ISRO: ‘Aditya L1’ સૌર મિશન આ મહિલા વૈજ્ઞાનિકની આગેવાનીમાં સફળ થયું, જાણો તેમના જીવન વિષે
બેંગલુરુ: ઈસરોના વૈજ્ઞાનિકોએ દેશને ફરી ગૌરવ અપાવ્યું છે, ઈસરોએ ભારતની સૌપ્રથમ સોલર લેબોરેટરી આદિત્ય-L1ને લાંગરાંજ પોઈન્ટ L1 પર સફળતા પૂર્વક સ્થાપિત કર્યું છે. જ્યાંથી અવકાશયાન સૂર્યનો અભ્યાસ કરશે, ઈસરોના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજી આ મિશનને સફળ બનાવવા માટે તેમની ટીમ સાથે સતત આઠ વર્ષથી અથાક મહેનત કરી રહ્યા છે. નિગાર શાજીએ વર્ષ 1987માં ઈસરોમાં જોડાયા હતા, વર્ષોની મહેનત અને કામ પ્રત્યે પ્રતિબદ્ધતા બાદ તેઓ ભારતના પ્રથમ સૌર મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યા હતા. તેઓ અગાઉ રિસોર્સસેટ-2A ના એસોસીએટ પ્રોજેક્ટ ડિરેક્ટર હતા, રિસોર્સસેટ-2A હજુ પણ કાર્યરત છે. તેઓ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અને અન્ય ગ્રહો માટેના મિશન પ્રોગ્રામ ડિરેક્ટર પણ છે. તેમણે આંધ્ર પ્રદેશના કિનારે આવેલા શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પર કામ કરીને ISROમાં તેના કાર્યકાળની શરૂઆત કરી હતી અને બાદમાં તેઓ બેંગલુરુના યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર સાથે જોડાયા હતા, જે ઉપગ્રહો વિકસાવવા માટેનું મુખ્ય કેન્દ્ર છે.
તમિલનાડુના તેનકાસી જિલ્લાના સેંગોટાઈમાં મુસ્લિમ તમિલ પરિવારમાં જન્મેલા શાજીએ શાળાકીય શિક્ષણ સેંગોટાઈમાં જ મેળવ્યું હતું. ત્યાર બાદ તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટી હેઠળનાની તિરુનેલવેલી સ્થિત ગવર્નમેન્ટ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેણે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. બાદમાં, તેમણે બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મેસરામાંથી ઇલેક્ટ્રોનિક્સમાં માસ્ટર્સ કર્યું.
શાજી અને તેની ટીમે 2016 માં આદિત્ય L1 પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું. જોકે કોવિડને કારણે વર્ષ 2020માં ISROનું કામ લગભગ અટકી ગયું હતું, ત્યારે આ પ્રોજેક્ટનું કામ ક્યારેય અટક્યું ન હતું. તેમણે અને તેમની ટીમે સાત વૈજ્ઞાનિક સાધનો ધરાવતી સોલર લેબોરેટરીપર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, આખરે આદિત્ય L-1ને ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું.
નિગાર શાજી અને તેમની ટીમે અનેક પૃથ્વીથી L1 બિંદુ તરફની સ્પેસ લેબોરેટરીની મુસાફરી દરમિયાન દરેક ગતિવિધિ પર બાજ નજર રાખી હતી. તેમની સખત મહેનતને કારણે, આદિત્ય-L1 આખરે તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી ગયું છે, જ્યાંથી અવકાશયાન કોઈપણ અવરોધ વિના સૂર્યનું નિરીક્ષણ કરશે.