ATM માંથી ફાટેલી નોટ નીકળે તો શું કરશો…

ઘણી વખત આપણે જ્યારે ATMમાંથી પૈસા કઢાવવા જઇએત્યારે તેમાંથી ફાટેલી નોટબહાર આવતી હોય છે અને આપણે ચિંતામાં મૂકાઇ જઇએ છીએ કે આવી ફાટેલી નોટો તો કોઇ લેશે નહીં તો હવે આ નોટોનું શું કરવું. આ નોટોને કેવી રીતે બદલાવવી વગેરે વગેરે…. પણ હવે તમારે આવા બધા સવાલોથી પરેશાન થવાની કે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે સરળતાથી ATM માંથી ફાટેલી નોટ બદલાવી શકો છો.
હકીકતમાં બેંકો આવી ફાટેલી નોટ લેવાની ક્યારેય ના પાડતી નથી, તેથી તમે આ ફાટેલી નોટ બેંકમાં સરળતાથી બદલી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે આવી ફાટેલી નોટો બદલવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ટીવી અને સોશિયલ મીડિયા પર પણ લોકોને ફાટેલી નોટ બદલવાના નિયમો વિશે જણાવવામાં આવી રહ્યા છે. તેથી હવે તમે ટેન્શન છોડી દો અને ફાટેલી નોટ કોઇને પણ ચુપકેથી પધરાવી દેવાની પળોજણ છોડી દો.
જો તમને બેંકના ATM માંથી ફાટેલી નોટ મળે તો ગભરાશો નહીં, બેંકમાં જઇને સરળતાથી આ નોટ બદલાવી લો. આરબીઆઈના નિયમો અનુસાર, બેંક એટીએમમાંથી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં. તો આપણે જાણીએ બેંકમાં જઇને નોટ બદલવાની પ્રક્રિયા વિશે…
સૌથી પહેલા તો તમારે એટીએમ મશીન જ્યાંથી તમને ફાટેલી નોટો મળી, તે બેંકમાં જવું પડશે અને ફાટેલી નોટ બદલાવવા માટે ફોર્મ ભરવું પડશે. તમે એટીએમમાંથી ક્યારે, સમય અને કયા એટીએમમાંથી પૈસા ઉપાડ્યા એ વિગત પણ ભરો. આની સાથે તમે ATM માંથી મળેલી કોપી સ્લિપ પણ જોડો. જો એ ના લીધી હોય તો તમને બેંકમાંથી એસએમએસથી પ્રાપ્ત થયેલી ટ્રાન્ઝેક્શનની વિગતો પણ આપી શકો છો. ફોર્મ ભર્યા બાદ બેંક તમને તરત તમારી ફાટેલી નોટ બદલી આપશે.
આરબીઆઇની એપ્રિલ 2017ની માર્ગદર્શિકા અનુસાર કોઇ પણ બેંક ફાટેલી નોટ બદલવાની ના પાડી શકે નહીં. નિયમો અનુસાર, જો કોઈ બેંક તમને નોટો બદલવાનો ઇનકાર કરે છે, તો તમે તે બેંક વિશે સીધી કેન્દ્રીય બેંકને ફરિયાદ કરી શકો છો.