નવરાત્રી માઁ દુર્ગા અને તેના નવ સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ચાલતા આ તહેવાર દરમિયાન માતાના ભક્તો દેવીઓ અને નવદુર્ગાની પ્રાર્થના કરે છે. હિંદુઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતી શારદીય નવરાત્રિનું આઠમુ નોરતું મહાગૌરી માતાને સમર્પિત છે. નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવવામાં આવે છે. મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે. અષ્ટમી દરમિયાન માતા દુર્ગાની પ્રાર્થના કરવાથી વ્યક્તિને પોતાની તમામ સમસ્યાઓ અને પાપોમાંથી મુક્તિ મળી જાય છે.
પંચાંગ અનુસાર, નવદુર્ગા દેવી પાર્વતીની જીવન અવસ્થા છે, જેને તમામ દેવતાઓમાં સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. નવરાત્રીના સાતમા દિવસે માઁ કાલરાત્રિની પૂજા કર્યા પછી લોકો ચૈત્ર નવરાત્રીના આઠમા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે. નવરાત્રિમાં આ દિવસનું વિશેષ મહત્વ છે.
અષ્ટમી દરમિયાન લોકો દેવી મહાગૌરીની પૂજા કરે છે અને કન્યા પૂજન, સંધી પૂજા, મહાસ્નાન અને અન્ય વિધીઓ સહિત અનેક ધાર્મિક વિધિઓ કરે છે.
પંચાંગ અનુસાર દેવી શૈલપુત્રીનો વર્ણ ખૂબ જ ગોરો હતો અને તે ખૂબ જ સુંદર હતી. એક લોકકથા એવી છે કે, મા પાર્વતીએ ભગવાન શિવને પામવા માટે તપ કર્યું હતું. સખત તપ કરવાના કારણે તેમનું શરીર કાળું પડી ગયું અને ત્યારે ભગવાન શિવે તેમના પર ગંગાજળ છાંટ્યું અને તેઓને ફરી ગોરો રંગ આપ્યો. ત્યારથી માતાના આ સ્વરૂપને મહાગૌરી કહેવામાં આવે છે.
માતા ગૌરીની સવારી બળદ છે. તેથી જ તેઓ વૃષરુઢા તરીકે પણ ઓળખાય છે. માતાને ચાર હાથ સાથે દર્શાવવામાં આવે છે, જેમાં એકમાં ત્રિશુલ અને જમણા હાથે તે અભય મુદ્રા બનાવે છે અને ડાબા હાથમાં ડમરુ અને અન્ય વરદ મુદ્રામાં રહે છે. આ દિવસે અષ્ટમીનું વ્રત કરવામાં આવે છે.
એમ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. દેવી મહાગૌરી રાહુ ગ્રહ પર શાસન કરે છે અને તે શુદ્ધતા, શાંતિનું પ્રતીક છે. માં મહાગૌરીને તેમના ગોરા રંગને કારણે શંખ, ચંદ્ર અને કુંદના સફેદ ફૂલ સાથે પણ સરખાવવામાં આવે છે. તે માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે અને તેથી તે શ્વેતામ્બરધરા તરીકે પણ ઓળખાય છે.
અષ્ટમીના દિવસે માતાના ભક્તો તેમના દિવસની શરૂઆત મહાસ્નાન કરી પોતાને અશુદ્ધિઓથી શુદ્ધ કરી અને નવા વસ્ત્રો પહેરીને કરતા હોય છે. લોકો અષ્ટમી પર નવ કુંવારી કન્યાઓને પોતાના ઘરે આમંત્રિત કરીને કન્યા પૂજન પણ કરે છે. આ કન્યાઓને મા દુર્ગાનું દૈવી સ્વરૂપ માનવામાં આવે છે અને ભક્તો દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. આ કન્યાઓ એક પંક્તિમાં બેસે છે, ત્યારબાદ તેમના હાથ પર પર પવિત્ર દોરો બાંધવામાં આવે છે, તેમના પગ ધોવામાં આવે છે, તેમના કપાળ પર તિલક કરવામાં આવે છે. આ સાથે કન્યાઓને પુરી, હલવો અને કાળા ચણાનો પ્રસાદ ખવડાવવામાં આવે છે.
Taboola Feed