સરકારની મધ્યસ્થી બાદ Naukri.com સહિત કેટલીક એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી

ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી ડિલિસ્ટ કરાયેલી કેટલીક ભારતીય એપ્સને પુનઃસ્થાપિત કરી છે. કેન્દ્ર સરકારે આ અંગે મીટિંગ બોલાવીને વિવાદને ઉકેલવાનો પ્રયાસ કર્યા બાદ ગૂગલે એ એપ્સને પ્લે સ્ટોર પર ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. પ્લે સ્ટોર પર ડિલિસ્ટ કરાયેલી કેટલીક એપ્સ ફરી પાછી આવી જતા લોકોએ પણ રાહતનો દમ ખેંચ્યો છે.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવને ટાંકીને કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર કેટલીક એપ્સને ડિલિસ્ટ કરવાના ગૂગલના પગલાનો સખત વિરોધ કરે છે. “ગૂગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કેટલીક એપ્સને ડિલિસ્ટ કરવા અંગે સરકાર મક્કમ વલણ ધરાવે છે. ભારત ખૂબ જ સ્પષ્ટ છે, અમારી નીતિ ખૂબ જ સ્પષ્ટ છે કે અમારા દેશના સ્ટાર્ટઅપ્સને જોઇતી બધી સુરક્ષા આપવામાં આવશે. સરકાર એપ્સને ડિલિસ્ટ કરવાની મંજૂરી આપશે નહીં,” એમ તેમણે કહ્યું હતું.
કેન્દ્ર સરકારની દરમિયાનગીરી બાદ Google એ Info Edge India ની કેટલીક ફ્લેગશિપ એપ્સને પુનઃસ્થાપિત કરી છે, જેમ કે Naukri, 99acres, Naukri Gulf. પીપલ ગ્રુપની મેટ્રિમોની એપ Shaadi.com પણ સરકારના હસ્તક્ષેપ બાદ શનિવારે બપોરે પ્લે સ્ટોર પર પાછી આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સર્વિસ ફીની ચૂકવણી નહીં કરવા બદલ ગૂગલે આ એપ્સને હટાવી દીધી હતી.