Government લેવા જઈ રહી છે મહત્વનો નિર્ણય, કારમાં સેફ્ટી માટે ઉમેરાશે એક ધાસ્સુ ફીચર…
કારમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સુરક્ષા માટે સરકાર દ્વારા દર થોડા સમયે નવા નવા નિયમો અને ફીચર એડ કરવામાં આવતા હોય છે અને હવે આવા જ એક વધુ ફીચરને સરકાર ફરજિયાત કરવા જઈ રહી છે. આવો જોઈએ શું છે આ નવું ફીચર અને તેને ક્યારથી અમલમાં મુકવામાં આવશે…
એક અંગ્રેજી અખબારમાં છાપવામાં આવેલા રિપોર્ટ અનુસાર રસ્તા પરિવહન મંત્રાલય દ્વારા આ માટે એક મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પહેલી એપ્રિલથી બનાવવામાં આવનારી તમામ કારમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ બેસાડવાનું ફરજિયાત કરવામાં આવશે.
આ નવું ફીચર લાવવાનો ઉદ્દેશ પાછળની સીટ પર બેસનારા પ્રવાસીઓને સીટ બેલ્ટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ અધિસુચનાને પબ્લિક ડોમેનમાં ઉમેરવામાં આવી છે. આ અધિસુચના માત્રને માત્ર રીયર સીટ બેલ્ટ એલાર્મ માટે છે અને તેમાં બીજી કોઈ પણ પ્રકારની નવી જોગવાઈ નથી કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં મંત્રાલય દ્વારા બે અનિવાર્ય સેફ્ટી ફીચર 3 પોઈન્ટ રીયર સીટ બેલ્ટ અને 6 એર બેગ સાથે રીયર સીટ બેલ્ટ એલાર્મ માટે એક મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. જોકે 6 એર બેગ માટે અનિવાર્ય ફીટમેન્ટનો પ્રસ્તાવ પસાર ન થઈ શકતા આ પૂરી અધિસુચનાનો છેદ ઊડી ગયો હતો.
ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીના અક્સ્માતના થયેલા મૃત્યુ બાદ મંત્રાલય દ્વારા આ સખત પગલાં લેવામાં આવ્યા હતા કારણ કે અક્સ્માતની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ નહોતું પહેર્યું.
હાલમાં ડ્રાઈવર અને ફ્રન્ટ સીટ પર બેસનાર માટે જ ઈન બિલ્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર ફરજિયાત છે. આ સિવાય પાછળ બેસનાર માટે પણ સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત છે.
જો પાછળ બેસનાર સીટ બેલ્ટ ના પહેરે તો 1000 રૂપિયાના ફાઈનની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના લોકો આ નિયમનું પાલન કરતા નથી અને પોતાની સુરક્ષાને જોખમમાં મૂકે છે.