ફિલ્મ કોની, સ્ટાર્સની કે ટીમની? ફિલ્મ કોની ગણાવી જોઈએ એ વિશે એક મજાની ચર્ચા…
શૉ-શરાબા -દિવ્યકાંત પંડ્યા
થોડા સમય પહેલાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં અને એ પછી ગણતરીના જ દિવસોમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી ( સદગત સુશાંત સિંહની વિવાદાસ્પદ ગર્લ ફ્રેન્ડ ) સાથેના એક ઇન્ટરવ્યૂ (‘ચેપ્ટર -ટુ ’ શો ) માં આમિર ખાને કબૂલાત કરી કે ‘લાલ સિંઘ ચઢ્ઢા’માં એણે અને એની ટીમે લેખન અને દિગ્દર્શનથી માંડીને નાના-મોટા દરેક વિભાગોમાં ધારેલું બધું જ પાર પાડ્યું હતું, પણ પોતે જ પોતાના કેરેક્ટરમાં ઓવર એક્ટિંગ કરી હતી. એણે પોતાના પાત્રને પૂરતો ન્યાય ન આપ્યો. બહુ જ ઓછા એક્ટર્સ હોય છે જે જાહેરમાં આવું કહી શકે. સુપરસ્ટાર હોવા છતાં એક મોટી ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી ફક્ત પોતાના માથા પર લેનાર આમિર ખાનની આ નિખાલસતાથી એક પ્રશ્ર્ન એ ઉદભવે કે હકીકતમાં ફિલ્મ કોની? સ્ક્રિન પર રહેલા એક્ટર્સની કે પછી આખી ટીમની?
આ પણ વાંચો : Aamir Khanના એક નિર્ણયને કારણે રડી પડી હતી Kiran Rao, અને કહ્યું કે તું આવું…
હિન્દી ફિલ્મઉદ્યોગ જ્યારે બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે અધધ કલેક્શન સાથે સફળતાના રેકોર્ડ્સ તોડી રહેલી ‘સ્ત્રી- ૨’ કોની? શ્રદ્ધા કપૂર કે રાજકુમાર રાવની કે પછી કોઈ બીજાની જ? જો શ્રદ્ધા કપૂર કે રાજકુમાર રાવની કહીએ તો સામે દલીલ એ પણ થઈ શકે કે જો એમના જ નામ પર ફિલ્મ ચાલતી હોય તો એમની પાછલી બધી ફિલ્મ ‘સ્ત્રી -૨’ જેટલી જ કેમ સફળ સાબિત નથી થઈ? આ દલીલ સામે પણ એક બીજી દલીલ એ થઈ શકે તો કેમ ‘સ્ત્રી- ૨’ની રિલીઝ પછી જ શ્રદ્ધા કપૂર ‘ઇન્સ્ટાગ્રામ’ ફોલોઅર્સની સંખ્યામાં ભારતમાં બીજા ક્રમે પહોંચી ગઈ?
આ વાત એ જ દર્શાવે છે કે રિલીઝ પછી લોકોને ફિલ્મ ગમી. તેમાં શ્રદ્ધાનું કામ અને જે ખૂબસૂરતીથી એને રજૂ કરવામાં આવી એ ગમ્યું એટલે લોકોનું એના પર ધ્યાન વધુ ગયું અને ફોલોઅર્સની સંખ્યા વધી. મતલબ ફિલ્મ ફક્ત શ્રદ્ધા કપૂર કે પોતાની અદાકારીથી દર્શકોના દિલ જીતનાર રાજકુમાર રાવની માત્ર નહીં, પરંતુ ફિલ્મની સફળતા આખી ટીમની ગણાય!
આ પણ વાંચો : Aamir Khanની પહેલી પત્ની Reena Duttaએ તેને થપ્પડ મારી હતી અને બચકાં પણ ભર્યા હતા
એક ફિલ્મ સફળ નીવડે એ માટે બધું એટલે કે બધું જ એક સાથે સરખું પાર પડવું જરૂરી છે. દરેક વિભાગમાં ઉત્તમ કામ થાય તો જ ફિલ્મ સફળ બને. ફિલ્મ બની ગયા પછી તેનું માર્કેટિંગ પણ એટલી જ હદે અસરકારક હોવું જરૂરી છે, કેમ કે એવા સેંકડો ઉદાહરણ આપી શકાય, જ્યાં એક વખત જેનું નામ સફળતા સાથે જોડાયું હોય એને બીજી વખત નિષ્ફ્ળતા પણ મળી હોય.
ભારતીય ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ એવી ‘શોલે’ના દિગ્દર્શક રમેશ સિપ્પી પણ એમની દરેક ફિલ્મ શોલે’ જેવી નથી બનાવી શક્યા. એ જ રીતે, ‘ગદર’ જેવી સફળ ફિલ્મ આપનાર દિગ્દર્શક અનિલ શર્મા પણ ‘ગદર’ થી ‘ગદર -ટુ’ની વચ્ચેની બધી જ ફિલ્મ બ્લોકબસ્ટર નથી આપી શક્યા. શાહરુખ, સલમાન કે આમિર પણ બધી જ ફિલ્મ સક્સેસફૂલ નથી આપી શક્યા.
કોરોનાના લોકડાઉન પછી ઇન્ડસ્ટ્રીનો તારણહાર બનેલો અક્ષય કુમાર પણ છેલ્લી કેટલીય ફિલ્મ્સથી સફળતા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આનાથી એ પુરવાર થાય કે ફિલ્મમાં આખી ટીમ અને ફિલ્મ મેકિંગના દરેક પાસાનું ઉત્કૃષ્ટ કામ જ ફિલ્મને સફળ બનાવી શકે.
દિગ્દર્શક નિખિલ અડવાણીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘ભારતના દર્શકો માટે ફક્ત પાંચ જ દિગ્દર્શક છે. એટલા જ નામ એ જાણે છે.’ એમણે કશું જ ખોટું નથી કહ્યું, કારણ કે મોટાભાગે કોઈ પણ ફિલ્મ શાહરુખ, સલમાન, રણબીર, અક્ષય કે રિતિકની હોય છે. ક્યારેક જ કોઈ ફિલ્મ સંજય લીલા ભણસાલી કે કરણ જોહરની હોય છે. ભારતના ફિલ્મ્સ જોનાર વર્ગમાં પાંચ ટકાથી પણ વધુ લોકો એવા નહીં હોય જે ફિલ્મ્સના દિગ્દર્શકોનાં નામ જાણતા હશે કે જે-તે ફિલ્મ જોઈ રહ્યા હોય તે ફિલ્મના દિગ્દર્શકનું પણ નામ એમને ખબર હોય. અહીં કહેવાનો અર્થ એ નથી કે ફિલ્મ સ્ટાર્સની નહીં, ફક્ત દિગ્દર્શકોની હોય છે. અહીં મુદ્દો એ છે કે ફિલ્મ બંનેની અને આખી ટીમની હોય છે. સફળ થાય તો પણ ને નિષ્ફળ નીવડે તો પણ
‘ઇમરાન હાશ્મીની ફિલ્મોનાં ગીતો તો બહુ જ મસ્ત હોય છે’ કે ‘ઐશ્ર્વર્યા રાયનાં ગીતો તો અફલાતૂન હોય છે’ આવું આપણે સાંભળતા હોઈએ છીએ, પણ ઇમરાન હાશ્મી ગીત ગાતો નથી. એના એક ગીત પાછળ એ લખનાર, કમ્પોઝ કરનાર અને ગાનાર બીજા લોકો હોય છે. એશ્ર્વર્યા રાય જે ગીત પર ડાન્સ કરે છે તેના કોરિયોગ્રાફર કોઈ બીજા જ હોય છે, પરંતુ દરેક વખતે દરેકને પૂરતી ક્રેડિટ નથી મળતી . આ હકીકત છે, આ માનસિકતા છે અને એ સ્વાભાવિક પણ છે.
દાયકાઓ પહેલા સલીમ જાવેદની લેખક બેલડી સુપ્રસિદ્ધ થઈ એ પછી હજુ પણ કોઈ એવા લેખકોના નામ આપણી પાસે નથી,જેને ભારતીય દર્શકોએ સલીમ -જાવેદ સ્તરની સામૂહિક ખ્યાતિ આપી હોય.
હમણાં જ ખૂબ પ્રસિદ્ધિ પામેલું ‘હુસ્ન તેરા તોબા તોબા’ ગીતમાં વિકી કૌશલના ડાન્સના ખૂબ જ વખાણ થયા ત્યારે એના કોરિયોગ્રાફર બોસ્કોએ વિકીની ક્ષમતાના વખાણ સાથે એમ પણ કહ્યું કે ‘એ ડાન્સ મેં કોરિયોગ્રાફ કર્યો છે. મારું પણ આ હિટ સોન્ગ પાછળ યોગદાન છે. તમે જે ડાન્સ સ્ટેપ્સને વખાણો છો એ હું લઈ આવ્યો છું.’ અહીં એ સામે ચાલીને પોતાના વખાણ કરે છે એવું કહેવાનો આશય નથી, પરંતુ લોકોને એ સમજાવવાનો ઈરાદો છે કે વિકી કૌશલનાં દરેક ગીત એટલા માટે હિટ નથી થતા કેમ કે દરેક વખતે સંગીત, ડાન્સ અને સ્ટેપ્સમાં ઉત્તમ કાર્યનું મિશ્રણ નથી થતું. જ્યારે અહીં એ થયું છે અને એટલે એ ગીત સૌને પસંદ પડી રહ્યું છે.
આમ આખા વિષયનો સાર એટલો જ કે ફિલ્મ કે કોઈ પણ કલાત્મક કૃતિમાં તેની ઉત્કૃષ્ટતા કે સફળતા પાછળ એની સાથે સંકળાયેલા સૌનું યોગદાન હોય છે. કલાકારો ઓછા-વધુ ગમતા જરૂર હોઈ શકે છે, પરંતુ જોનારે એ તો સમજવું જ રહ્યું કે જે-તે કૃતિ પાછળ કોઈ એકનું યોગદાન જ સર્વસ્વ નથી હોતું. એની સફળતા માટે સૌ કોઈ વખાણને પાત્ર છે!
લાસ્ટ શોટ
‘હમ હૈ રાહી પ્યાર કે’માં મારું કેરેક્ટર અભિનય માટે છેલ્લે સુધી સમજાયું જ નહીં. દિગ્દર્શક મહેશ ભટ્ટે મને કહ્યું કે ‘તારું પાત્ર અસમંજસવાળું છે. સારું થયું કે તને એ સમજાયું નહીં તેથી બરાબર એક્ટિંગ કરી.’
- આમિર ખાન