આ વખતે Akshay Tritiya પર નહીં સંભળાય શરણાઈના સૂર, આ હશે કારણે…
April મહિનામાં લગ્નના કેટલાક મુહૂર્ત હતા અને એ પહેલાં ખરમાસને કારણે લગ્ન ના થઈ શક્યા. હવે મે મહિનો આવી ગયો અને 10મી મેના Akshay Tritiya એટલે આખા વર્ષમાં આવતા સાડાત્રણ મુહૂર્તમાંથી એક મુહૂર્ત ગણાય છે પણ આ વખતે આ દિવસે પણ લગ્નના શરણાઈના સૂર નહીં રેલાય. એટલું જ નહીં પણ આ વખતે મે અને જૂન મહિનામાં પણ લગ્નના કોઈ મુહૂર્ત નથી એટલે આ વર્ષે લગ્નના મુહૂર્તનો દુકાળ પડ્યો છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં પણ લગ્ન માટે અમુક જ મુહૂર્ત છે અને ત્યાર બાદ ફરી એક વખત ચાતુર્માસને કારણે ચાર મહિના માટે લગ્ન-વિવાહ જેવા શુભ કાર્યો કરવાનું વર્જ્ય થઈ જશે. મુહૂર્તનો આ દુકાળ એટલો બધો આકરો છે કે અક્ષય તૃતિયા જેવા દિવસે લગ્ન નહીં થઈ શકે.
અક્ષય તૃતિયાની ગણતરી આખા વર્ષમાં આવતા સાડાત્રણ મુહૂર્તમાં કરવામાં આવે છે આ સિવાય કેટલાક લોકો આ દિવસને મુહૂર્ત વગરનું મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આ દિવસે નવો બિઝનેસ, સગાઈ, શુભ અને માંગલિક કાર્ય કરવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતિયા 10મી મેના દિવસે છે પણ એ પહેલાં જ લગ્નના મુહૂર્ત પૂરા થઈ ગયા છે, જેને કારમે અક્ષય તૃતિયા જેવા સારા દિવસે પણ લગ્ન સમારંભો નહીં યોજાય. જોકે, આ પહેલી વખત નથી બન્યું કે આ રીતે અક્ષય તૃતિયા પર લગ્ન નહીં થાય. આ પહેલાં પણ 2016માં આવું બની ચૂક્યું છે.
સનાતન ધર્મની વાત કરીએ તો લગ્ન જેવા માંગલિક કાર્ય માટે શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે અને લગ્ન માટે મુહૂર્ત કાઢતી વખતે ગુરુ અને શુક્રની સ્થિતિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ બંને ગ્રહો શુભ હોય છે અને સારા દાંપત્ય જીવન માટે આ બંનેનું શુભ હોવું ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે.
શુક્ર અને ગુરૂ બંને સૂર્યની નજીક આવે છે ત્યારે તે અસ્ત થઈ જાય છે અને એમની અસર ઓછી થઈ જાય છે. આ વખતે 28મી એપ્રિલના દિવસે શુક્ર પહેલાંથી જ અસ્ત થઈ ગયા છે અને તે 27મી જૂન સુધી આ જ અવસ્થામાં રહેશે. ઉપરાંત પાંચ દિવસ બાદ એટલે કે 8મી મેના દિવસે ગુરુ અસ્ત થવા જઈ રહ્યા છે અને કે પાંચમી જૂન સુધી અસ્ત રહેશે. આ રીતે મે અને જૂન બંનેમાં ગુરુ અને શુક્ર અસ્ત રહેશે જેને કારણે લગ્ન નહીં થઈ શકે. આ સંજોગોમાં 10મી મેના અક્ષયતૃતિયા પડી રહી છે જેને કારણે વિજય મુહૂર્ત હોવા છતાં પણ ગુરુ અને શુક્રની અસ્ત અવસ્થાને કારણે લગ્ન વગેરે નહીં થઈ શકે.