વિજ્ઞાન અને ટેકનોલોજી

ભારતીયોને ચંદ્ર પર મોકલવા માટે ઈસરોએ કયા પડકારોનો સામનો કરવો પડશે?

ઈસરોને પીએમ મોદીએ ચંદ્ર પર માનવ મોકલવાના અભિયાન માટે વર્ષ 2040 સુધીની ડેડલાઈન આપી છે. આ કાર્ય ISRO માટે અસંભવ તો નથી, પરંતુ આ કાર્યમાં અનેક પડકારો આવશે, ગગનયાન મિશનની સફળતા સુનિશ્ચિત કરવાની સાથે અનેક અવનવી વિકસિત ટેકનોલોજીના ઉપયોગ પર પણ ધ્યાન આપવાનું રહેશે.

ચંદ્રયાન-3 ની અભૂતપૂર્વ સફળતા બાદ એક સ્વાભાવિક ઈચ્છા ભારતીયોના મનમાં ઉત્પન્ન થઈ છે કે ચંદ્રમા પર ભારતીયો ક્યારે પગ મૂકશે, ચંદ્રયાન-3ની સફળતાને કારણે એટલું તો ચોક્કસ છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ શક્ય છે. જોકે ચંદ્ર પર માણસ મોકલવાના મિશનમાં ઇસરોને હજુ અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.


ઈસરો માટે હાલના તબક્કે પહેલા ગગનયાનની સફળતા જરૂરી છે. જેમાં 3 ભારતીયો અવકાશમાં 3 દિવસ વિતાવીને પૃથ્વી પર પરત ફરશે. ઇસરોના ચંદ્રયાન અને મંગળયાન જેવા અભિયાનોમાં સોલાર એનર્જી અને સ્પેસક્રાફ્ટ સોલાર પેનલ એક્સપર્ટ રહી ચૂકેલા મનીષ પંડિતે જણાવ્યા મુજબ ઈસરો માટે જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે છે શક્તિશાળી રોકેટનું નિર્માણ કે જે ચંદ્રમા સુધી માણસને પહોંચાડી શકે.


ચંદ્રયાન-3 માટે ઈસરોએ LVA-3 રોકેટનો ઉપયોગ કર્યો હતો જે પૃથ્વીની નીચલી કક્ષામાં દસ હજાર કિલોનું વજન લઇ જવામાં સક્ષમ છે પરંતુ ચંદ્રમા પર જવા માટે આપણને એવું રોકેટ જોઈશે જે એક લાખ કિલોના ભારનું વહન કરવા સક્ષમ હોય. આ ટેકનિકનો ઉપયોગ નાસાએ સેટર્ન-5 મિશનમાં કર્યો હતો.

ચીન વર્ષ 2027 સુધીમાં 21 લાખ કિલોના લોંગમાર્ચ 10 રોકેટ વિકસાવવામાં રોકાયેલું છે, જ્યારે સ્પેસએક્સ 50 લાખ કિલોની ક્ષમતા ધરાવતું સ્ટારશિપ વિકસાવી રહ્યું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ વર્ષ 2027-28 સુધીમાં 20 લાખ કિલોગ્રામની ક્ષમતાવાળું રોકેટ તૈયાર કરી રહી છે. ભારત પાસે હાલમાં આવા કોઈ રોકેટ નથી.


જો ગગનયાન મિશન સફળ થાય છે તો એ પ્રસ્થાપિત થઇ જશે કે ભારત અવકાશયાત્રીઓને સલામત રીતે પૃથ્વીની બહાર લાવવા-લઇ જવા માટે સક્ષમ છે. તેની તર્જ પર જ ચંદ્રમા પર માનવને મોકલવાની યોજનાઓ અંગે વિચાર થઇ શકશે. અવકાશયાત્રીઓ માટે ઇસરોએ એક ક્રૂ મોડ્યુલ પણ વિકસિત કરવું પડશે.


ક્રૂ મોડ્યુલમાં યાત્રિકોને ચંદ્ર પર પહોંચાડ્યા બાદ ત્યાંથી પરત લાવવાની વિવિધ ટેકનીકો પર કામ કરવું પડશે. અવકાશયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા, તેમનો રિસર્ચ માટેનો સામાન, જરૂરી ધન વ્યવસ્થા આ બધા પડકારોનો પણ સામનો ઇસરોએ કરવાનો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button