તમારું સંબોધન એ તમારા સંબંધની ધુરી છે
આપણી અમુક પ્રકારની ભાષા કે આપણું અમુક પ્રકારનું સંબોધન એ આપણા સંસ્કાર અને આપણી સમજણનું પ્રતિબિંબ છે..
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
અભિનેત્રી-સાંસદ જયા બચ્ચન આમ નાનીનાની વાતે ઉશ્કેરાઈ જાય એટલું જ …બાકી એમની અનેક વાતોમાં દમ હોય છે. સંસદમાં પણ એ બેખૌફ થઈને અમુક પ્રશ્ર્નો ઉઠાવતાં હોય છે તો મેનરિઝમ પર એ ખુદ એક પુસ્તક લખી શકે એટલું ભાષણ એમણે પેપેરાઝીઝ (સેલેબ્સની તસવીરો ઝડપતા ફોટોગ્રાફરો) ને આપ્યું છે.
થોડા સમય પહેલાં એમની દોહિત્રી નવ્યા નવેલીના પોડકાસ્ટમાં આવ્યાં હતાં. આ પોડકાસ્ટમાં એમણે એક બહુ સુંદર વાત કરી હતી કે એમણે જીવનમાં ક્યારેય અમિતાભ બચ્ચનને ‘તુ’ કે ‘તુમ’ કહ્યું નથી… મેં અમિતજીને હંમેશાં ‘આપ’ જ કહ્યું છે. કેમ કે ‘તુ’ કે ‘તુમ’ કહેવાથી તમારા લાઈફ પાર્ટનર પ્રત્યેનો આદર નથી જળવાતો. ક્યાંક કોઈક રીતે એ વાત જાહેરમાં કોઈક જુદા ઈન્ડિકેશન -સંદર્ભ સાથે જતી હોય છે. એમાંથી તમારા લાઈફ પાર્ટનરની વેલ્યૂ ઓછી થતી હોય છે!
આ જ વાત બીજા લોકોના સંદર્ભે પણ એટલી જ લાગુ પડે છે એવું જયા બચ્ચને પોડકાસ્ટમાં કહ્યું. જો કે આપણે આને માત્ર પતિ અને પત્નીના સંદર્ભે જ જોઈએ. એમાંય પુરુષના દૃષ્ટિકોણથી!
શું પુરુષ હંમેશાં એ વાતનું ધ્યાન રાખે છે કે જાણ્યે – અજાણ્યે એનાં સંબોધનો કે એના જોક્સથી એની પાર્ટનરનું ખરાબ દેખાય છે અથવા તે હાંસીને પાત્ર બને છે?
અહીં મુદ્દો એ નથી જયા બચ્ચનની જેમ તું અને તમે કહેવું. એ તો સીત્તેર અને એંસીના સમયમાં યુવાવસ્થા માણી ચૂકેલા લોકો છે. એટલે એમનો ભાષાપ્રયોગ કંઈક જુદો હોવાનો. આપણે પુરુષ તો ઠીક, સ્ત્રી પણ એના લાઈફ પાર્ટનરને ‘તમે’ કહેવાનું પસંદ નથી કરતી! એટલે ચર્ચા તું-તમે કે ‘આપ’ની નથી. ચર્ચા છે અંગત વાતચીતમાં, પારિવારિક સ્તર પર કે જાહેરમાં સચવાતા સન્માનની.
લગ્નજીવનમાં મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે પરિવારજનોમાં કે મિત્રોની વચ્ચે હંમેશાં પોતાના પાર્ટનરની મજાક ઉડાવે. અલબત્ત, એ મજાક કંઈ ખોટા ઈરાદાની નથી હોતી, પણ એમણે તો બસ હસવું હોય છે એટલે પોતાના પાર્ટનરને હોળીનું નાળિયેર બનાવે. એ જ રીતે અમુક લોકોને ખાસ તો પુરુષોને સંબોધનો લઈને એક અત્યંત ખરાબ કુટેવ હોય છે. એ જાહેરમાં પણ પોતાના પાર્ટનરને એ રીતે સંબોધતા હોય જાણે એનું પાર્ટનર સાવ અક્કલવિનાનું, મંદબુદ્ધિ કે ગુનેગાર હોય! આવું એટલા માટે પણ થતું હોય છે કે જાહેરમાં પુરુષોનું સબકોન્સિયસ થર્ડ પાર્ટીને લઈને અત્યંત સજાગ હોય એટલે એ સોફ્ટ ટાર્ગેટ તરીકે પોતાના પાર્ટનરને અડફેટે લઈ લેતા હોય છે.
જો કે, આ રીતે જાહેરમાં થતી નાની-મોટી મજાક કે નાનામોટા ખોટાં સંબોધનો લગ્નજીવન પર અત્યંત ઘેરી અસર કરતા હોય છે. એ અસરની વાત બાજુએ મૂકી દો. આપણે એમાં પણ નથી પડવું, પરંતુ જે વ્યક્તિ આપણે માટે કે આપણી સાથે જીવે છે એની યોગ્ય કદર આપણે કરવી જોઈએ કે નહીં? આવા કિસ્સામાં મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે મારા મનમાં એવું કશું નથી. ‘મારા મનમાં એના પ્રત્યે પૂરતો આદર છે…. આ તો બે ઘડી ગમ્મત.’
હકીકતમાં આ એક છટકબારી છે. ચોખ્ખો પલાયનવાદ છે. આદર તો અંતરમાં હોય તો એ કંઈ બહાર પ્રકટ થયા વિના ન રહે. આદર કે કટુતા બંનેને ભાષા સાથે સીધી નિસ્બત છે. આપણી અંદર જે ભાવ હોય એ જ ભાવ આપણી ભાષામાં પ્રકટ થતો હોય છે. આખરે કોઈ પણ મજાક કે અમુક પ્રકારના સંબોધન જ્વલ્લે થતાં હોય, સમયાંતરે તો નહીં થતાં હોયને? એટલે આ સંદર્ભે પુરુષે હવે આતમમંથન કરવાનું થાય કે એના પાર્ટનરને એ કઈ રીતે સંબોધે છે. અથવા જાહેરમાં એની સાથે કઈ રીતે વર્તે છે. મનમાં આદર અને પ્રેમ છે, પણ જાહેરમાં ‘અમે મજાક કરીએ છીએ’ એવો તર્ક આપતઆ હશો તો એ તર્કમાં અને તમારા વ્યવહારમાં બદલાવ આણવો પડશે.
આખરે આ વાત સંસ્કારની પણ છે. આપણા બેહૂદા વર્તનથી આપણું નુકસાન શું થાય છે એ તો એક અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ આપણી અમુક પ્રકારની ભાષા કે આપણું અમુક પ્રકારનું સંબોધન એ આપણા સંસ્કાર અને આપણી સમજણનું પ્રતિબિંબ છે. જો આપણી અંદર જરા સરખી પણ ગિલ્ટ હોય કે પછી આપણી અંદર જરા સરખી પણ સમજણ હોય તો આપણે ક્યારેય કોઈનું, ખાસ કરીને આપણા પાર્ટનરનું ખરાબ દેખાય એવું વર્તવું ન કરવું જોઈએ. આખરે પ્રેમ કંઈ દર વખતે મૂકપણે જ નથી દર્શાવાતો. પ્રેમ સંબોધનોમાં રહેલા ભાવ પર પણ નભેલો હોય છે.