સપ્ટેમ્બર 2025 પછી ₹500ની નોટ નહીં મળે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું છે હકીકત… | મુંબઈ સમાચાર

સપ્ટેમ્બર 2025 પછી ₹500ની નોટ નહીં મળે? સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું છે હકીકત…

આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વાત એટલા ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે કે ઘણી વખત તો એમાંથી સાચું શું અને ખોટું શું એ પારખવું મુશ્કેલ થઈ પડે. હાલમાં સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની નોટને લઈને આવા જ એક સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. આ સમાચારમાં એવો દાવો કરવામાં આવ્યો છે સપ્ટેમ્બર, 2025 પછી એટીએમમાંથી 500 રૂપિયાની નોટ મળવાનું બંધ થઈ જશે. હવે સરકારે ખુદ આ બાબતે સંસદમાં ખુલાસો કર્યો છે. આવું જોઈએ શું કહ્યું સરકારે-

સરકારે સ્પષ્ટતા કરી છે કે 500 રૂપિયાની નોટ ચલણમાં જ રહેશે અને એટીએમમાંથી આવનારી નોટના મિશ્રણમાં એનું વિતરણ ચાલુ જ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક અને વ્હાઈટ લેબલ ઓપરેટર્સને આદેશ આપ્યા છે કે 30મી સપ્ટેમ્બર, 2025 સુધી પોતાના 75 ટકા એટીએમમાં 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતાની ખાતરી કરે. ત્યાર બાદ 31મી માર્ચ, 2026 સુધી આની સંખ્યા 90 ટકા સુધી વધારવી પડશે.

રાજ્યસભામાં યોજાયેલા એક સત્ર દરમિયાન સાંસદ યેર્રમ વેંકટ સુબ્બા રેડ્ડી અને મિલિંડ મુરલી દેવડાએ 500 રૂપિયાની નોટ અને એટીએમમાંથી પૈસા ઉપાડવા સંબંધિત સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 30મી સપ્ટેમ્બર, 2025 સુધી એટીએમમાંથી 500 રૂપિયાની ન મળે એવા આદેશ આપ્યા છે? જો હા, તો તેના કારણો શું છે?

સરકારે આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે 500 રૂપિયાની નોટના પુરવઠાને રોકવાનો કોઈ પ્રસ્તાવ નથી. એટીએમમાંથી 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટની સાથે સાથે 500 રૂપિયાના નોટ પણ ઉપાડી શકાશે.

સરકાર અને આરબીઆઈએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં 500 રૂપિયાની નોટને લઈને કોઈ ફેરફાર થશે તો તેની ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. હાલમાં તો નાગરિકોએ અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક વખત 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે એવા અહેવાલો સામે આવી ચૂક્યા છે અને દરેક વખતે આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ પણ વાંચો…દરરોજ ઉપયોગમાં લો છો પણ ભારતીય ચલણી નોટો પર છપાતી આ વસ્તુને ક્યારેય ધ્યાનથી જોઈ છે?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button