ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

બેંગલુરુ: 46 વર્ષ પહેલા ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)એ તેના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-3 (SLV-3)નું પ્રથમ લોન્ચ હાથ ધર્યું હતું, જે બંગાળની ખાડીમાં ક્રેશ થયું હતું. ત્યાર બાદ ISROએ સતત પ્રયત્નો કરીને અવકાશ વિજ્ઞાન મોટી સફળતાઓ મેળવી છે, આજે ભારત અવકાશ વિજ્ઞાન બાબતે વિકસિત દેશોને ટક્કર આપી રહ્યું છે. એવામાં ISROએ આજે લોન્ચિંગની સદી ફટકારી (ISRO 100th Launch) છે. આજે બુધવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી તેનું 100મું લોન્ચિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો છે.
મંગળવાર વહેલી સવારે ઇસરોના ઐતિહાસિક 100મા મિશન માટે કાઉન્ટ ડાઉન શરૂ થયું હતું. આજે બુધવારે સવારે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત અવકાશ કેન્દ્રથી નેવિગેશન સેટેલાઇટ NVS-2 સાથે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ બાદ લગભગ 20 મિનિટમાં ઉપગ્રહ સફળતાપૂર્વક ઓર્બીટમાં સ્થાપિત કરવામાં આવ્યો.
Also read: આ વિજ્ઞાનિક બનશે ISROના નવા વડા, ભારતના સ્પેસ મિશનમાં આપી ચુક્યા છે મહત્વપૂર્ણ યોગદાન
નવા અધ્યક્ષની આગેવાનીમાં પહેલું લોન્ચ:
આ મિશન એટલા માટે પણ ખાસ રહ્યું કેમ કે ઇસરોના અધ્યક્ષ વી નારાયણનના નેતૃત્વ હેઠળ આ પહેલું મિશન છે. તેમણે 13 જાન્યુઆરીના રોજ પદ સંભાળ્યું હતું. લોન્ચિંગ પહેલાં, ISROના ચેરમેન નારાયણને તિરુપતિ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજ સાથે GSLVની 17મી ફ્લાઈટ:
અહેવાલ મુજબ મંગળવારે સવારે 2.53 વાગ્યે લોન્ચ માટે 27.30 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું. સ્વદેશી રીતે તૈયાર થયેલું ક્રાયોજેનિક સ્ટેજ સાથેનું જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (GSLV) તેની 17મી ફ્લાઈટમાં નેવિગેશન સેટેલાઇટ NVS-2ને ઓર્બીટમાં સ્થાપિત કર્યા.
NAVIC સિરીઝ:
અહેવાલ મુજબ, બુધવારે સવારે 6.23 વાગ્યે આ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નેવિગેશન સેટેલાઇટ NVS-2 એ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન (NAVIC) સીરીઝનો બીજો ઉપગ્રહ છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય ઉપખંડ તેમજ ભારતીય વિસ્તારોથી લગભગ 1,500 કિલોમીટર સુધીના વિસ્તારોના યુઝર્સને સચોટ સ્થિતિ, ગતિ અને સમયની માહિતી પૂરી પાડવાનો છે.