બ્લિંકિટ, ઝેપ્ટો કે સ્વિગી કોણ છે સૌથી ફાસ્ટ? એક મહિલાએ કર્યો આવો પ્રયોગ, સોશિયલ મીડિયા પર ચર્ચા
હૈદરાબાદ: છેલ્લા ઘણા સમયથી 10 મિનીટ ડિલીવરી એપ દ્વારા ખરીદી કરવાનું ચલણ વધ્યું છે. આ ક્ષેત્રે બ્લિંકિટ (Blinkit), ઝેપ્ટો (Zepto)અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ (Swiggy Instamart) મુખ્ય પ્રતિસ્પર્ધીઓ છે. ત્રણેય એપ્સ એક બીજાથી ઝડપી ડિલીવરી કરતાં હોવાના દાવા કરે છે. આ દાવાની પરખ કરવા હૈદરાબાદની એક મહિલાએ એક પ્રયોગ કર્યો. મહિલાએ ત્રણેય એપ એકસાથે ઓર્ડર આપ્યો, એ જાણવા કે કઈ એપ સૌથી ઝડપી ડિલિવરી કરે છે. મહિલાએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે બાદ આ અંગે ચર્ચા થઇ રહી છે.
આ એપ પર સૌથી ઝડપી ડિલીવરી મળી:
હૈદરાબાદમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB) ની વિદ્યાર્થીની સ્નેહાએ X પર કેટલીક પોસ્ટ્સ કરીને તેણે કરેલા એક્સપેરિમેન્ટના તારણો શેર કર્યા. સ્નેહા અને તેના મિત્ર આર્યને અલગ અલગ એપ્સમાંથી ઓર્ડર આપ્યો હતો.
સ્નેહાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે બ્લિંકિટે સૌપ્રથમ ડિલીવરી કરી, ત્યાર બાદ સ્વિગી ઇન્સ્ટામાર્ટે ડિલીવરી કરી, જ્યારે ઝેપ્ટોના 10 મિનિટ ડિલીવરીના દાવા છતાં 30 મિનિટનો સમય લીધો.
સોશિયલ મીડિયા પર ચર્ચા:
સ્નેહાની આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લોકો રીએક્શન આપી રહ્યા છે, અને અલગ અલગ એપ્સ સાથે પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે હું બ્લિંકિટ અને સ્વિગી પરથી ઓર્ડર કરું છું, બ્લિંકિટ હંમેશા 10 મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરે છે, સ્વિગી 15-20 મિનિટમાં આપે છે.
આ પણ વાંચો…Burj Khalifaના પાયામાં છે એવી ખાસ વસ્તુ જેના પર ટકેલું છે આખું માળખુ…
એક યુઝરે લખ્યું કે આ પ્લેટફોર્મ્સ તેમના વર્કફોર્સના ગૌરવ અને તેમની સાથે ન્યાયી વર્તન કરતાં સ્પીડને પ્રાથમિકતા આપે છે તે શરમજનક છે, કસ્ટમરની વધુ સુવિધા માટે વર્કર્સને કોમોડિટી ગણવામાં આવે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આ ડિલિવરી સમયને ગ્લોરીફાય કરવાનું બંધ કરીએ અને આ કહેવાતી ‘પ્રગતિ’ પાછળના નીતિશાસ્ત્ર પર પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કરીએ.