તાજેતરમાં રિલીઝ થયેલી (અને સાવ બેસી ગયેલી) ફિલ્મ ‘જિગરા’ માટે વિવાદ થયો હતો. ટી સિરીઝ વાળાં દિવ્યા ખોસલા કુમારે કહ્યું હતું કે ‘આ તો અમારા પ્રોડકશનની ફિલ્મ ‘સાવી’ની જ સેઈમ વાર્તા છે!’
મજાની વાત એ છે કે ‘જિગરા’ જે ‘ધર્મા પ્રોડકશન’ની ફિલ્મ છે, એમની જ એક અગાઉ આવી ગયેલી ફિલ્મ ‘ગુમરાહ’ (શ્રીદેવી- સંજય દત્ત- ૧૯૯૩)ની સ્ટોરી પર આધારિત છે! એમાં શ્રીદેવી પાસેથી કોકેન મળી આવ્યું છે એવા ખોટા આરોપસર એની બેંગકોકમાં ધરપકડ થઈ જાય છે, પણ શ્રીદેવીનો દૂરનો આશિક સંજય દત્ત ધનાધની ટાઈપનું એકશન કરીને શ્રીદેવીને બેંગકોકની ખતરનાક જેલમાંથી છોડાવી લાવે છે.
‘જિગરા’માં સંજય દત્તની જગ્ગાએ આલિયા ભટ્ટ છે (બાય ધ વે, ‘ગુમરાહ’ના ડિરેકટર આલિયાના પપ્પા મહેશ ભટ્ટ જ હતા) અને અહીં જેલમાં આલિયાનો ભાઈ ગયો છે. પછી આલિયા ‘ઢેન્ટેણેન…’ ટાઈપનું એકશન કરીને મેરે ભૈયા કો છૂડાવે છે.
-પણ હલો, એથી પણ મજાની વાત એ છે કે ‘ગુમરાહ’ની સ્ટોરી જેની ઉપર આધારિત હતી તે ઑસ્ટ્રેલિયન ટીવીની બેંગકોક ‘હિલ્ટન’ નામની મિની-સિરીઝ હતી!
બીજા કોઈની ફિલ્મ ઉપરથી આધારિત પોતે નવી ફિલ્મ બનાવી નાખે એવા તો સેંકડો દાખલા મળશે, પણ અમુક ફિલ્મોમાં એવું બન્યું કે નિર્માતા અથવા નિર્દેશકે એકની એક ફિલ્મ બીજી વાર બનાવી હોય. દાખલા તરીકે, ‘મધર ઈન્ડિયા’… મહેબૂબ ખાને બનાવેલી આ ફિલ્મ તો એ જમાનામાં સુપરહિટ હતી, જેને આજે પણ લોકો યાદ કરે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે એ અગાઉ મહેબૂબ ખાને ‘ઔરત’ નામની એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બનાવી હતી. તે બહુ ખરાબ રીતે ફલોપ ગઈ હતી, છતાં મહેબૂબ ખાનની હિંમત જુઓ, એ જ વાર્તા ઉપરથી એમણે ‘મધર ઈન્ડિયા’ બનાવી-જે ધૂમ ચાલી!
નિર્માતા-નિર્દેશક ચેતન આનંદની સાથે પણ આવું બન્યું છે. વરસો પહેલાં, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના જમાનામાં એમણે પોતાના સગાં ભાઈ દેવ આનંદને હિરો તરીકે લઈને ‘અફસર’ નામની ફિલ્મ બનાવી હતી (૧૯૫૦), જે પાછી આમ તો નિકોલાઈ ગોગોલ નામના રશિયન લેખકની ‘ધ ગવર્મેન્ટ ઈન્સ્પેકટર’ નામની વાર્તા ઉપર આધારિત હતી. એમાં એક મામૂલી માણસ એક અજાણ્યા ગામમાં આવે છે પણ ભૂલથી ગામના ખડૂસ આગેવાનો એને સરકારી અફસર માની બેસે છે! (આજકાલ ગુજરાતમાં ૨૭થી વધુ નકલી સરકારી અધિકારીઓ પકડાયા છે, તેની ‘પ્રેરણા’ આ ફિલ્મ તો નહોતી જ!)
‘અફસર’ સૂક્ષ્મ કોમેડી અને કટાક્ષ ધરાવતી ફિલ્મ હતી એટલે એક વખતે ફલોપ ગયેલી. પણ પછી ચેતન આનંદને એજ વાર્તા ઉપરથી ફરી નવી રંગીન ફિલ્મ બનાવવનું સૂઝયું. આ ફિલ્મ હતી ‘સાહેબ બહાદુર’ (૧૯૭૭), જેમાં પોતાના સગા ભાઈ સાથે હીરોઈન તરીકે સગી પ્રેમિકા પ્રિયા રાજવંશ હતી. આ ફિલ્મ પણ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.
ખ્યાતનામ નિર્માતા નિર્દેશક બી. આર. ચોપરાએ પણ પોતાની એક ફિલ્મ બે વાર બનાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ‘અફસાના’ (૧૯૫૧) તો વળી બી. આર. ચોપરાએ દિગ્દર્શિત કરેલી પોતાની પહેલી ફિલ્મ હતી. એમાં અશોક કુમારનો ડબલ રોલ હતો. કોમેડિયન તરીકે પાછળથી જાણીતા થયેલા આઈ. એસ. જોહરની વાર્તા પરથી આ ફિલ્મ બની હતી. જોકે મૂળ વાર્તામાં કોમેડીનો છાંટો પણ નહોતો. બલકે સસ્પેન્સ ડ્રામા હતું. વરસો પછી ચોપરા સાહેબે એ જ સ્ટોરી પરથી દિલીપ કુમારને લઈને ‘દાસ્તાન’ બનાવી, પરંતુ પ્રેક્ષકોને ફ્રેન્ચ-કટ દાઢી અને રૂંછાદાર ટોપો પહેરેલો દિલીપ કુમાર ખાસ પસંદ પડયો નહીં. આ ફિલ્મ પણ સુપાર ફલોપ નીવડી.
આ તો એવી ફિલ્મોની વાતો થઈ, જેમાં વરસોનો ગેપ હતો, પરંતુ ૨૦૧૬માં બે ફિલ્મ આવી. બન્નેમાં અમિતાભ બચ્ચન હતા અને બન્નેની વાર્તાનું ‘કથાબીજ’ સેઈમ ટુ સેઈમ હતું! છતાં બન્ને ફિલ્મો ચાલી ગઈ! એમાંની એક હતી ‘વઝીર’ અને બીજી હતી ‘તીન’.
જોકે નવાઝુદ્દીન સિદ્દિકીને ચમકાવતી ‘તીન’માં તો ક્રેડિટ ટાઈટલ્સમાં સ્પષ્ટ રીતે લખેલું હતું કે તે સાઉથ કોરિયાની ફિલ્મ ‘મોન્ટાજ’ ઉપર આધારિત હતી, પરંતુ ‘વઝીર’ના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં મિડિયામાં એવી વાતો ચગાવેલી કે આ તો મારી છેક ૨૦૧૩માં લખેલી ઓરિજિનલ સ્ટોરી છે, જેના ઉપરથી હોલીવૂડમાં ઇંગ્લિશ ફિલ્મ બનવાની હતી અને જેમાં પ્રખ્યાત એકટર ડસ્ટિન હોકમેન રોલ કરવાના હતા!
આમાં પણ મજાની વાત એ થઈ કે બન્ને ફિલ્મો જોઈને બહાર આવ્યા પછી સામાન્ય પ્રેક્ષકોને ખ્યાલ જ નહોતો આવ્યો કે બોસ, આ તો સેઈમ-સેઈમ છે! બન્નેે ફિલ્મોમાં ઘણું બધું સરખું હતું. જેમકે ‘વઝિર’માં ફરહાન અખ્તર એક પોલીસ ઓફિસર છે, જે એક આતંકવાદી સાથે એન્કાઉન્ટર કરવા જતાં પોતાની દીકરીને ગોળીનો શિકાર થતાં બચાવી શકતો નથી. પાછળથી તે સસ્પેન્ડ થાય છે. ‘તીન’માં નવાઝુદ્દીન સિદ્દિકી પણ પોલીસ ઑફિસર છે, પણ અહીં એક દુર્ઘટનામાં તે એક બાળકીને મરતાં બચાવી શકયો નથી. એટલે એ નોકરી છોડીને ચર્ચમાં પાદરી બની જાય છે! એટલું જ નહીં, બન્ને ફિલ્મોમાં અમિતાભ બચ્ચન પોતાની ખોવાઈ ગયેલી (અને હત્યા કરાયેલી) પૌત્રીના હત્યારાને શોધવા માટે આ ઍક્સ-પોલીસમેનની મદદ માગે છે… અને હલો, એટલું જ નહીં, અમુક એવી ભેદી કડીઓ ગોઠવે છે જેનાથી અસલી ગુનેગાર, જે આજે બહુ મોટો નેતા અથવા બહુ મોટો બિઝનેસમેન બની બેઠો છે તે ઝડપાઈ જાય છે!
અહીં પણ મજાની વાત (આ લેખની પાંચમી મજાની વાત) એ હતી કે મિસ્ટર બચ્ચનને તો બન્ને ફિલ્મની સ્ટોરીઓ ખબર હતી ને બન્ને ફિલ્મનું શૂટિંગ પણ સાથે સાથે જ ચાલી રહ્યું હતું, છતાં બચ્ચન સાહેબ ચૂપ રહ્યા હતા! બોલો.
છેલ્લે એક સામટી દ્દિપાંચ’ સરખી ફિલ્મોની વાત કરી લઈએ. એ પાંચ ફિલ્મ પણ લગભગ
એકસાથે જ રિલીઝ થયેલી વર્ષ ૨૦૦૨માં. આ પાંચે પાંચ ફિલ્મ શહીદ ભગતસિંહની જીવનકથા ઉપર આધારિત હતી, જેમાંથી બોબી દેઉલવાળી ‘શહીદ’, અજય દેવગનની ‘ધ લિજન્ડ ઑફ ભગતસિંહ’, સોનુ સૂદવાળી ‘શહીદ-એ-આઝમ’ ઉપરાંત બે પજાંબી ફિલ્મો પણ હતી. અહીં પણ જો બ્લેક ઍન્ડ વ્હાઈટના જમાનામાં જઈએ તો એકવાર મનોજ કુમાર અને એકવાર શમ્મી કપૂર ભગતસિંહ બની ચૂકયા હતા.