સૌથી મોંઘા માનવ નિર્મિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેવી રીતે રહે છે અવકાશયાત્રીઓ?
મનુષ્ય પૃથ્વી પર 70 લાખ વર્ષોથી જીવે છે, પરંતુ પૃથ્વીના વાતાવરણની બહાર જીવવું આપણા માટે શક્ય નથી. જો કે, અવકાશમાં એક એવી જગ્યા છે જ્યાં મનુષ્ય ઘણા વર્ષોથી રહે છે. આ જગ્યાનું નામં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)છે. જેનો હેતુ અવકાશમાં નવી શોધ, જીવન અને તેની માનવ શરીર પર શું અસર થાય તેનું સંશોધન કરવાનો છે.
ISS પર અત્યાર સુધીમાં $100 બિલિયન (આશરે રૂ. 75 અબજ) થી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે, જે તેને વિશ્વની સૌથી મોંઘી માનવ નિર્મિત વસ્તુ બનાવે છે. પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર આવેલું આ સ્પેસ સ્ટેશન સ્થિર નથી પરંતુ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની આસપાસ ફરે છે અને માત્ર 90 મિનિટમાં પૃથ્વીની એક પરિક્રમા પૂર્ણ કરે છે.
અવકાશમાં આ ISS કેમ જરૂરી છે?
તેને સંશોધન અને અનુભવ મેળવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આપણે દર વખત બીજા ગ્રહ પર માનવ વસતી વસાવવાની વાત સાંભળીએ છે. આપણા પાડોશી ગ્રહ મંગળ સુધી પહોંચતા આપણને 6થી 7 મહિના લાગી શકે છે, અને ત્યાંથી જઈને પાછા આવવામાં 3 વર્ષ લાગી જશે. તો આટલા મહિના અવકાશમાં રેહવું પડશે.
અવકાશમાં રહેવાથી આપણા શરીરમાં શું અસર થશે અને તે દરમિયાન આપણે જીવિત કેવી રીતે રહીશું? આવા કેટલાક મહત્ત્વના સવાલના જવાબ માટે સંશોધન જરૂરી છે, આવા સંશોધન માત્ર અવકાશમાંજ થઇ શકે છે. અવકાશમાં જવું પડકારજનક કામ છે. અવકાશની લાંબી યાત્રા પહેલા આપણે ત્યાં રહેવાનું શીખવું પડશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી આપણે ત્યાં રહેવા અને કામ કરવાનું શીખી રહ્યા છીએ. ત્યાં એવા ઘણા અવકાશયાત્રીઓ છે જે ત્યાં શંશોધન અને ISSને મેઇન્ટેન કરે છે. ISS મુખ્ય રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. જેમાં એક ભાગ રશિયાનો અને બીજો અમેરિકા તથા તેના સહયોગી દેશોનો છે.
સામાન્ય રીતે ISS પર એક સમયે 6 લોકો હોય છે, જો કે એક સાથે 13 લોકો ત્યાં હોઈ શકે છે. અત્યાર સુધીમાં 240થી વધુ અવકાશયાત્રીઓએ ISSની મુલાકાત લીધી છે. ISS પર સૌથી વધુ દિવસો વિતાવવાનો રેકોર્ડ નાસાના અવકાશયાત્રી સ્કોટ કેલીના નામે છે, જેમણે ત્યાં 340 દિવસ વિતાવ્યા હતા. અવકાશયાત્રીઓના શરીર પરની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. જેથી કરીને તેઓ મંગળ પર જવા જેવા ભવિષ્યના લાંબા અંતરિક્ષ મિશન માટે તૈયારી કરી શકે.
કેવી રીતે રહે છે અવકાશયાત્રીઓ
આપણા માટે પૃથ્વી પર સરખું તાપમાન છે. પણ અવકાશમાં તાપમાન તાપમાન નેગેટિવ હોય છે. મનુષ્ય ત્યાં ટકી શકે માટે તાપમાન, દબાણ અને ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ISSમાં જાળવવામાં આવે છે. આ સિવાય અવકાશયાત્રીઓ એર લોક દ્વારા સ્પેસવોક માટે બહાર જાય છે. ISS પર સૌથી મોટો ફેરફાર ગુરુત્વાકર્ષણ સાથે આવે છે, કારણ કે ત્યાં માઇક્રોગ્રેવિટીનો અનુભવ થાય છે. પૃથ્વીનું 90% ગુરુત્વાકર્ષણ ત્યાં હાજર હોવા છતાં, ISSની અતિશય ગતિને કારણે ગુરુત્વાકર્ષણની અસર અનુભવાતી નથી.
ISSમાં ગ્રૅવિટીના અભાવના કારણે ખાવા, પિવા, કે ટોયલેટ જેવા દૈનિક કાર્યોમાં ચાતુર્ય જરૂરી છે. ખાસ રીતે ડિઝાઇન કરેલા માઇક્રોગ્રૅવિટી ટૉયલેટ અને સ્લીપિંગ બેગ્સનો આ માટે ઉપયોગ થાય છે. મસલ્સ નબળા ન થાય એ માટે અવકાશયાત્રીને દરરોજ બે કલાકની કસરત ફરજિયાત છે. ISS પર સંશોધન દરમિયાન, અવકાશયાત્રીઓના શરીર પરની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે જેથી કરીને તેઓ મંગળ પર જવા જેવા ભવિષ્યના લાંબા અંતરિક્ષ મિશન માટે તૈયારી કરી શકે.
ISSના પડકારો અને ભવિષ્ય
ISSને ચલાવવા માટે દર વર્ષે વિજ્ઞાનિક, એન્જિનિયરો અને ટેકનિશિયનોને ઘણી મહેનત કરવી પડે છે. તેના મુખ્ય ભાગોમાં મેન્ટેનન્સ માટે ઘણી વાર અવકાશયાત્રીને બહાર સ્પેસવૉક કરવું પડે છે. 2024 સુધી ISSનું નક્કી કરેલું બજેટ છે, અને તેને 2030 સુધી ચલાવવાનો પ્લાન છે. ISSના અવસાન બાદ નવી પ્રજાતિના સ્પેસ સ્ટેશનો, જે પ્રાઇવેટ સ્પેસ કંપનીઓ દ્વારા વિકસિત થશે, માનવજાતના અંતરિક્ષ અભ્યાસમાં નવી દિશા આપશે.
ISS એ માનવજાતના સાહસ અને વિજ્ઞાનની મર્યાદાઓને આગળ ધકેલવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તે અંતરિક્ષમાં માનવ હાજરીના પ્રથમ પગલાનું પ્રતીક છે, અને તેની સફળતા આકાશમાં નવું ઈતિહાસ લખશે.
પૃથ્વી પરથી કેવી રીતે જોઈ શકશો?
નાસાની આ વેબસાઇટ https://spotthestation.nasa.gov/sightings/index.cfm પરથી તમે તમારા વિસ્તારનું લોકેશન નાંખીને તમારા વિસ્તારમાં આ સ્પેસ સ્ટેશન ક્યારે આવશે તે પણ જોઈ શકશો. જોકે તેને નરી આંખે જોવા માટે હવામાન સ્વચ્છ હોવું જરૂરી છે.