તમે પણ ! આજનાં આપનાં ખર્ચમાં વધારો ન થાય એટલે મેં મેટાડોરની ‘નાં’ કહેલી. અને તમે એકલા મેટાડોરમાં આવ્યા. બસમાં મજા કરતાં આવવાનો પ્લાન હતો. તમે સાવ ખોટો ખર્ચ કર્યો ને?.

તુષારભાઈ કહે : ‘એમાં શું? મારે એવા પૈસા બચાવીને મોટા નહોતું થવું, ક્યાં લાખોની વાત હતી? ઝરણું દોડીને સાગરને મળવા જાય ત્યારે એ મોટા થવાની લાલચમાં ખુદ ખારું થઈ જાય છે ને? સંપત્તિથી નહિ, સંસ્કારથી મોટા બનવું, ભગવાનના દર્શન કરવા આવીએ ત્યારે આ બધો હિસાબ થોડો મંડાય?’

ગિરદી તો હતી મંદિરમાં, પણ અમને બધાને શાંતિથી દર્શન થયા. નાટક માટે આશીર્વાદ માગી પ્રસાદ લઈ મંદિરના પરિસરમાંથી બહાર આવ્યા.

બપોરે લંચ લઈ બધા તુષારભાઈએ લાવેલ મેટાડોરમાં ગોઠવાયા. અદભુત અનુભૂતિ હતી એ. તુષારભાઈ ભ. જો. ને ઉદ્દેશીને કહે,’ ‘ભ,જો, ૧૦૮ મણકાની માળા ફેરવતા મન ભટકે છે, જયારે ૫૦૦ રૂપિયાના નોટનાં બંડલને ગણતાં મન સ્થિર રહે છે, એવું કેમ? હોટલ ઉપર પહોંચી મારી પાસેથી પૈસા લઇ કલાકારોનાં બે શો નાં કવર ભરી લેજે. આજે સારું થયું કે શો ન થયો. કદાચ રણછોડરાયની એવી ઇચ્છા હશે કે હું કલાકારોને નાની એવી જાત્રા કરાવું.આપણે તો શો રદ નહોતો કર્યો. સરકારી નિયમની આંટીમાં આપણે શો રદ કરવો પડ્યો. એ પણ એક સંકેત હતો સારું કામ કરવાનો. જેની મતિને ગતિ સત્યની છે, એના સારથી કૃષ્ણ જ હોય. રણછોડરાયના દર્શન કરવામાં તમે બધા પણ નિમિત્ત બન્યા. મને પુણ્યનો અધિકારી બનાવ્યો.’


મૃત્યુની ગાડી ઘણી મોડી મળી, ‘તો’ય લાગ્યું જિંદગી થોડી મળી.


આદરાંજલિ… મુળરાજ રાજડા
જાણીતા ચરિત્ર અભિનેતા-કલાકાર-નાટ્ય-સીને લેખક-દિગ્દર્શક મુળરાજ રાજડાની ૨૩ સપ્ટેમ્બર – ૨૦૨૪ના ૯૩મી પુણ્ય-તિથિ હતી એ નિમિતે એમને સ્નેહભરી આદરાંજલિ. ૧૯૭૪માં મને અને પ્રતાપ સચદેવને લાલુ શાહની સંસ્થા ‘બહુરૂપી’માં, પ્રવેશ અપાવનાર તથા સનત વ્યાસ અને સોહિલ વિરાણી જેવા દોસ્ત બનાવવામાં પરોક્ષ રીતે નિમિત્ત બનનાર આ સરળ-સાલસ અને અદના માણસને નત-મસ્તક નમન.

ગમે તે કહો, પણ રાવણની બે ઇચ્છા કોઈ દિવસ પૂરી ન થઈ. એક- બંધ ગળાનું ટી-શર્ટ પહેરવાની, બે- પડખું ફરીને સૂઈ શકવાની.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…