અહીંયા પડ્યા મોટા દરોડાઃ સાહેબ બહુ ઈમાનદાર છે, ચા-પાણીમાં જરાય માનતા નથી…
જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર એવા જાત જાતના વીડિયો વાઈરલ થતાં હોય છે. વાઈરલ થતાં સેંકડો વીડિયોમાં કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. આજે અમે અહીં તમારા માટે આવો જ એક વીડિયોની માહિતી લઈને આવ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક વાંદરો સરકારી ઓફિસમાં ઘૂસી ગયેલો જોવા મળે છે અને ટેબલ પર પડેલાં પેપરના ઢગલાંને રફેદફે કરવા લાગે છે. ઓફિસમાં હાજર સરકારી બાબુઓ કેળું આપીને વાંદરાને લાંચ આપવાનો પ્રયાસ કરે છે, પણ વાંદરો કોઈ કાળે નથી માની રહ્યો અને કર્મચારી દ્વારા આપવામાં આવેલા કેળાને ફેંકી દે છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો ઉત્તર પ્રદેશના સહરાનપુરનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં વાંદરો ટેબલ પર પડેલાં પેપર ઉથલાવતો, અહીંયા ત્યાં ફેંકતો જોવા મળે છે. ક્યારેક રજિસ્ટર જોતો જોવા મળે છે. ઓફિસમાં હાજર સરકારી બાબુઓ વાંદરાને કેળાની લાંચ આપવાનો પ્રયાસ પણ કરે છે. આવું બે-ત્રણ વખત થાય છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયોને જોઈને એવી કમેન્ટ કરી રહ્યા છે કે આ સાહેબ તો બહુ જબરા છે, લાંચ લેવામાં નથી માનતા. બહુ મોટી રેઈડ પડી છે.
અહીંયા પડ્યા મોટા દરોડાઃ સાહેબ બહુ ઈમાનદાર છે, ચા-પાણીમાં જરાય માનતા નથી…#viral #fun #cute #monkey pic.twitter.com/zMDPK4WHhI
— Mumbai Samachar Official (@Msamachar4u) October 20, 2023
દરમિયાન આ વીડિયો પાછળની હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવતા એવી માહિતી સામે આવી હતી કે આ વીડિયો બેહત તહેસીલનો છે. જોકે, સહરાનપુરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે એવી સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો કોઈ સરકારી ઓફિસનો નથી. વાંદરો બહેત તહેલીસમાં આવેલી વકીલની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો અને ટેબલ પર બેસી ગયો હતો.
એડીએમે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં વાંદરા અવારનવાર દેખાતા જ હોય છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસને આ બાબતની માહિતી આપવામાં આવી છે.