રાશિફળ

31મી ડિસેમ્બરના રાતે કરી લો આ ખાસ ઉપાય, એશો-આરામમાં પસાર થશે 2026નું નવું વર્ષ…

2026નું નવું નક્કોર વર્ષ શરૂ થવા માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે અમે અહીં તમને આ વર્ષને વધુ પ્રભાવશાળી કઈ રીતે બનાવી શકે એની કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ સુખ, સમૃદ્ધિ અને નવી આશાઓ લઈને આવે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2026ના સ્વાગત માટે 31મી ડિસેમ્બર, 2025ની રાત ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી માનવામાં આવી છે. આ દિવસે કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાયો આખું વર્ષ તમને આર્થિક લાભની સાથે સાથે માનસિક શાંતિ અપાવી શકે છે.

વર્ષ ૨૦૨૫નો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર ખૂબ જ ખાસ સંયોગ લઈને આવ્યો છે. આ દિવસે વર્ષની છેલ્લી અને અત્યંત પવિત્ર ગણાતી ‘પૌષ પુત્રદા એકાદશી’ છે. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવતી પૂજાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.

વાત કરીએ તો 31મી ડિસેમ્બરના જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, ૩૧ ડિસેમ્બરના રોજ એકાદશી હોવાથી આ દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ એકદમ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા મેળવવા માટે આનાથી ઉત્તમ તક બીજી કોઈ હોઈ શકે નહીં. જો આ રાતે કેટલાક વિશેષ કાર્ય કરવામાં આવે તો વર્ષભર ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.

ધન પ્રાપ્તિ અને પ્રગતિ માટેના અચૂક ઉપાયો

  • રાત્રિ જાગરણ અને મંત્ર જાપ: 31મી ડિસેમ્બરની રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ. માન્યતા છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે શ્રીહરિની પૂજા કરે છે, તેના પર માતા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે.
  • ચોખાનો ઢગલો અને દીપદાન: પૂજાના સ્થળે ચોખાનો નાનો ઢગલો કરો અને તેના પર ઘીનો દીવો પ્રગટાવી શ્રીસૂક્તનો પાઠ કરો. બીજા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીના આ ચોખાનું દાન આપવાનું ખાસ મહત્ત્વ છે. આ ઉપાયથી અટકી પડેલાં કાર્યોમાં ગતિ આવે છે અને વેપારમાં પ્રગતિ થાય છે.
  • ઘઉં અને માટીના પાત્રનો ઉપાય: જો આર્થિક તંગી હોય તો વર્ષની છેલ્લી રાત્રે એક માટીનું પાત્ર લો અને તેને ઉપર સુધી ઘઉંથી ભરી દો. આ પાત્રને ઘરના મંદિરમાં રાખો અને નવા વર્ષના પહેલા દિવસે તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી દો.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા આ ઉપાયો માત્ર ધન જ નહીં, પણ ભાગ્યમાં આવતા અવરોધોને પણ દૂર કરે છે. નવા વર્ષની શરૂઆત ભગવાનના આશીર્વાદ સાથે કરવાથી આખું વર્ષ સકારાત્મક ઉર્જા બની રહે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button