આજે ISRO વધુ એક ઉપગ્રહ લોન્ચ કરશે, જાણો કેમ છે આ મિશન ખાસ
બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે દેશને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. ISRO આજે શનિવારે વેધર સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આજે લોન્ચ સફળ જશે તો, ભારત માટે હવામાનની પેટર્ન અંગે જાણકારી મેળવવું સરળ બનશે. આ માટે ઈસરો ‘જિયોસિંક્રોનસ લૉન્ચ વ્હીકલ’ (GSLV) રોકેટનો ઉપયોગ કરવા જઈ રહી છે, જેને ‘નૉટી બોય’ તરીકે ઓળખવામાં આવે છે.
ISROનો મેટ્રોલોજીકલ સેટેલાઇટ INSAT-3DS GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. બદલાતા હવામાન ઉપરાંત અવકાશમાં હાજર આ ઉપગ્રહ આવનારી આફતોની સમયસર માહિતી પણ આપશે. GSLV-F14 રોકેટને શનિવારે સાંજે 5.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ ISROની YouTube ચેનલ અને Facebook હેન્ડલ પર જોઈ શકાશે. આ સિવાય લોન્ચિંગ દૂરદર્શન પર પણ જોઈ શકાશે.
ISROના જણાવ્યા અનુસાર, GSLV રોકેટનું આ 16મું મિશન છે અને સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરીને 10મું લોન્ચિંગ છે. GSLV રોકેટને ‘નૉટી બોય’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેની નિષ્ફળતા દર 40 ટકા છે. આ રોકેટ સાથે કરાયેલા 15 પ્રક્ષેપણમાંથી 4 નિષ્ફળ ગયા છે.
એવામાં આ મિશનની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનું કારણ એ છે કે પૃથ્વી વિશે માહિતી એકત્ર કરનાર ઉપગ્રહ NISARને આ વર્ષે GSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને ઈસરો સંયુક્ત રીતે આ સેટેલાઈટ તૈયાર કરી રહ્યા છે.
અવકાશમાંથી હવામાન અંગે માહિતી મેળવવા માટે ISROનો INSAT-3DS સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. INSAT-3DS ઉપગ્રહ પહેલાથી જ અવકાશમાં રહેલા INSAT-3D અને INSAT-3DR નું સ્થાન લેશે. INSAT-3DS સેટેલાઇટનું વજન 2,274 કિલોગ્રામ છે અને મિશન લાઇફ 10 વર્ષ છે. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવનાર આ સેટેલાઈટને તૈયાર કરવાનો કુલ ખર્ચ 480 કરોડ રૂપિયા છે.
રોકેટ દ્વારા પ્રક્ષેપણની 18 મિનિટ પછી, INSAT-3DS ઉપગ્રહને અવકાશમાં 36,647 km x 170 km ની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. INSAT-3DS સેટેલાઇટ જમીન અને સમુદ્ર બંને પર હવામાનની ચોક્કસ માહિતી પ્રદાન કરશે. સેટેલાઇટ વાવાઝોડા ઉપરાંત દાવાનળ, સ્નો ફોલ, ધુમ્મસ અને બદલાતી આબોહવા વિશે પણ માહિતી મળશે.