સ્માર્ટ લાગતા બાળકો વહેલા મોટા થઈ રહ્યા છેઃ આ પરિપક્વતા છે ચિંતાનો વિષયઃ જાણો સર્વે શું કહે છે
અમદાવાદ: આધુનિક સમાજમાં બાળકોની એક નવી પેઢીનું અસ્તિત્વ છે. આજના યુગની ટેકનોલોજી અને નવીનતમ મૂલ્યો જેવા અનેક પરિબળોએ બાળકો પર ઘેરી અસરો ઊભી કરી છે અને આ અસરોથી બાળકોમાં અનેક સારા નરસા પરિણામો જોવા મળી રહ્યા છે, જેની ઘટનાઓથી આપણે વાકેફ છીએ. આ પરિબળોની અસરના ભાગરૂપે બાળકોમાં ઘણી નાની ઉંમરે પરિપક્વતા આવી જાય છે, જેના લીધે ઘણા અણધાર્યા પરિણામો સમાજની સામે જોવા મળે છે.
સામાન્ય રીતે પરિપક્વતા આવે તે સારું એમ આપણે માનીએ છીએ, પણ જો તે નિર્ધારિત સમય પૂર્વે આવે તો તે સમાજની સામે અમુક પ્રશ્નો ઊભા કરે છે. બાળકોમાં વહેલી પરિપક્વતા આવે છે, પરંતુ તેનો કોઇ અનુભવ નથી હોતો. બાળકો પાસેની આ પરિપક્વતા માત્ર માહિતીના આધારે આવે છે, તે માત્ર સપાટી પરની દુનિયામાં પ્રવેશે નહિ કે વાસ્તવિક. આથી બાળકોની આ પરિપક્વતાનો પ્રવાહ ગેરમાર્ગે દોરાય છે અને તેની વિઘાતક અસરો જોવા મળે છે.
Also read: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજનના અભાવે સરકારી રૂપિયાનો વેડફાટ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ કોડિનારીયા ઋષિકા અને પટોરીયા કૃપાલી અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં નાની ઉમરે આવતી વહેલી પરિપક્વતાની અસરો જાણવા માટે 1206 લોકોનો સર્વે કર્યો હતો. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે ફાસ્ટફૂડ, ઓછી ઊંઘ, ઇન્ટરનેટનો વઘુ ઉપયોગ, મોબાઈલ ગેમ, માતાપિતાનો વધુ પડતો લાડ, સયુંકત કુટુંબનો અભાવ, ટીવી સીરિયલ, ફિલ્મો, ઉચ્ચ અપેક્ષાઓને કારણે નાની ઉમરે બાળકો અયોગ્ય અને વહેલી પરિપક્વતા જોવા મળે છે.
સર્વેમાં શું જાણવા મળ્યું?
1206 લોકો પર કરવામાં આવેલા સર્વેમાં 93.20% લોકોએ કહ્યું કે, બાળકોમાં જોવા મળતી ખોટી પરિપકવતા પાછળનું એક કારણ સોશિયલ મીડિયા હોઈ શકે. 74.70% લોકો એવું માને છે કે પારિવારિક તણાવનાં કારણે નાની વયનાં બાળકોમાં વહેલી પરિપકવતા આવતી હોય છે. 85.90% લોકોએ કહ્યું કે, નાના બાળકોમાં આવતી વહેલી પરિપક્વતા માટે ઘરનું વાતાવરણ પણ જવાબદાર છે.
હિંસક ફિલ્મોની પણ બાળકો પર અસરો
જ્યારે એનિમલ નામની ફિલ્મ પડદા પર આવી ત્યારે તેની માનસિક અસરોને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. જો કે આ સર્વેમાં પણ એવું સામે આવ્યું છે કે 85.40% લોકો એવું માને છે કે, હિંસક ફિલ્મોની સૌથી વધુ અસર એ બાળકો પર થતી જોવા મળે છે , જે તેને વહેલી પરિપકવતા તરફ પ્રેરે છે. 91.30% લોકોએ જણાવ્યું કે બાળકો ઈન્ટરનેટનો દુરપયોગ કરીને ખોટી પરિપકવતા પ્રાપ્ત કરી રહ્યા છે.
નાની ઉમરે પરિપક્વતાના મુખ્ય કારણો
નાની ઉમરે બાળકોમાં વહેલી પરિપક્વતા આવવા માટે કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. જેમાં ટેક્નોલોજી અને મીડિયા, આર્થિક અને સામાજિક દબાણ, માતાપિતા અને પરિવારીક વાતાવરણ, સ્વતંત્રતા અને એકલતાનો અનુભવ અને શિક્ષણ અને સામાજિક સંબંધોનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયા, ટીવી સીરિયલ અને ફિલ્મોમાં દર્શાવવામાં આવતી પરિસ્થિતિઓ અને સંબંધો દ્વારા બાળકો પર અસરો પડી રહી છે. તે ઉપરાંત આર્થિક દબાણ, પરિવારના વિઘટન અથવા સામાજિક અપેક્ષાઓને કારણે, બાળકોને વધુ સમયથી જવાબદારી લેવાની જરૂર પડે છે. બાળકોને વધુ પડતો લાડ અથવા સ્વરૂપના દબાણને કારણે, માતાપિતાઓ બાળકોને ઝડપથી મોટા કરવામાં મદદ કરી રહ્યા છે. શાળામાં અથવા સમાજમાં હાજરી આપવામાં આવતા પ્રભાવકારક સંબંધો અને સામાજિક પરિસ્થિતિઓ પણ વહેલી પરિપક્વતાનું એક કારણ બની શકે.
બાળકોમાં પરિપક્વતાની અસરોને ઉકેલવા માટે આટલું કરવું
- વાતચીત: બાળક સાથે ખુલ્લી વાતચીત રાખો, જેથી તેઓ પોતાની લાગણીઓ અને વિચારો સહેલાઈથી જણાવે.
- સકારાત્મક વાતાવરણ: પ્રેમાળ અને સમર્પિત પરિવારિક વાતાવરણ બનાવો, જે તેમને ભાવનાત્મક સુરક્ષા આપે.
- શીખવાની પ્રવૃત્તિઓ: રમત-ગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો પ્રોત્સાહન આપો, જે તેમને સ્વતંત્રતાની અનુભૂતિ કરાવે.
- સારું માર્ગદર્શન: બાળકોને યોગ્ય નિર્ણય લેવાની રીત શીખવવા માટે માર્ગદર્શિત કરો.
- સમયપ્રધાન ગતિવિધિ: નવું શીખવાની તક આપવા માટે નિયમિત સમયે શૈક્ષણિક ગતિવિધિઓમાં ભાગ લેવાનું સુનિશ્ચિત કરો.
- બાહ્ય વિશ્વમાં સામેલ થવું: વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે ઉલ્લેખિત કરો, જેથી તેઓ અન્ય બાળકો સાથેની પરિસ્થિતિઓમાં શીખી શકે.
- માનસિક આરોગ્ય: જો જરૂર હોય, તો બાળકના માનસિક આરોગ્ય માટે વ્યવસાયિક મદદ લેવા પર વિચાર કરવો.