તંદુરસ્ત સવાર માટે અજમાવો જીરા પાણી, મળશે આ પાંચ મોટા ફાયદા…

આપણે ત્યાં સામાન્ય રીતે લોકોની સવાર ચા અથવા કોફી પીને થતી હોય છે, પરંતુ નિષ્ણાતો ખાલી પેટ આ પીણાં પીવાનું ટાળવાની સલાહ આપે છે. તેના બદલે, જો તમે તમારા દિવસની શરૂઆત જીરા પાણી સાથે કરો છો, તો તેનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. કારણ કે સવારે ખાલી પેટ જે પણ ખાઓ છો, તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર પડે છે. સવારે જીરા પાણી પીવાથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો મળી રહે છે. ચાલો જાણીએ કે જીરા પાણી કેવી રીતે તૈયાર કરવું અને તેના શું ફાયદા છે?
જીરામાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા છે. જીરાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જીરા પાણી પીવાથી ગેસ, એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. તેનાથી તમારી ચા પીવાની તલપ પણ શાંત થઈ જાય છે.

જીરા પાણી કેવી રીતે બનાવવું?
એક ગ્લાસ પાણીમાં લગભગ 1 મોટી ચમચી જીરું નાખીને આખી રાત માટે છોડી દો. સવારે પાણીને જીરા સાથે એક પેનમાં નાખો અને ઉકાળો. હવે આ પાણીને હળવા ઘૂંટડા ભરતા ગરમ પી લો. તમે ઈચ્છો તો તેમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.
જીરા પાણી પીવાના ફાયદા (Jeera Water Benefits In Gujarati)
વજન ઘટાડવામાં મદદરૂપ: સવારે જીરાની ચા સાથે દિવસની શરૂઆત કરવાથી મેટાબોલિઝમ વધે છે. તેનાથી તમારા પાચનમાં સુધારો આવે છે અને શરીર જરૂરી પોષક તત્વોને સરળતાથી શોષી શકે છે. સાથે જ તેનાથી જમા થયેલી ચરબી પણ બર્ન થાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક: ડાયાબિટીસના દર્દીઓએ સવારે દૂધવાળી ચાની જગ્યાએ જીરાવાળી ચા પીવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં પણ સુધારો આવે છે.
પાચનતંત્રને તંદુરરસ્ત રાખે છે: પાચનમાં સુધારો લાવવા માટે સવારે ખાલી પેટે જીરાની ચા જરૂર પીઓ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જે લોકોને ગેસ, એસિડિટી અને અપચોની સમસ્યા રહેતી હોય તેમણે દિવસની શરૂઆત જીરા ટી સાથે કરવી જોઈએ.
કોલેસ્ટ્રોલ ઘટાડે છે: શરીરમાં હાઈ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં જીરા ટી મદદ કરે છે. તેનાથી શરીરમાં સ્વસ્થ કોલેસ્ટ્રોલને જાળવી રાખવામાં મદદ મળે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ જીરાની ચા મદદગાર સાબિત થાય છે. તેનાથી હૃદય રોગોનું જોખમ ઓછું થાય છે.
હોર્મોન્સને બેલેન્સ કરશે: મહિલાઓના શરીરમાં હોર્મોનલ સમસ્યાઓ ઘણી વધારે હોય છે. તેના માટે તમે સવારે જીરાની ચા પી શકો છો. જીરાની ચા પીવાથી અનિયમિત પીરિયડ્સની સમસ્યામાં ફાયદો થાય છે. તેનાથી પીરિયડ્સ દરમિયાન પેટમાં થતી ખેંચ અને દુખાવો પણ ઓછો થાય છે.
નોંધ: અત્રે આપવામાં આવેલી ટિપ્સ માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી.
આપણ વાંચો : સુપરફૂડ ઓટ્સ પણ બની શકે છે ઝેર! જો તમે આમાંથી એક હોવ તો દૂર રહો