લાડકીસ્પેશિયલ ફિચર્સ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ટીનએજ: સંજોગો સામે ઝૂકવું કે ઝઝૂમવું?

શ્વેતા જોષી-અંતાણી

ખટાકકક.. જોરથી અવાજ આવ્યાની બીજી જ ક્ષણે અનોલીની ચીસ સંભળાય. મેદાનમાં બેસેલા લોકો ઊભા થઈને એ દિશામાં જોવા લાગ્યા. જૂનિયર ગ્રુપમાં રમતી આશાસ્પદ એથ્લિટ અનોલી છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત ઈજાગ્રસ્ત થયેલી. ક્યારેક કાંડુ તો ક્યારેક કોણી…..પણ આ વખતે સીધો પગનો વારો નીકળ્યો.અનોલીના પેરેન્ટ્સે ત્વરિત નિર્ણય લઈ લીધો : નો સ્પોર્ટસ ફોર અનોલી…. એ હવેથી સ્પોર્ટ્સ નહીં રમે.

અનોલી પોતે પણ થાકી હતી એટલે એણે સહર્ષ એમના નિર્ણયને વધાવી લીધો. આ બધામાં દુ:ખી હોય તો એક માત્ર એના કોચ.એને અનોલીની કાબેલિયત પર કોઈ શંકા નહોતી. માટે જ, એક વખત જો અનોલી માને તો સ્કૂલના કાઉન્સેલર મેડમ પાસે એને લઈ જવાની ઈચ્છા વ્યકત કરી. એકાદ મહિનામાં થોડું સારું થાય પછી જવાનું નક્કી થયેલું એ મુજબ અંતે અનોલીને કાઉન્સેલિંગ માટે બેસાડવામાં આવી. સાથે પેરેન્ટ્સ તો ખરા જ. થોડી આડી-અવળી વાત પછી સુજાતા મેડમ મુદ્દા પર આવ્યાં : .

જુઓ, ક્યારેક અમુક નાની અમસ્તી ઈજાના કારણે પણ લોકો પોતાની કે પોતાના બાળકની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દેતા અચકાતા નથી હોતા. મૃત્યુના ડર થકી જીવન જીવવાનું ભૂલી જતા લોકોએ નામની અમેરિકાની જાણીતી સર્ફરના જીવનમાં બનેલી કડવી છતાં વાસ્તવિક ઘટના એકવાર અચૂક જાણવી જોઈએ. અસ્તિત્વ માટે ઝઝૂમતા મનુષ્યો કુદરત સામે લાચાર હોય છે, પણ તરુણવયની બેથનીએ કુદરત સામે મેળવેલી જીતના કેટલાંક ઉદાહરણ યાદગાર છે માટે અનોલી, અહીં આજે મારે તારી નહીં, પણ બેથનીની વાત કરવી છે….’ કહી સુજાતા મેડમે આગળ ચલાવ્યું.

અમેરિકાના હવાઈ ટાપુ પર સમુદ્રતટથી એકદમ નજીક વસતા હેમિલ્ટન પરિવારમાં સૌથી નાની એવી બેથની માટે દરિયો એટલે એનો સૌથી પ્રિય દોસ્ત. આમ તો, આખો હેમિલ્ટન પરિવાર ‘સર્ફિંગ’ નામથી જાણીતી રમતમાં કુશળ. પશ્ર્ચિમના દેશોમાં દરિયાઈ કાંઠે વસેલા શહેરોમાં અતિ લોકપ્રિય એવી ઉછળતા વિશાળકાય મોજાઓ પર સેર-સપાટા કરવાની રમત એટલે સર્ફિંગ. બેથની માટે પા-પા પગલી જ પાણી પર કરવાની આવી હતી. ટીનએજર બેથની માટે સર્ફિંગ એ માત્ર રમત કે શોખ જ નહી, પરંતુ એનું જીવન હતું. સર્ફિંગમાં માત્ર આઠ વર્ષની વયે પોતાનું પહેલું મેડલ જીતનારી બેથનીએ બાર વર્ષની વયે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી લીધેલો, પણ નસીબ બે ડગલા આગળ ચાલતું હોય તેમ એક ગોઝારા દિવસે પ્રેકટિસ દરમિયાન ટાઈગર શાર્ક એના પર જીવલેણ હુમલો કરે છે.

શાર્કના મજબૂત જડબાં બેથનીનો ખભ્ભા નીચેનો ડાબો હાથ આખેઆખો ચાવી જાય છે. આ જીવલેણ હુમલામાં બેથની માત્ર હાથ, નહીં પરંતુ શરીરનો લગભગ સાઈઠ ટકા જેટલો લોહીનો જથ્થો પણ ગુમાવી બેસે છે અને મેડિકલ ભાષામાં જેને ‘વોલ્કેનિક શોક’ કહે છે એમાં સરી પડે છે. બેથનીનો જીવ તો બચી જાય છે, પરંતુ સર્ફિંગ એ શારીરિક સંતુલન અને સ્થિરતા પર આધારિત રમત હોય છે,પણ એક હાથના અભાવે તોફાની સમુદ્રના ઉછળતા મહાકાય મોજાઓ પર તો કઈ રીતે જીત મેળવી શકાય? અનોલી, સાંભળ હવે શરૂ થાય છે ઈશ્ર્વર પ્રત્યેની અપાર શ્રદ્ધાની વાત… પોતાની નબળાઈઓ પર જીત મેળવવાના એક તારા જેવડી ટીનએજરના અથાગ પ્રયત્નો, વિચારતા પણ ભયનું લખલખું પસાર થઇ જાય એવી વિષમ પરિસ્થિતિમાં અમાપ સહનશક્તિથી સંજોગો સામે ના ઝુક્વાની એક તરુણીની પ્રબળ ઝંખના…. અનોલીના પેરેન્ટ્સ સામે જોઈ મેડમ બોલ્યા:

તમારી જિંદગીમાં બની ચુકેલી ખરાબ ઘટનાઓને વાગોળવાને બદલે આગળ સફળતા મેળવવાના પ્રયત્નો કરતાં શીખો. અકસ્માત બન્યાના માત્ર એક મહિના જેવા ટૂંકાગાળામાં બેથની ફરીથી સર્ફિંગ શરૂ કરે છે.

એક હાથે ‘સર્ફ બોર્ડ’ પકડવાની મહેનત કરતી બેથની વારંવાર નિષ્ફળતાનો સામનો કરે છે, પરંતુ ધીરે-ધીરે હાથ વગર પણ સર્ફિંગ કરવામાં પક્કડ જમાવતી જાય છે. અને માત્ર એક જ વર્ષમાં ફરીથી સર્ફિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરે છે…!

ઓહો! અનોલીના આશ્ર્ચર્યજનક ઉદગારમાં હામી ભરી એણે કહ્યું : ‘હા, એટલું જ નહીં, પરંતુ પ્રથમ સ્થાન પણ પ્રાપ્ત કરે છે અને એ પણ કોઈપણ પ્રકારની વધારાની મદદ સિવાય. બેથનીનું જીવન અનેક એવા લોકો માટે પ્રેરણારૂપ છે જે થોડી વિષમ પરિસ્થિતિઓ આવતા જ સંજોગો સામે ઝૂકી જાય છે. આપણને આવી પરિસ્થિતિઓ સામે ઝૂકવાને બદલે ઝઝૂમવાની તાકાત આપે છે આ બેથની!’

સુજાતા મેડમની વાત તો અહીં પૂરી થાય છે ,પરંતુ બેથનીની જીવન સફર અહીં પૂરી થતી નથી. બેથની ત્યારબાદ અત્યાર સુધી સર્ફિંગની દુનિયામાં ખૂબ કુશળ સર્ફર તરીકે જાણીતી બની છે. એક પછી એક અનેક સ્પર્ધાઓમાં વિજેતા બની ચુકી છે, અનેક ટીવી સિરિયલ્સ, ડોક્યુમેન્ટરી , ટોક શો , પ્રેરણાત્મક સેમિનાર્સ વગેરેમાં ભાગ લઇ ચુકી છે. ઉપરાંત અનેક એવી ચેરિટી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે, જે લોકોને પોતાના ડર, પોતાની હાર સામે પડકાર ફેંકી જીવનમાં કંઈક હાંસલ કરવા દરેક પ્રકારની મદદ કરવા તૈયાર હોય છે.

અનોલીને આખી વાતમાંથી જો કઈ સ્પર્શી ગયું તો એ હતું માત્ર તેર વર્ષની ઉંમરે પોતાનું બધું જ ગુમાવી ચુકેલી બેથની ફરી બેઠી થઈ એ…. પોતાના જેવડી એ છોકરી આત્મવિશ્ર્વાસ કેળવે અને વિજેતા પણ બને. એટલુંજ નહીં સંજોગો સામે લડવાની તાકાત થકી અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે, અનેક એવોર્ડ્સ મેળવે, સફળતા મેળવે, લોકપ્રિય બને, લગ્ન કરી સંતાનોને ઉછેરે અને કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય…

અનોલી વિચારે છે: મને તો અત્યારે માત્ર ફ્રેકચર આવેલું છે અને કારકિર્દી પર વિરામચિહ્ન મુકી દેવાયું છે. અનોલીએ પ્રશ્ર્નસૂચક નજરે એના પેરેન્ટ્સ સામે જોયું.

સુજાતા મેડમે પણ એટલું ઉમેર્યું :
જો, અનોલી જીવનમાં જોયેલાં સપનાંને સાકાર કરવાની પ્રબળ ઝંખના આપણને આગળ ધપાવતી હોય છે. નજીવાં કારણોસર સમાધાન કરવા કરતાં આપણા સહુએ બેથની જેવા તરુણોનો આત્મવિશ્ર્વાસ વધે એ દિશામાં પ્રયાસ કરવા જ રહ્યા….’

આ વાતચીત પછી પોતાની સ્પોર્ટ્સ કેરિયર છોડી દેવાની કાગારોળ કરી રહેલી અનોલીને પોતે એકદમ ફીટ એન્ડ ફાઈન છે એવો અહેસાસ ભાંગેલા પગે પણ થઈ આવ્યો.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker