Googleની મોટી કાર્યવાહી: પ્લે સ્ટોરમાંથી Shaadi.com, Naukri.com સહિતની આ એપ્સ દૂર કરી
ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર મોટી કાર્યવાહી કરી છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી આ 10 એપ્સ હટાવી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા નામ છે. જેમાં Shaadi.com, Naukri.com, 99 એકર જેવા નામ સામેલ છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું હતું કે આ એપ્સના ડેવલપર્સ બિલિંગ પોલિસીનું પાલન કરી રહ્યા નથી. તેમને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો સર્વિસ ફીની ચુકવણી ન કરવાનો છે. આ એપ્સને ત્રણ વર્ષનો સમય પણ આપ્યો હતો. ત્યાર બાદ ગૂગલે આ એપ્સને દૂર કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે સર્વિસ ફીનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઘણા સ્ટાર્ટઅપ્સ ઇચ્છતા હતા કે Google દ્વારા સર્વિસ ફી લેવામાં ન આવે અને પછી તેઓએ આ ચુકવણી કરી ન હતી. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરવામાં આવી હતી, પરંતુ 9 ફેબ્રુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે એપ્સને કોઈ રાહત આપી નહોતી.
ગૂગલે કહ્યું હતું કે ત્રણ વર્ષમાં કોઈ કોર્ટે તેની ફી નીતિ પર સવાલ ઉઠાવ્યા નથી. આમ છતાં, કેટલાક ડેવલપર્સ પોલિસી સ્વીકારી રહ્યાં નથી. આ પછી ગૂગલે સ્ટાર્ટઅપને ફી ચૂકવવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું કે ફીસની ચૂકવણી નહીં થાય તો તેમની એપ્સ કાઢી નાખવામાં આવશે.
ગૂગલે જે એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી છે તેમાં Shaadi.com, Matrimony.com, Bharat Matrimony, Naukri.com, 99acres, Kuku FM, Stage, Alt Balaji’s (Altt), QuackQuack જેવી એપ્સના નામ સામેલ છે. હજુ સુધી એક એપનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.