Happy Birthday Google: 25 વર્ષનું થયું આજે ગુગલ…
આપણું બધાનું મનપસંદ સર્ચ એન્જિન Google આજે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. ઈન્ટરનેટની દુનિયાનો કિંગ છે ગુગલ… ગુગલ આજે માત્ર એક સર્ચ એન્જિન તરીકે જ નહીં પરંતુ બીજી ઘણી બધી સર્વીસ પ્રોવાઇડ કરીને આજે આપણા બધાના જીવનમાં મહત્વનું સ્થાન બનાવી ચક્યું છે. પણ શું તમને ખબર છે કે ખોટા સ્પેલિંગથી શરૂ થયેલું ગૂગલ આજે વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન છે અને છેલ્લા અઢી દાયકામાં એટલે કે 25 વર્ષોમાં તેણે આખી દુનિયાને અનેક રીતે પોતાની સાથે જોડી લીધી છે.
આજે આપણને આપણા કોઈ પણ સવાલ કે સમસ્યાનું સમાધાન જોઈતું કે કોઈ વસ્તુ વિશે માહિતી મેળવવી હોય તો આપણે ગુગલને પૂછીએ છીએ. આ સર્ચ એન્જિન પર નાના બાળકથી લઈને ઉચ્ચ લાયકાત ધરાવતા વ્યાવસાયિક સુધી દરેક માટે જરૂરી માહિતી ઉપલબ્ધ છે.
ગુગલ બે અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિકો લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનના મગજની પેદાશ છે. બંનેએ 4થી સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલની શરૂઆત કરી હતી. લેરી પેજ અને સર્ગેઈ બ્રિન તે સમયે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યા હતા.
તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ગુગલનું નામ Google નહીં પણ Backrub રાખવાનું હતું, પરંતુ એવું થઈ શક્યું નહીં. સ્પેલિંગ મિસ્ટેકને કારણે તેનું નામ ગુગલ થઈ ગયું હતું.
એક સમય હતો કે જ્યારે લોકો કોઈને ઈમેલ મોકલવા માટે Yahoo Mail અને Rediff Mailનો ઉપયોગ કરતા હતા પરંતુ ગુગલે જીમેલ લોન્ચ કરીને લોકોને એક નવો ઓપ્શન આપ્યું છે અને આજે એ વિશ્વની સૌથી મોટી મેઇલિંગ સર્વીસમાંથી એક છે. સાથે સાથે જ સ્માર્ટફોન ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી એન્ડ્રોઇડ ઓએસ પણ ગુગલની જ છે.અમેરિકાની દિગ્ગજ ટેક કંપની આલ્ફાબેટ ગુગલની માલિક છે અને ભારતીય મૂળના સુંદર પિચાઈ તેના સીઈઓ છે. કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. ટેક ફર્મે Google Bard AI લોન્ચ કર્યું છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટબોટ સેવા છે.
હવે તમને થશે કે અગાઉ કહ્યું કે ગુગલની શરૂઆત 4થી સપ્ટેમ્બર 1998ના રોજ કરવામાં આવી હતી તો આજે એનો જન્મદિવસ કઈ રીતે હોઈ શકે તો તમને જણાવી દઇએ કે પ્રથમ સાત વર્ષ સુધી કંપની આ દિવસે તેની વર્ષગાંઠની ઉજવણી કરતી રહી હતી અને પછીથી, કંપનીએ સર્ચ એન્જિન પર રેકોર્ડ સર્ચ પેજ ઉમેરવાની યાદમાં 27મી સપ્ટેમ્બરના વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું હતું અને ત્યારથી જ ગુગલ ઑફિશિયલી 27મી સપ્ટેમ્બરે તેનો જન્મ દિવસ ઉજવે છે.