આવતીકાલથી શરૂ થશે નવલા નોરતા; આ વર્ષે નવ નહીં, 10 નોરતા! જાણો ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

આવતીકાલથી શરૂ થશે નવલા નોરતા; આ વર્ષે નવ નહીં, 10 નોરતા! જાણો ઘટ સ્થાપનના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આવતીકાલથી શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રીનો એટલે શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે 22ની સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, જો કે આ વર્ષે નવને બદલે દસ નોરતા છે. ત્રીજા નોરતે વૃદ્ધિ તિથી હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે. નવરાત્રીના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે, પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે.

નોરતાને નવ દિવસ સુધીના દિવ્ય અનુષ્ઠાન માનવામાં આવે છે અને આ અનુષ્ઠાન માટે ઘટ એટલે કે કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને શાંતિ કળશ પણ કહેવામાં આવે છે. ઘટ સ્થાપના બાદ જ દુર્ગા પૂજા અનુષ્ઠાનનો પ્રારંભ થઈ શકે છે. આમ નવરાત્રીમાં ઘટ સ્થાપનાનું વિષે મહત્વ હોવાથી શુભ મુર્હુત જોઈને જ ઘટ સ્થાપના કરવામાં આવે છે.

ઘટ સ્થાપના કરતાં સમયે સાતે સમુદ્ર, તમામ નદીઓ, દેવી-દેવતાઓ, દિકપાળોનું આહ્વાન કરવામાં આવે છે. બાદમાં તેની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ સંપૂર્ણ કળશમાં શુભ તત્વોને સંભાળતા ભગવાન ગણેશજી બિરાજમાન થઈને તમામ કાર્યને નિર્વિઘ્નતાના આશીર્વાદ આપે છે. તો ચાલો જાણીએ ઘટસ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત.

ઘટસ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત

તારીખ 22-09-2025 સોમવારના રોજ સવારનાં મુહૂર્ત: 06:35થી 08:05, અભિજિત મુહૂર્ત: 12:10થી 12:50 તેમજ સાંજનાં મુહૂર્ત: 5:00થી 7:45 વાગ્યા સુધી સારા મુર્હુત છે.

નવરાત્રી કળશ સ્થાપનાની પૂજા વિધિ

સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજાના સ્થળે લાલ રંગના આસન પર પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસો. હાથમાં કુશ અને જળ લઈને પૂજા સામગ્રી અને સ્થળ પર છાંટો. આ મંત્રનો જાપ કરો: “ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતોઽપિ વા। યઃ સ્મરેત્ પુણ્ડરીકાક્ષં સ બાહ્યાભ્યન્તરઃ શુચિઃ॥” બાદમાં માથા પર ચંદનનો તિલક કરો. કળશ સ્થાપિત કરવા માટે, સપ્તમૃતિકાને રેતી સાથે મિક્સ કરીને ગોળાકાર આકારમાં ફેલાવો. તેની વચ્ચે કળશ મૂકો. કળશ સ્થાપિત કરતા પહેલા તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. કળશને પણ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. કળશમાં શુદ્ધ પાણી ભરો, અને શ્રીફળને સ્થાપીને આસોપાલવના પાંચ પાન રાખો. અંતમાં, ઘીનો દીપક પ્રગટાવીને શક્રાદયા સ્તુતિ અથવા મા દુર્ગાની પૂજા શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચો…નવરાત્રિ શક્તિની સાધનાનો મહાપર્વ: આ વસ્તુ ભૂલથી પણ ન કરતા, અધૂરું રહી જશે તમારું વ્રત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button