ઈન્ટરનેટ સલામતી અને ડીપફેકના પ્રસારને અટકાવવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનીઃ રાજીવ ચંદ્રશેખર
નવી દિલ્હીઃ AI-જનરેટેડ ડીપફેક સામગ્રીની આસપાસ વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ઈન્ટરનેટ સલામતી થકી સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે એમ જણાવ્યું હતું.
હાલમાં જ અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો અને અન્ય અભિનેત્રીઓના ડીપફેક વીડિયો વાયરલ થયા હતા. રશ્મિકા મંદન્ના ડીપફેક વીડિયોમાં તેને ચુસ્ત કાળા પોશાકમાં પહેરેલી એલિવેટરની અંદર દર્શાવવામાં આવી હતી. આ વીડિયોને કારણે મનોરંજન ઉદ્યોગમાં વ્યાપક ખળભળાટ મચી ગયો હતો. આવા વીડિયોએ ભારતમાં મોર્ફ કરેલ AI વીડિયો સાથે સંકળાયેલા જોખમો વિશે ચિંતા ઊભી કરી હતી.
ડીપફેકના મૂળને ઓળખવા માટે સત્તાવાળાઓ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ જટિલ મુદ્દાને સંબોધવા માટે, કેન્દ્ર સરકારે દેશમાં સક્રિય વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે બેઠક બોલાવી હતી. 24 નવેમ્બરે યોજાયેલી મીટિંગ દરમિયાન, ડીપફેક અને સોશિયલ મીડિયા નેટવર્ક પર આવી સામગ્રીના પ્રસારને લગતા પ્રવર્તમાન કાયદાની આસપાસ ચર્ચાઓ થઈ હતી.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટ સલામતી અને ડીપફેકના પ્રસારને અટકાવવું એ તેમની જવાબદારી છે અને તેઓએ ભારતીય કાયદા અનુસાર તેમની સામગ્રીનું નિયમન કરવું પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથએ મીટિંગ કર્યા બાદ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “24 નવેમ્બરના રોજ, અમે તમામ (સોશિયલ મીડિયા) પ્લેટફોર્મ્સ સાથે વિગતવાર બેઠક કરી હતી જ્યાં તેમને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટ સુરક્ષિત છે, તેમાં કોઇ ડીપફેક નથી, તેની ખાતરી કરવાની જવાબદારી જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે અને જો તેઓ ડીપફેક કાઢવા માટે પૂરતું કામ ન કરે તો પ્લેટફોર્મની કાર્યવાહીને રોકવા, પ્રતિબંધ મૂકવા જેવા પગલા સરકાર ભરી શકે છે.
સરકારે અગાઉ એમ પણ કહ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પરના ડીપફેક ટેક્નોલોજીના જોખમની તપાસ કરવા માટે એક વિશેષ અધિકારીની નિમણૂક કરશે, જેનું કામ નાગરિકોને નકલી સામગ્રી અંગે એફઆઈઆર દાખલ કરવામાં મદદ કરવાનું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવી ખતરનાક ટેક્નોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ડીપફેક એક ટેક્નોલોજી છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી બનાવવામાં આવી છે . ડીપફેક શબ્દ ‘ડીપ લર્નિંગ’ અને ‘ફેક’નું સંયોજન છે. ડીપ ફેક ટેક્નૉલૉજીની મદદથી, કોઈ બીજાના ફોટા અથવા વીડિયો સેલિબ્રિટી વીડિયોના ચહેરા સાથે ચહેરો સ્વેપ કરવામાં આવે છે. તે બિલકુલ ઓરિજિનલ વીડિયો કે ઈમેજ જેવું જ દેખાય છે.
લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાની રીતે કન્ટેન્ટમાં ફેરફાર કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. પીએમ મોદીએ તાજેતરમાં જ લોકોને AI ડીપફેક પર ચેતવણી આપી હતી. કેન્દ્ર સરકાર ડીપફેક પર એક્શન મોડમાં છે