વિજ્ઞાન અને ટેકનોલોજી

Dr Vikram Sarabhai: અવકાશ વિજ્ઞાનમાં દુનિયાને દેખાડી ભારતની તાકાત, ISRO ની સ્થાપના કરી

અમદાવાદ : ડૉ. વિક્રમ સારાભાઈને (Dr Vikram Sarabhai)ભારતના અવકાશ મિશનના જનક કહેવામાં આવે છે. તેમણે ભારતીય વિજ્ઞાન અને અવકાશ સંશોધનમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. વિક્રમ સારાભાઈ એક પ્રતિષ્ઠિત ભૂ-વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી હતા જેમણે દેશમાં ISRO મિશનની શરૂઆત કરી હતી એટલું જ નહીં, તેમણે ભારતને સ્પેશ પાવર તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન પણ સાકાર કર્યું હતું. આજે 30 ડિસેમ્બરે સમગ્ર દેશ તેમની 53મી પુણ્યતિથિ ઉજવી રહ્યો છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદના ઉદ્યોગપતિ પરિવારમાં થયો વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદના એક મોટા ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાત કોલેજમાં થયું હતું. તેઓ વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. બાદમાં સારાભાઈએ કોસ્મિક કિરણો પર સંશોધન કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી.

અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી સારાભાઈ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પાછા ફર્યા અને બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સર સી.વી. રામનના નિર્દેશનમાં સંશોધન કર્યું. તેમની મહેનત અને સંશોધનને કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. આ પછી તેમણે 1947માં અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી.

અવકાશ સંશોધનના પાયો નાખ્યો ડૉ. સારાભાઈએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના કરી હતી. તેમના નેતૃત્વમાં ભારતે અવકાશમાં પગ મુકવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમના પ્રયાસોનું પરિણામ ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. જે તેમના મૃત્યુના ચાર વર્ષ પછી લોન્ચ કરવામાં આવ્યો હતો.

આઇઆઇએમની સ્થાપના સારાભાઈએ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ અમદાવાદ)ની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સંસ્થાઓ આજે ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

Also read: સારાભાઈ પરિવાર: એક અવિસ્મરણિય ઈતિહાસ

વિક્રમ સારાભાઈએ મૃણાલિની સારાભાઈ સાથે લગ્ન કર્યા વર્ષ 1942 માં વિક્રમ સારાભાઈએ મૃણાલિની સારાભાઈ સાથે લગ્ન કર્યા, જેઓ પ્રખ્યાત ક્લાસિકલ ડાન્સર હતા. તેમને બે બાળકો હતા, પુત્રી મલ્લિકા સારાભાઈએ નૃત્ય અને અભિનયમાં પોતાનું નામ બનાવ્યું હતું, જ્યારે પુત્ર કાર્તિકેય સારાભાઈએ વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું હતું.

અવકાશ કાર્યક્રમ અને વારસો સારાભાઈના નેતૃત્વ હેઠળ જ ભારતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ની સ્થાપના કરી. તેમનું સપનું હતું કે ભારત આત્મનિર્ભર બને અને અવકાશ સંશોધન ક્ષેત્રે પોતાની ઓળખ ઉભી કરે. તેમની વિચારસરણીએ ભારતને વૈશ્વિક સ્તરે એક અગ્રણી અવકાશ શક્તિ બનવામાં મદદ કરી. તેમના પ્રયાસોને કારણે જ ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ વિકસિત થઈ શક્યો. જે તેમના મૃત્યુના ચાર વર્ષ પછી લોન્ચ કરવામાં આવ્યો હતો.

તિરુવનંતપુરમ કેરળમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું ડૉ. સારાભાઈનું 30 ડિસેમ્બર 1971ના રોજ કેરળમાં તિરુવનંતપુરમના કોવલમમા હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેમની પુણ્યતિથિ પર દેશ તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક અને ‘રોકેટ બોય’ તરીકે યાદ કરે છે. તેમની સિદ્ધિઓ ભાવિ પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button