સૂક્ષ્મ અણુ હોય કે વિશાળ ગ્રહમાળા: બધા શિવલિંગના જ આકારમાં
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
શિવજી અણુથી પણ સૂક્ષ્મ છે અને બ્રહ્નાંડના મોટા મોટા પદાર્થો કરતા પણ મોટા છે તેવું ઘણા પુરાણગ્રંથોમાં વાંચવા મળે છે. આ વાત આજના વિજ્ઞાનની દૃષ્ટિએ પણ સાચી છે. નાના અણુની સંરચના હોય કે સૂર્યની આસપાસ ફરતા ગ્રહોની મસમોટી માળા, બધાનો આકાર શિવલિંગ જેવો ઓવલ અર્થાત્
અંડાકાર છે.
એક નાના અણુના મધ્યમાં કેન્દ્ર હોય છે જેમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય છે અને તેમની આસપાસ ઇલેક્ટ્રોન્સ ગોળગોળ ફરતા હોય છે. આ ઇલેક્ટ્રોન્સ વાસ્તવમાં એકદમ ગોળાકાર નહીં, પણ અંડાકાર અર્થાત લંબગોળ અર્થાત્ શિવલિંગના આકારમાં જ ફરતા રહી શક્તિનું નિર્માણ કરતાં હોય છે. આ જ રીતે આપણી ગ્રહમાળામાં સૂર્ય કેન્દ્રમાં હોય છે અને પૃથ્વી સહિત તમામ ગ્રહો તેની આસપાસ શિવલિંગના આકારમાં જ ગોળ પ્રદક્ષિણા ફરતા હોય છે. આવી ગતિથી જ દિવસ અને ઋતુપરિવર્તન માટેની અજબ શક્તિ સૃષ્ટિને મળતી હોય છે.
જેમ અણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન રહેલા છે તેમ શિવલિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું નિવાસ સ્થાન છે. પદાર્થના અણુઓનું મિલન અને નવું સર્જન ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. સોડિયમ એક ઇલેક્ટ્રોન છોડે અને કલોરિન એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે આપણને સહુને ઉપયોગી અને જીવન માટે જરૂરી મીઠાનું સર્જન થાય છે. આ જ રીતે કેટકેટલા સંયોજનો ઇલેક્ટ્રોનની કૃપાથી સર્જન પામ્યા છે. બ્રહ્માનું કાર્ય સર્જન કરવાનું છે એટલે આપણે બ્રહ્માને ઇલેક્ટ્રોન સાથે સરખાવી શકીએ. વિષ્ણુની નાભિ સાથે જોડાયેલા કમળના પુષ્પ પર બેઠેલા બ્રહ્માના દર્શન તો તમે કર્યા હશે. આ કમળની દાંડી વિષ્ણુની નાભિ સાથે રહે છે અને બ્રહ્મા તે નાભિની આસપાસ પ્રદક્ષિણા ફરતા રહે છે. જેમ પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે તેમ વિષ્ણુની નાભિમાં શિવ અને વિષ્ણુનો અંશ હોય છે. જોવા જેવું એ છે કે જેમ પ્રોટોનમાં વીજભાર (પોઝિટિવ) અને ઇલેક્ટ્રોનમાં વીજભાર (નેગેટિવ) હોય છે જ્યારે ન્યુટ્રોન ખરેખર ન્યુટ્રલ (વીજભાર રહિત) હોય છે. બસ આ જ રીતે વિષ્ણુ અને બ્રહ્ના આસક્તિ ધરાવે પરંતુ શિવ કોઇ પણ આસક્તિ વગર પોતાના ધ્યાનમાં મસ્ત રહે છે (એટલે તેમને ન્યુટ્રોન્સ સાથે સરખાવી શકાય), મોહમાયા છોડીને વસ્ત્રો-અલંકારો છોડી સતત સાધનામાં લીન હોય છે.
કોઇ પણ પક્ષપાત વગર – દેવ હોય, દાનવ હોય કે માનવ બધાને એક સરખી નજરે જુએ છે. શરીર અંતે તો રાખ જ છે એટલે તેમાં આસક્ત નથી થવાનું એ સ્મશાનમાં બેઠેલા શંકર ભગવાન આપણને શીખવે છે. આ એક જ એવા દેવ છે જેઓ સુગંધિત દ્રવ્યોના લેપનની સાથે ભસ્મનો શણગાર પણ સહજપણે સ્વીકારે છે. આ એક જ દેવ એવા છે જે મનુષ્ય, પ્રાણી કે ભૂતયોનિને પણ પ્રેમથી ગળે લગાડે છે. ખરેખર પૃથ્વી પર શિવ જેવી તટસ્થ વિભૂતિ તમને ક્યાં જોવા મળે? આ જ શિવ જો રૂઠે તો સૃષ્ટિનો સંહાર પણ કરી શકે તેમના ત્રીજા લોચનમાં જ્વાળારૂપી ભારેલો અગ્નિ હોય છે જે પૂરા બ્રહ્માંડને ભસ્મ કરી શકે છે. જેમણે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે તેમને ખ્યાલ હશે કે અણુમાં રહેલા ન્યુટ્રોન્સ જ પ્રચંડ અણુવિસ્ફોટ કરવામાં અને વિનાશકારી કાર્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.
આવા શિવનું પ્રતીકરૂપ લિંગ જ્યારે પ્રાણ-પ્રતિષ્ઠિત થાય અને મંદિરોમાં સતત મંત્રોચ્ચારણથી તેનું ઊર્જા કે જ્યોતિમાં રૂપાંતર થાય ત્યારે એ જ્યોતિર્લિંગ કહેવાય. આઇન્સ્ટાઇને પણ કહ્યું છે કે પદાર્થનું ઊર્જામાં રૂપાંતર થઇ શકે છે. આવી તેજ ઊર્જાને નિયંત્રણમાં રાખવા તેના પર સતત જળધારા વહાવવાનો સુંદર વિચાર આપણા પ્રાચીન અને ધ્યાન-અનુષ્ઠાન દ્વારા જ્ઞાન પામેલા ઋષિમુનિઓને આવ્યો હશે એ ખરેખર યોગ્ય જ છે.
તમે પણ શિવલિંગ પર યથાશક્તિ જળાભિષેક કે દુગ્ધાભિષેક કરો તો ખોટું નથી, પણ હા નાહકનો વેડફાટ અને ગંદકીને
જરૂર ટાળજો. (ક્રમશ:)