ડૉલર સામે રૂપિયો નવ પૈસા બાઉન્સબૅક
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ગઈકાલના કડાકા બાદ નીચલા મથાળેથી વૅલ્યૂ બાઈંગ નીકળતાં ઉછાળો આવવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં ગઈકાલે નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ ગઈકાલના ૩૭ પૈસાના કડાકા બાદ નવ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૧ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૫૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૦ અને ઉપરમાં ૮૩.૨૮ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસા વધીને ૮૩.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
એકંદરે આજે ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા બાઉન્સબૅક ઉપરાંત સંભવિતપણે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કર્યો હોવાથી રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણ ઉપરાંત સ્થાનિક સ્તરે આજે જાહેર થયેલા ગત મે મહિનાના સર્વિસીસ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સમાં ઘટાડો થયો હોવાના નિર્દેશને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૦૩.૧૯ પૉઈન્ટનો અને ૭૩૫.૮૫ પૉઈન્ટનો સુધારો આવવાની સાથે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૬ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૭૮ ડૉલરની અંદર ૭૭.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૩ ટકા વધીને ૧૦૪.૨૯ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સત્ર દરમિયાન જોવા મળેલો ૨૩ પૈસાનો સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.