રાવણ એક આદર્શ વિરોધાભાસઃ આશુતોષ રાણાની નજરે રાવણના વિરાટ વ્યક્તિત્વનું વિહંગાવલોકન…
હાલમાં નવલા નોરતાં ચાલી રહ્યા છે અને આ દરમિયાન અલગ અલગ જગ્યાએ રામલીલાના કાર્યક્રમો પણ થતાં હોય છે. બુધવારે રાતે દિલ્હીના એક ઓડિટોરિયમમાં યોજાયેલા નાટક હમારે રામમાં ફિલ્મ અભિનેતા આશુતોષ રાણાએ રાવણની ભૂમિકા નિભાવી હતી. ત્રણ કલાક ચાલેલા આ નાટકે દર્શકોને ભારતીય પૌરાણિક કથાના એક જટિલ કેરેક્ટર રાવણને નવી જ દ્રષ્ટિથી સમજવાનો મોકો આપ્યો હતો. આશુતોષ રાણાએ રાવણના પાત્રને લઈને એક ઊંડી સમજ અને અભિવ્યક્તિથી દર્શકોને સંમોહિત કરી દીધા હતા.
આશુતોષ રાણાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે રાવણને હંમેશા જ એક નેગેટિવ રોલમાં લોકોએ જોયો છે, પરંતુ એમના વ્યક્તિત્વના અલગ અલગ પાસાંઓ છે. તેઓ એક ખલનાયક નહીં પણ એક મહાન વિદ્વાન, શિવભક્ત અને તપસ્વી પણ હતા. તેની નકારાત્મક્તા તેના અહંકાર અને વાસનાથી આવી પણ તેની અંદર જ્ઞાન અને સચ્ચાઈની એક શોધ પણ હતી.
તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે રાવણની નકારાત્મક બાજુને ધ્યાનમાં લેવી એ તેમની મહાનતાને ઓછી આંકવા જેવી છે. રાવણ એક શક્તિશાળી રાજા હતો જ પરંતુ એની સાથે સાથે જ તે એક જ્ઞાની પુરુષ અને વિદ્વાન પણ હતો. પરંતુ તેની ઈચ્છા આત્મજ્ઞાન અને મોક્ષથી પણ પરે મુક્ત થવાની હતી. રાવણનો અંત ખાલી મૃત્યુ નહીં પણ તે આત્મજ્ઞાન અને મુક્તિની શોધમાં હતો. તેનો અંત એ અહંકારનો અંક હતો અને આ તેની અધ્યાત્મિક યાત્રાનું સમાપન હતું. આ દ્રષ્ટિકોણથી રાવણ એક આદર્શ વિરોધાભાસ છે. જ્યાં એક તરફ તે બદીનું પ્રતિક હોવા છતાં પણ અંતતઃ જ્ઞાન અને મુક્તિની દિશામાં આગળ વધે છે.
આ પણ વાંચો : મનિષ મલ્હોત્રાની ઈવેન્ટમાં Nita Ambaniની હિસ્સાની લાઈમલાઈટ કોણે ચોરી લીધી?
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે આજે દરેક વ્યક્તિમાં રામ અને રાવણ બંને વસે છે ફર્ક એટલો જ છે કે આપણે આપણી અંદર વસેલા રામને કેટલું માનીએ છીએ અને તેના મૂલ્યોને આપણા જીવનમાં કેટલું ઉતારીએ છીએ. જ્યારે આપણે રામને માનવાની સાથે સાથે જ તેમના મૂલ્યોને જીવનમાં ઉતારીશું ત્યારે આપણી અંદરનો નકારાત્મક રાવણ મરશે અને સકારાત્મક, જ્ઞાની રાવણનો જન્મ થશે.