કારતક માસ 2025: મા લક્ષ્મી અને વિષ્ણુજીની કૃપા માટે તુલસીના આ સવાર-સાંજ ઉપાયો અવશ્ય કરો…

હિંદુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ શુભ અને પવિત્ર ગણાય છે અને આ વખતે 8મી ઓક્ટોબર એટલે કે આજથી શરુ થયેલો કારતક મહિનો પાંચમી નવેમ્બરના પૂરો થશે. આ મહિનો ચાતુર્માસનો અંતિમ મહિનો હોય છે અને આ સમયે તુલસી રોપવાનું અને પૂજનનું ખાસ મહત્ત્વ હોય છે. એવી માન્યતા છે કે આ મહિનામાં દીપદાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જો તમે પણ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આ મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ઉપાય સવાર-સાંજ અવશ્ય કરજો, જેથી તમારા જીવનમાં સુખ-શાંતિની પ્રાપ્તિ થાય. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો-
કારતક મહિનામાં ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. માતા લક્ષ્મીજી તુલસીમાં વાસ કરે છે અને એટલે જ તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી અવશ્ય પ્રસન્ન થાય છે.
તુલસીની પૂજા અને છોડ લગાવો

પૌરાણિક કથા અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુના જ એક સ્વરૂપ શાલિગ્રામની પત્ની માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે તે ભગવાન વિષ્ણુએ છળ કરીને દેવી વૃંદા સાથે લગ્ન કર્યા હતા, જે બાદમાં તુલસી તરીકે ઓળખાવવા લાગી. ત્યારથી ભગવાન વિષ્ણુનો શાલિગ્રામના રૂપમાં અને તુલસીને તેમના પત્નીના રૂપમાં પૂજવામાં આવે છે. કારતક મહિનામાં તુલસી વિવાહ કરવામાં આવે છે. આ મહિનામાં તુલસી લગાવવી કે તેની પૂજા કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કારતક મહિનામાં તુલસીના આ ઉપાયો અવશ્ય કરો-
⦁ તુલસી માતાને જળ ચઢાવો, મંત્ર જાપ કરો

કારતક મહિનામાં સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરીને તુલસી માતાને જળ ચઢાવવું જોઈએ અને પરિક્રમા કરવી જોઈએ. આ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. એવી માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આગમન થાય છે.
⦁ તુલસીના ક્યારા પાસે દીવો કરોઃ

કારતક મહિના દરમિયાન સવાર-સાંજ તુલસીના ક્યારા પર ઘી કે તેલનો દીવો કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ રહે છે અને ઘરમાં ખુશહાલીનું આગમન થાય છે.
⦁ તુલસીની માળા ધારણ કરોઃ

કારતક મહિનામાં તુલસીની માળા ધારણ કરવાનું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આવું કરવા પાછળની માન્યતા એવી છે કે તુલસીની માળા ધારણ કરવાથી નકારાત્મક ઊર્જાદૂર થાય છે અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.