વર્ગવિહીન સમાજના પ્રણેતા તો ભોળા મહાદેવ જ
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
મહાદેવ પાર્વતીને પરણવા ગયા રાજાના મહેલમાં પણ તેમની જાનમાં બ્રહ્મા વિષ્ણુ સહિત અન્ય દેવો, ક્ધિનરો, ગાંધર્વો ,માનવો,આદીવાસીઓ અને ભીલો તો હતા જ સાથે રાક્ષસો અને ભૂતપિશાચ યોનિના જીવો પણ હાજર હતાં. સમાજના દરેક વર્ગોની હાજરી હતી. શિવાલય એવું સ્થળ છે જ્યાં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ સમયે બેરોકટોક જઇ શકે છે. શિવ કૈલાસ પર પણ આસનસ્થ થઇ શકે છે તો સ્મશાનમાં પણ પલાંઠીવાળીને બેસી શકે છે. દૂધને જેટલા ભાવથી ગ્રહણ કરે છે એટલા જ પ્રેમથી વિષ પણ ગ્રહણ કરે છે. શિવજી માટે દેવ હોય કે દાનવ જે એમને ખરા હૃદયથી ચાહે, આરાધના કરે તેમના પર પ્રસન્ન થઇ જાય. રાજ હોય કે રંક શિવના દરબારમાં બધા એક સમાન. આના પરથી એ સાબિત થાય છે કે શિવજી તો વર્ગવિહીન સમાજના પ્રણેતા જ હતા, પણ આ ઊંચનીચના ભેદભાવ આપણે ત્યાં આવ્યા એ કોઇ અંધાર યુગના સ્વાર્થી માણસો કે સ્થાપિત હિતોની જ દેણ છે. આપણે ત્યાં વર્ણવ્યવસ્થા તો કર્મના આધારે ઊભી કરવામાં આવી હતી. કોઇ પણ કાર્ય કે વ્યવસાય કરવા માટે ચાર કાર્યશક્તિની જરૂર પડે.
બુદ્ધિબળ, નાણાકીય બળ, સંરક્ષણ શક્તિ અને શ્રમશક્તિ. કોઇ પણ કંપની ખોલો તો ધંધો ચલાવવા બુદ્ધિ જોઇએ, નાણાં જોઇએ, દુકાન કંપનીની મિલકતને સાચવવા ગાર્ડ જોઇએ, નાના-મોટા પરચૂરણ કામ કરવા માટે પ્યૂન જોઇએ. એ જ રીતે પૂરો સમાજ ચલાવવા બુદ્ધિબળ કે જ્ઞાનબળ (બ્રાહ્મણ) ,નાણાકીય બળ (વૈશ્ય), સંરક્ષણ બળ(ક્ષત્રિય) અને શ્રમબળ (શૂદ્ર)ની જરૂર હોય છે. જોકે, કાર્યોના આધારે જે ભાગ પડ્યા હતાં એ વખત જતાં જન્મના આધારે ભાગ પડી ગયા. વર્ણ શબ્દ વરણ પરથી આવ્યો છે, વરણ કરવું એટલે પસંદ કરવું, વરવું એટલે જોડાવું, પોતાની પસંદગીના કાર્યમાં જોડાય એ વર્ણ, જન્મ પ્રમાણે નહીં. બ્રાહ્મણમાં જન્મ્યા એટલે બ્રાહ્મણ નહીં, પણ જ્ઞાન મેળવવું જેમને ગમે છે, પોતાના જ્ઞાનનો ઉપયોગ જે સમાજ માટે કરે છે એ બધા જ બ્રાહ્મણ કહેવાય, આવી જ રીતે સરહદ પર લડતો દરેક સૈનિક ક્ષત્રિય કહેવાય, ધંધા-વ્યવસાય અને રોજગાર પૂરો પાડતા દરેક વેપારીઓ વૈશ્ય કહેવાય. જે લોકો ભણતર પૂરું કરી શકે એટલા હોંશિયાર નથી, જેમની પાસે બિઝનેસની સૂઝ કે કૌશલ્ય નથી, સરહદે લડવા જેટલી શક્તિ કે ક્ષમતા નથી એ લોકો માટે પણ સમાજમાં સ્થાન છે. આ લોકો શ્રમ કરીને પેટ ભરે છે. શ્રમજીવીઓ છે. આ ચારે વગર કોઇ વ્યવસાય કે કોઇ સમાજ સુપેરે ચાલતો નથી. માટે ચારેને એકસરખું જ મહત્ત્વ અપાવું જોઇએ. પણ જ્યારથી ઊંચનીચ અને તેના પરિણામે છૂતાછૂત આવી એ ખરેખર સનાતન ધર્મીઓ માટે કમનસીબી લાવી. અછૂતપણાની અને અપમાનની હીનભાવનાથી પીડાતી પ્રજા અન્ય વિદેશી ધર્મો તરફ વળવા લાગી અને સનાતન ધર્મીઓનું પોત નબળું પડ્યું. વિદેશીઓ પણ આ વ્યવસ્થાનો ગેરલાભ લેવા લાગ્યા. અફસોસ તો એ વાતનો છે કે આઝાદીના ૭૮મા વર્ષમાં આપણે દાખલ થઇ ચૂક્યા છીએ છતાંય સવર્ણ-દલિત વચ્ચે ઝઘડો કરાવીને, જાતિવાદને વકરાવીને પોતાની ભાખરી શેકી લેવા વાળાનો દેશમાં તોટો નથી. જે લોકો મહાદેવને શ્રાવણ મહિનામાં હોશે હોશે પૂજે છે એ નેતા હોય કે આમ નાગરિક, સવર્ણ હોય કે દલિત, અમીર હોય કે ગરીબ આ બધાએ શિવજીને આદર્શ માની સમાજને વર્ગવિહીન બનાવીને દેશનો વિકાસ કરવાનો સંકલ્પ લેવો જોઇએ.