ચામાં ડૂબેલી બિસ્કિટ ને સાથ ન આપે એ સાથી…. બંને નકામાં !
સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા
સનતે મિત્ર ભાવે મદદ કરી- શોમાં સરસ ગોઠવાય ગયો. એનું કમિટમેન્ટ પૂરું થયા પછી મારે ફરી એના રિપ્લેસમેન્ટની શોધ આદરવી પડશે, પણ ખરાં સમયે એણે સાથ આપ્યો અને નાટક સંભાળી લીધું. બાકી,ચામાં ડૂબેલી બિસ્કિટ અને સાથ ન આપે એ સાથી, બંને નકામાં.
હવે મારે ટેન્શન હતું કુમુદ બોલેની જગ્યાએ ભૈરવી શાહને ગોઠવવાનું. કુમુદ બોલેએ મને બાહેંધરી આપી કે ‘હું ભૈરવીને મારી રીતે તૈયાર કરી દઈશ, લગ્ન પછી જયારે હું સાસરે સીધાવીશ ત્યારે ભૈરવીને પૂરી તૈયાર કરી દાદુ, તમને આપીશ. પછી તો તમે એક-બે દિવસમાં બીજા કલાકારો સાથે સહેલાઇથી મિક્ષ કરી દેશો.’
મને એમની આ વાતથી ઘણી રાહત મળી હતી. બાકી લગ્ન માથા પર હોય ત્યારે કોણ આવી
તૈયારી બતાવે? મને તો અનુભવ છે કે કોઈને એક કલાકાર તરીકે મદદ કરવાં જઈએ તો સાથી કલાકારો રિહર્સલમાં પણ નથી સહકાર આપતા. આવો અનુભવ મને નાટક ‘પિતૃ દેવો ભવ: ’ માં, સ્વ.ચંદ્રકાંત ઠક્કરનું રિપ્લેસમેન્ટ કરવામાં થયેલો. એમનું પ્રોડક્શન સંભાળનાર ભરત જોશી (ભ.જો.)એ મને રિહર્સલ કરાવેલાં. એક માત્ર એ નાટક સાથે સંકળાયેલા મુકેશ રાવલ મને રિહર્સલ આપવા આવેલા. બીજા ઘણાં નામી કલાકારોમાંથી કોઈ નહોતું આવ્યું. મારે એક જ દિવસમાં સંવાદો અને મુવમેન્ટ સાથે તૈયાર થવાનું હતું. શો બીજા દિવસે હુબલીમાં હતો. કોઈએ નૈતિક ફરજ ન બજાવી. હકનો હલવો સૌને ભાવે પણ ફરજની ફાકી કોઈએ નથી ખાવી…બાકી આ નાટક્માં સનત મિત્ર તરીકે તો કુમુદ બોલે પોતાની નૈતિક ફરજ સમજી મને પ્રોત્સાહિત કર્યો.
‘થોડાં વધુ શો થયા. કુમુદ બોલેની લગ્નની તારીખ નજીક આવતી હતી. એક શોમાં મને એમણે કહ્યું : દાદુ, આજે આ મારો છેલ્લો શો છે. લાઈનમાં કોઈને કીધું નથી, પણ તમે આવજો. ભૈરવી લગભગ તૈયાર થઈ ગઈ છે. તમે એક-બે દિવસ રિહર્સલ કરી લેજો.’
હું કુમુદબહેનનાં લગ્નમાં ગયેલો. એમને અને એમનાં સિંધી ફિયાન્સને ‘શુભેચ્છા’ આપી તો સામે કુમુદબહેને પણ મને ભૈરવી સાથે શરૂ થતાં શો માટે ‘શુભકામના’ આપી. એના પછીના બીજાં બે દિવસ જવા દીધા. પછી ભૈરવીબહેન સાથે રિહર્સલ રાખ્યાં. ખરેખર, કુમુદબહેનની મહેનત મને દેખાઈ આવી. મુવમેન્ટ સાથે એમણે ભૈરવીબહેનને બરાબર ‘રેડી’ કરી દીધેલા.
અહીં એક વાત કહી દઉં કે એના લગ્નની ‘શુભેચ્છા’ પછી કુમુદ બોલેનો આજ સુધી મને સંપર્ક નથી થયો. ત્યાં સુધી કે ભૈરવીબહેને પહેલો શો કર્યો પછી મેં એમને ફોન કર્યો, એક નહિ, સતત અઠવાડિયું ફોન કરતો રહ્યો પણ ક્યારે’ય કોન્ટેક્ટ ન કરી શક્યો એનો મને અફસોસ છે. કુમુદ બોલેએ એક સહ-કલાકાર તરીકે કરેલો ઉપકાર મને હંમેશાં યાદ રહેશે.
દિલમાં એ જ વસે છે જેનું મન સાદું હોય, કરી છૂટવાની ભાવનાવાળું હોય કેમ કે સોયમાં એ જ દોરો પ્રવેશ કરી શકેછે, જેમાં કોઈ ગાંઠ ન હોય. જેટલા શો કુમુદબહેને કર્યા એમાં એક પરિવારના સભ્યની જેમ રહ્યાં. મારા આટલા બધા સિનિયર હોવા છતાં પણ સહાયરૂપ રહ્યાં. કોઈ કલાકાર સાથે એમને ક્યારે’ય કોઈ વાતે વાંધો નહોતો પડ્યો. કદાચ એમનો સ્વભાવ એવો હતો કે કઈ ખરાબ કરવાનો વિચાર આવે તો કાલ પર ટાળો અને કઈ સારું કરવાનો વિચાર આવે તો આજે જ કરી નાંખો એટલે જ કોઈ કલાકાર સાથે એમને રહ્યાં ત્યાં સુધી વાદ-વિવાદ ન થયો.
સનત તો સેટ થઈ ગયો હતો. ભૈરવી પણ પહેલા શો પછી નિખરી આવ્યાં . એ પણ મારા સિનિયર અને અભિનેત્રી પણ ઉમદા. પહેલા શો પછી મને કહે : ટપુડા, બરાબર કર્યું ને?’ મેં કહ્યું : ‘પ્લીઝ, ટપુડાને શરમાવો નહિ. ! ’
શો ચાલતા રહ્યાં. અમદાવાદમાં નલીન દવે, મહેશ વૈદ્ય, અને હસમુખ ભાવસાર જેવા ત્યાંનાં જાણીતાં કલાકારોને લઈ મોટે ઉપાડે શરૂ કરેલું આ જ નાટક, રાજકોટ પછી ગુજરાત-સૌરાષ્ટ્રનું બીજું કોઈ ગામ ન જોઈ શક્યું. જો કે પૈસા રોકનાર નિર્માતા તુષાર શાહની જ ઇચ્છા નહોતી એટલે આગળ કોઈ પ્રયત્ન કરવાનું જ મુલતવી રાખ્યું. અભય શાહ તો હતા જ એમની સાથે ત્યાના જાણીતા ધનજી સોલંકી, જે ગુજરાતનાં પ્રમાણ પત્ર મેળવી આપવાનું કામ કરતાં. મુંબઈનાં નિર્માતા મુંબઈથી સ્ક્રિપ્ટ મોકલે એટલે ગુજરાતમાં એ નાટક ભજવવા માટે રાઈટ્સ તો જોઈએ.
એનું પ્રમાણપત્ર સચિવાલયમાંથી મેળવવું પડે. એ કામ ધનજી સોલંકી સુપેરે કરી આપતા. ક્યારેક ઈમરજન્સીમાં એક-બે દિવસમાં પણ કાઢી આપતા. સમજોને કે એ કામ માટે એમની મોનોપોલી હતી. હા, થોડો ચાર્જ લેતા. આમ પણ એ એમની દોડાદોડીનો જ ચાર્જ હતો. એ ક્યારેક અભયભાઈ સાથે અમુક શો પણ આયોજિત કરતાં. ( આજે આ બંને- અભયભાઈ અને ધનજીભાઈ આ દુનિયામાં નથી.) એ બંને અમારું નાટક જે રીતે મુંબઈમાં ધૂમ ચાલી રહ્યું હતું એ વાતથી માહેર તો હતા જ. અભયભાઈએ શરૂઆતમાં અમદાવાદમાં અમને મદદ કરી. એમને આશા હતી કે મુંબઈમાં ધૂમ મચાવતું નાટક અમદાવાદમાં અને આજુબાજુનાં શહેરોમાં પણ ધૂમ મચાવશે, પણ એ આશા ઠગારી નીકળી. એમને થયું કે મુંબઈના કલાકારો સાથે ભજવાતું આ નાટક અહીં ભજવવાની ટ્રાય કરવી જોઈએ. એમણે ધનજી સોલંકીને ભાગીદાર બનાવ્યા. અમને ફોન કરી બે શો માટે આમંત્રણ આપ્યું. શો ભાવનગર ખાતે ભજવવાના હતા.
મેં બીજે દિવસે ફોન કરી ભટ્ટસાહેબને જણાવ્યું.ભટ્ટ સાહેબ મને કહે : જોયું? તમે અમદાવાદ માટે મને કહ્યું ત્યારે મેં શા માટે જોડવાની ના પાડેલી? ત્યારે જ કહ્યું હતું કે ‘આપણે આ ટીમ સાથે જઈશું. તુષારભાઈને વધુ કમાવું હતું. મેં ના પાડી તો એકલા મંડી પડ્યા. સહુનો સાથ રાખવો પણ સાથમાં સ્વાર્થ ન રાખવો. ખેર, હા પાડી દે, પણ રવિવાર છોડીને. આપણા હાઉસફૂલ જતા શો છોડીને નહિ.’
મેં અભયભાઈને ભટ્ટસાહેબની વાત ‘રવિવાર છોડીને’ જણાવી ભાવનગર માટે લીલી ઝંડી આપી દીધી.
હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, જીવનમાં એક આશ છે મને મારા મળે.
ડબલ રિચાર્જ
ટિચર: અ.ઇ.ઈ.ઉ. બોલ ટેણિયા…
ટેણિયો: અ.ઇ.ઈ.ઉ.ઇં.ક.
ટિચર: ૠ ઋ ક્યાં?
ટેણિયો: એ આપણા નસીબમાં જ નથી.
Also Read –