ગૂગલ ખાવાની ના પાડે, ગૂગલ કહે છે મરી જાવ: મોબાઈલના વ્યસનીઓ ખાસ વાંચે
અમદાવાદઃ આજના સમયમાં કેફી દ્રવ્યો જેટલું જ ઘાતક મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. ઘણા યુવાનો, બાળકે જ નહીં વૃદ્ધો પણ આ વ્યસનના શિકાર બની ગયા છે. ડોક્ટરો પાસે પણ માતા-પિતા આવી તકલીફો લઈને આવે છે. આંખની સમસ્યાઓને કારણે અને માનસિક તકલીફો વધતા ડોક્ટોરે ત્યાં દિવસના ઘણા કેસ આવે છે જેમાં સમસ્યાનું મૂળ મોબાઈલનું વ્યસન હોય છે. જોકે સુરતનો એક પરિવાર આ વ્યસનને કારણે પોતાની 20 વર્ષની દીકરી ગુમાવી ચૂક્યો છે.
સુરતમાં રહેતા અને ઝવેરી કામ કરતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીને મોબાઈલનું વ્યસન થઈ ગયું હતું. આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી છોકરીને કારણે પરિવાર પણ પરેશાન હતો. આ છોકરી એક વાર મોબાઈલમાં બતાવવામાં આવતી ફેશિયલ એક્સરસાઈઝ કરતા પરેશાન થઈ હતી.
તેનું મોઢું મચકોડાઈ જતા તેને ડોક્ટર પાસે લઈ જવી પડી હતી. જોકે આમ થવા છતાં તેનું વ્યસન છૂટતું ન હતું અને તે નિરાશ થઈ ગઈ હતી. ત્યારબાદ તેને માનસિક ડોક્ટર પાસે પણ લઈ ગયા હતા. તેને જોકે ફરક પડ્યો નહોતો. તે ગૂગલના નામે બોલ બોલ કર્યા કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.
તેની પાસેથી એક મહિનાથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ઘરમાં એકલી હતી ત્યારે તેણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ઘણા કામના સાધનો છે, પરંતુ તેનો ઉપયોગ જો સમજદારીપૂર્વક ન કરવામાં આવે તો આવો કરૂણ અંજામ પણ આવી શકે છે.