સ્પેશિયલ ફિચર્સ

અભિષેક ને સ્નાન : ભારતની મૂલ્યવાન સંસ્કૃતિ

મુકેશ પંડ્યા

શ્રાવણ મહિનામાં અત્યારે શિવમંદિરોમાં જળાભિષેક અને દુગ્ધાભિષેક થઇ રહ્યા છે. ભગવાન શંકરને પાણી અને દૂધના સ્નાન-પાન મળી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારત અને ભારતની સનાતન સંસ્કૃતિમાં સ્નાનનું ખૂબ મહત્ત્વ છે. ઘરમાં જે રોજેરોજ દ્રવ્ય પૂજા થાય છે તેમાં ષોડષોપચાર પદ્ધતિથી પૂજા કરવામાં આવે છે મતલબ કે ૧૬ વિધિ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દરેક દેવ-દેવીની અભિષેકથી લઇને આરતી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે.

અભિષેક અને સ્નાનનું હિન્દુ સંસ્કૃતિમાં એટલું મહત્ત્વ છે કે ભારતના મોટા ભાગના મંદિરો તળાવ, નદી કે સાગર કિનારે આવેલા છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી વારાણસીમાં કાશી વિશ્ર્વનાથનો એવો કોરિડોર બનાવી આપ્યો છે જ્યાં ભક્તો પોતે ગંગા નદીમાં સ્નાન કરીને પાત્રમાં જળ ભરીને શિવનો અભિષેક કરી શકે છે. ભગવાન શંકરની જ વાત નીકળી છે તો તેમની એક વાર્તા અહીં યાદ આવે છે. તેમણે નંદી દ્વારા પૃથ્વીવાસીઓને સંદેશ મોકલાવ્યો હતો કે ‘ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું’ પણ કહેવાય છે કે નંદી આ વાક્ય ગોખતો ગોખતો આવ્યો એમાં શબ્દો બદલાઇ ગયા. તેણે કહ્યું ‘ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું’ શ્રાવણ મહિનામાં ખરેખર તો સ્નાનની સંખ્યા વધારવી જોઇએ અને ખાણીપીણી ઓછી કરવી જોઇએ. એટલે જ શ્રાવણ મહિનામાં પવિત્ર સ્નાન ઉપરાંત ઉપવાસ-એકટાણાને મહત્ત્વ અપાય છે.

સ્નાનની વાત આગળ વધારીએ તો એ માત્ર તનની જ નહીં, પણ મનની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે ચામડીનો મેલ અને ગંદકી દૂર કરવા સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવાથી શરીરના છિદ્રો ખુલ્લાં થાય છે. આવા ખુલ્લાં થયેલા છિદ્રો વાટે શરીરના વિષદ્રવ્યો બહાર નીકળી જાય છે. ચામડીને પૂરતો પ્રાણવાયુ મળે છે. શરીર સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે. કુદરતી ઠંડા પાણીથી નહાવાથી લોહીનું પરિભ્રમણ વધી જાય છે. ખળખળ વહેતા પાણીમાં નહાવાથી પાણી શરીર સાથે ઘર્ષણ પામે છે. આવા ઘર્ષણ સ્નાનનો અનેરો લાભ મળે છે. નળ, ધોધ, ઝરણાં કે વહેતી નદીમાં નહાવાથી શરીરને જાણે મસાજ મળતો હોય એટલો આરામ અને સ્વસ્થતા મળે છે. એટલે જ આપણે ત્યાં કોઇ પણ વાર તહેવાર હોય કે કુંભમેળો હોય સ્નાનનું ઘણું જ મહત્ત્વ છે. આથી કોઇ પોતે સ્નાન કરાવી પોતાના આરાધ્ય દેવને પણ અભિષેક-સ્નાન કરાવે તો એમાં કશું ખોટું નથી. કોઇ પણ ધાર્મિક કે સાત્વિક કાર્ય કરતા પહેલાં આપણે ત્યાં સ્નાન કરવા-કરાવવાનો રિવાજ છે એ પણ યોગ્ય છે. સ્નાનથી શરીરને તો ફાયદો થાય છે જ પણ તેનાથીય અધિક મનને ફાયદો થાય છે. સ્નાનથી મનને કેવી રીતે ફાયદો થાય છે? દુગ્ધસ્નાનના શું ફાયદા છે. રૂદ્રાભિષેક વખતે ભગવાન શિવનું પંચામૃત વડે કેમ સ્નાન કરાવવામાં આવે છે એ બધી રસપ્રદ વાતો હવે પછી જોઇશું. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button