સ્પેશિયલ ફિચર્સ

કેટલીક આદતો જે તમારી કિડનીને નુક્સાન પહોંચાડે છે

તમારી કિડની ચોવીસ કલાક કામ કરે છે અને શરીરમાંથી કચરો, એસિડ અને વધારાનું પ્રવાહી દૂર કરવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તેથી જ તમારે તમારી કિડનીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે કારણ કે જો આઅંગ નિષ્ફળ જાય, તો શરીરમાંથી ઝેર અને કચરો કૃત્રિમ રીતે દૂર કરવા માટે કાયમી ડાયાલિસિસની જરૂર પડી શકે છે. જો તમે ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરથી પીડાતા હો, તો તમારી કિડનીની તંદુરસ્તી તમે આ ક્રોનિક પરિસ્થિતિઓને કેટલી સારી રીતે સંચાલિત કરો છો તેના પર નિર્ભર રહે છે. આજે અમે તમને એવી કેટલીક કુટેવો વિશે જણાવીશું જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તમારે આ કુટેવો વહેલી તકે છોડી દેવી જોઇએ.

1) ઓવર-ધ-કાઉન્ટર (OTC) પેઇનકિલર્સ અને બોડી બિલ્ડીંગ હેલ્થ સપ્લીમેન્ટ્સનો વધુ પડતો ઉપયોગ વારંવાર કિડનીને બગાડી શકે છે. જો તમે ક્રોનિક પીડા, માથાનો દુખાવો અથવા સંધિવા માટે આનો નિયમિત ઉપયોગ કરો છો, તો તમારે તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઇએ.

2) એવી જ રીતે પ્રોસેસ્ડ ફૂડનો વધુ પડતો વપરાશ ખતરનાક છે. પ્રોસેસ્ડ ફૂડ્સ સોડિયમ અને ફોસ્ફરસથી ભરેલા હોય છે. કિડનીની બીમારી હોય તેઓએ પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું સેવન કિડની અને હાડકાં માટે હાનિકારક છે.

3) વધુ પડતી ખાંડ ખાવાથી સ્થૂળતા થઈ શકે છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. જે કિડનીના રોગમાં પરિણમે છે. તેથી ખાંડનું સેવન ઓછું કરો. ઉપરાંત, બિસ્કિટ, મસાલા, અનાજ અને સફેદ બ્રેડનો નિયમિત વપરાશ ટાળો ,કારણ કે તેમાં ખાંડ હોય છે.

4) ખોરાકમાં વધુ પડતા મીઠાનો ઉપયોગ કિડની માટે ખતરો ઉભો કરે છે કારણ કે તેમાં અતિશય સોડિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે. તેથી, કોબીજ, બ્લૂબેરી, સીફૂડ અને તંદુરસ્ત અનાજ જેવા તાજા, કુદરતી રીતે ઓછા સોડિયમવાળા ખોરાક ખાવા જોઇએ.

5) તમારી જાતને હાઇડ્રેટેડ ન રાખવી એ તમારી કિડની માટે હાનિકારક બની શકે છે. તમારે તમારી જાતને હાઇડ્રેટ કરવા માટે પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ કારણ કે તે કિડનીના રક્ત પરિભ્રમણને જાળવે છે અને મેટાબોલિક કચરાને બહાર કાઢવામાં અને પીડાદાયક કિડની પથરીને બનતા અટકાવવામાં પણ મદદ કરે છે. કિડનીની સમસ્યાવાળા દર્દીઓને ઓછા પ્રવાહીની જરૂર પડે છે. પરંતુ તંદુરસ્ત કિડની ધરાવતા લોકોએ દરરોજ 3-4 લિટર પાણી પીવું જોઈએ.

6) નિયમિતપણે કસરત ન કરવી એ કિડનીની સમસ્યા વકરાવાની ખાતરીપૂર્વકની રીત છે. લાંબા સમય સુધી બેસી રહેવું એ કિડની રોગને જન્મ આપે છે. બેઠાડુ જીવનશૈલી કિડનીના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ બ્લડ પ્રેશર અને ચયાપચયને સુધારે છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે.

7) જો તમારું વજન વધારે છે, તો વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે તે કિડની પરનો ભાર ઓછો કરે છે. એક સ્વસ્થ વ્યક્તિએ અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વખત 40 મિનિટ ચાલવા સાથે નિયમિત એરોબિક કસરત કરવી જોઇએ.

8) વધુ પડતું માંસ ખાવાથી તમારી કિડનીને પણ નુકસાન થઈ શકે છે. એનિમલ પ્રોટીન લોહીમાં એસિડની ઊંચી માત્રા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે જે કિડની માટે હાનિકારક હોઈ શકે છે અને એસિડિસિસનું કારણ બની શકે છે. એસિડિસિસ એવી સ્થિતિ છે જેમાં કિડની ઝડપથી એસિડને દૂર કરવામાં અસમર્થ હોય છે.

9) ધૂમ્રપાન એ તમારી કિડની સહિત તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે. જે લોકો ધૂમ્રપાન કરે છે તેમના પેશાબમાં પ્રોટીન હોવાની શક્યતા વધુ હોય છે, જે કિડનીના નુકસાનની નિશાની છે. ધૂમ્રપાન છોડો અથવા મર્યાદિત કરો કારણ કે ધૂમ્રપાન છોડવાથી કિડનીમાં લોહીનો પ્રવાહ સુધરી શકે છે.

10) વધુ પડતા આલ્કોહોલનું સેવન યુરિક એસિડનું ઉત્પાદન વધારી શકે છે અને તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને તેથી દારૂનું સેવન ઓછું કરવું હિતાવહ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button