હારા કવિ બનવાનાં લખ્ખણો…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
જોયું ? મથાળું એટલે કે શીર્ષક બાંધવામાં જ દાટ વાળી દીધોને…!!
‘હારા’ નહીં, સારા કવિ, અને લખ્ખણો
નહીં, પણ ‘લક્ષણો’… શુદ્ધ ગુજરાતી ભાષામાં લખતાં શીખો, ભૈ… હુરટી થીયા ટેથી હું થૈ ગયું… હેં ! બધું બાઇફા જ કરવાનું … આમ તો… મૂર વાટને આડે પાટે ચરાવે તે હુરટી… ને પાપડી હાર્યે ઈયળ બાયફા કરે તે હુરટી…
ચાલો, પાછી ગારી પાટે ચરાવું… પન વચ્ચે-વચ્ચે ગારી ઊંધે પાટે ચરે તો માફ કરજો ભૈ… એક તો હુરટી ને પાછા કવિ એટલે રૂપિયાના પાંચ અરધા કરવાનો અમને જન્મસિદ્ધ હક પણ ખરો જ… ને રાતોરાત સુપરસ્ટાર બનવાનો હક પન ખરો જ, હોં…!
ખેર, આપરે તો હારા કવિ બનવાનાં લખ્ખણોની વાત કરવાની છે. જુઓ ભૈ, પેલ્લાં નક્કી કરી લેજો કે હુરટી કવિ બનવું છે કે પછી અમદાવાદી કવિ ? કારન કે હુરટી કવિ બનવું હોય તો પહેલાં પેટને તૃપ્ત કરી લેવું… આખરે હુરતનું ‘જમન’વારી ઉક્તિ હાચી પારવાની જવાબદારી હો તો હુરતીની જ છેને ! બને તો કવિટા કરતી વખતે ચાનો ડોઝ હાથે જ લેઈને બેહવું .. વચ્ચે વચ્ચે એન્જિન ઠંડું પરે તો ચાર્જ કરવા હારુ… ને જો અસલ્લ હુરટી જો હોય તો કવિએ ચાના ગિલાસમાં બીજું પીણું થોડીક માત્રામાં લેહે તો ચાલહે.. આમ તો દરેક વાટમાં વારેવારે આપરને નર્મદની જેમ કેસરિયાં કરવાની…યા હોમ કરવાની.. કૂદી પડવાની ટેવ છે. એ ઉપરાંત હદ પારની ખાવા-પીવાની હો ટેવ છે પન એનાં પર ‘હાઈકૂ’નાં પાંચ-સાત- પાંચ અક્ષરની જેમ કંટ્રોલ કરવો જ રિયો, હમજ્યા ! હારા કવિ થવાની આ પાયાની શરત છે !
લખતાં પહેલાં તમામ દેવી-દેવતા તેમ જ ખાસ તો નડતા તમામે તમામ કુગ્રહોનું સ્મરણ કરી લેવું…. કારન કે, આગળ જતાં પંથ ગનો વિકટ પન હોઈ શકે… હર મોડ પર દુશ્મન તો હોવાના જ…ને જેમ દેશના વિકાસ આડે સ્પીડ-બ્રેકરો આવે એમ આમાં હો આવે.
કવિતા કૈં લોચો નથી કે ફટ મ્હોંમાં મૂક્યો ને ખટ અંદર ઊતર્યો… કવિટા ઉતારવી એ લોચો ઉતારવા જેટલી
સહેલી પ્રક્રિયા તો નથી જ નથી. એમાં તો મગજનું દહીં થતું મેં જોયું છે. હું પન પાછી હુરટી એટલે મારું વ્હાલું દહીં યાદ આવી ગયું. પ્રોબાયોટિક દહીં ખાવામાં જેમ હારું પડે તેમ કવિતાના કેટલાક બેક્ટેરિયાને પણ પ્રથમથી જ પ્રોબાયોટિક ઉપાયો દ્વારા (જેમ કમ્પ્યુટરામાં પણ પહેલેથી જ ઍન્ટિ-વાઇરસ નાખવામાં આવે છે તેમ) સર્વાંગ સંપૂર્ણ નષ્ટ કરી પછી, નીરક્ષીર, સો ટચના સોના સમી, શુદ્ધ પાક સમ, સ્વૈરવિહારી, કલ્પનાસભર, વાસ્તવ ઉજાગર કરતી કવિતાને મગજમાંથી ઉતારવી પરે… પન એ કૈં સ્વર્ગથી ગંગા ઉતારવાં જેટલી સહેલી નથી… આ ટો ભૈ, આગમાં કૂદતાં પહેલાં અગમચેતી રાખો તો હારું…! ’
જે રીતે માસ્ટર અઘરા અઘરા, લાંબા લાંબા અભ્યાસક્રમો ચોક્કસ અવધિમાં પૂરા ન કરી હકે તો છેલ્લે દારે ખજ્ઞતિં ઈંખઙ રૂપે લગભગ અડધું પેપર જ લખાવી દે કે જેથી એના વર્ગનું સોએ સો ટકા રિઝલ્ટ આવે અને એથી ગવર્ન્મેન્ટ ગ્રાન્ટ હો નીં કપાય ને માસ્ટરની હો વાહવાહ થાય… ને ટ્યૂશનમાં હો ધરખમ વધારો થાય… બસ, આવી જ રીતે મારી પાહે પન હારી કવિતા ને હારા કવિ બનવાનાં હુલખ્ખણોની લાંબી યાદી છે… જ તમને હારા કવિ બનવા હુધી હોંશેહોંશે લઈ જહે… જેમ કે, ગનીચાચા કહી ગયા એમ… ‘મારો હાથ ઝાલીને લૈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી…!’ તેમ જ, તુજ હાથ ઝાલીને લૈ જહે તુજ શત્રુઓ જ લેખન હુધી…!’ ઘની વાર આપરે નીં લખવું હોય તો હો આપરાં શત્રુઓ.. હું પયરો તો પયરો પન તને હો પારીને જ રેવ… હું કવિતાને રવાડે ચડ્યો તો તને હો રવાડે ચડાવવો એ મારો ધરમ બને છે હો….! ઘની વાર પ્રતીકાત્મક કાવ્યો હો હારા કવિનાં લખ્ખણોને ઉપર ઉઠાવવામાં મદદરૂપ બને છે. પન થોડી ઘની ઘાલમેલ એટલે કે રિમિક્સ અહીં આવકાર્ય બને છે. બિન્ધાસ્ત….
હારા કવિ બનવાનાં હારા લખ્ખણ એક મોટ્ટા (ગજા બહારના) કવિએ મને જેમ કીધેલું કે મોટ્ટા… મોટ્ટા કવિઓનાં પુસ્તકો ઉથલાવવાં તેમ તમારે હો… હેલાઈથી એ મેળવવાં હોય તો પસ્તીની દુકાનમાં જઈને કહેવું, અંદરથી ગમે તે હોય… બહારથી મોટ્ટી મોટ્ટી સાઇઝનાં… બિલકુલ હમજાય હો નીં એવાં થોથાં આપો… પછી એ ઉથલાવવાનો ધારો કે ટાઇમ નીં મને તો એ થોથાં તમારા ટેબલની ફરતે પ્રેરણાત્મક સ્રોત તરીકે સ્થાપી દેવાં, જેથી એક પ્રેરણાદાયી વાતાવરણ તો ઊભું થાય જ, ને હારે હારે વટ તો પરી જ જાય કે મારો હારો કેટલો ઊંડાણવારો, પ્રતિભાશાળી અને ઉચ્ચ કક્ષાનો કવિ છે… બિચ્ચારો કાયમનો… આ થોથાંમાં ગરાબૂડ ને ગરાબૂડ …. બુડબુડ… બુડબુડ… થયા જ કરે છે. રામ જાણે એ ક્યારે બુડબુડમાંથી ઊડઊડ હો થહે…!
થોથાં જોઈને લોકોને જે વિચારવું હોય તે વિચારે…. લોકોનાં મન પર કૈં આપણો કબજો થોરો ચાલવાનો
છે… હા… હજી આપરે હુરટી લોકો… ખુલ્લા પ્લોટના કબજા કરવામાં માહેર થઈ ગયાં છીએ ખરાં….! પન આપરે ત્યાં જે મોટ્ટા મોટ્ટા કવિઓએ જે મોટ્ટી મોટ્ટી પ્રથા પારી હતી તે પ્રથાને આપરે આગર વધારવી જ રહી અને જેમ એમણે એમના ગુરુ કવિઓની ભોંય ઉપર કવિતાના માર ઉપર માર બાંધી બાંધીને હાઈરાઇઝ ઊભાં કરેલાં તેમ આપરે હો આપનાં હમનાનાં મોટ્ટા કવિઓની ભોંય પર હાઈરાઇઝ ખડાં કરવાની નીતિ રીતિ પ્રીતિથી એ મોટ્ટા કવિઓની ઇજ્જતને ચાર ચાંદ લગાવવામાં આપરો અમૂલ્ય ફારો આપ્યો ગનાહે.
આમ તો આ વાત છેક છેલ્લે આવે, પન પેલ્લાં તો આવે હુદ્ધ એકદમ હુદ્ધ જોડરી, તેમ જ (ખજ્ઞતિં ઈંખઙ) મોટ્ટા મોટ્ટાને ભાવુક કરી દે એવાં, ઇમ્પ્રેસ કરી દે એવાં સામાવારાના છક્કા છોડાવી દે એવા કે પછી સામાન્ય માણહ માથાં પછાડી પછાડીને મરી જાય પણ જેનો અર્થ ન હમજાય તે ન જ હમજાય એવાં વિચક્ષણ… બારે અંગ વાંકાં જેવા શબ્દો ડિક્શનેરીમાંથી હોધી હોધીને ભાષાલાલિત્યને વગારવાં.. સોરી, વધારવાં ને કાજ તમારે આગર આવવું પડહે…
જોકે, મારું માનો તો .. હુરટી ભાષા હુરટ પૂરતી જ મર્યાદિત રાખવી હારી.. આપરી પેટન્ટ કોઈને હું હારુ આપી દેવી…! ને તે હો પાછી મફતને ભાવે… ખરું ને ? એટલે હુરટી ભાષામાં હુરટની બારનાં કોઈ કવિ, કામ ન કરી હકે, એવું લખાણ સાહિત્યસભાના લેટરપેડ પર પાકા પાયે કરીને મોટ્ટા નાન્ના તમામ એટલે કે ગલી-નુક્કડ ઉપરના દરેક કવિની સહી લઈ લેવી, જેથી પાછરથી આબદા ની પરે…. જેમ કે, હુરતી કવિતાની ભોંય પર કોઈ બીજા હેરના (શહેરના) કવિ કામ કરીને હાઈરાઇઝ ચની દેય તો આપરે તો ભૈ, મરવા જેવું જ થાય… આમાં કેવું છે… કે જે અઘરા અઘરા શબ્દો હારે કામ પાર પાડે, તેને તો લખવા પેલાં જ ફોર સ્ટાર મલી જાય. એટલે નક્કી કરી જ લેવાનું કે કવિતાને કેટલાં સ્ટાર જોયે છે. રેટિંગ વખતે આબદા ની પરવી જોઈએ. ચાલો ની ભૈ, જોડણીનું તો હમજ્યા… બિચારા પ્રૂફરીડરોનું હોં તો પેટ ભરાવું જોઈએને ભલા… ! સ્ટેજ પાછરના કલાકારો હારુ હો તો કોઈ કામ બૅક સ્ટેજમાં ઊભું જ રાખવું પરે. કારન કે ધીરે ધીરે પ્રૂફ રીડર હો આપના ભાવિ કવિ જ છે. ને એ વાત તો નર્મદની ભૂમિ ફળદ્રુપ એટલે જ શક્ય છે ! પછી આવે છે કવિતાનો પ્રકાર… જો જેનું માઇન્ડ શેર સટ્ટામાં વધારે રોકાણ કરતું હોય એટલે કે, ટાઇમ ઓછો છે, તો પછી ‘હાઈકુ’ લખવામાં જ પરવું… એ ટૂંકમાં પતે, તો શેરમાર્કેટ, આંટો મારવાનો ટાઇમ મળે…
ભગવાન કરે ને જો કોઈ વાર શેરના ભાવ ઉપરે એટલે કે હાઈકુનું માર્કેટ ગરમ થાય તો તરત જ હાઈકુ-સંગ્રહનું માર્કેટિંગ કરી દેવું. ને જો એમાં જ હિટ જવાય તો… પછી ત્યાં આખ્યાનકાવ્ય, ખંડકાવ્ય, અછાંદસ, પ્રકૃતિકાવ્ય કે લોકગીતોના રસથાળમાં પરવું જ નહીં… માનો કે, તમે લાંબાં લાંબાં આખ્યાનકાવ્યો, ખંડકાવ્યો વગેરે વગેરેમાં મગજની શક્તિ-ભક્તિને વેડફી કાઢો ને પછી એ લાંબાં કાવ્યો શાહરૂખની ફિલ્મની જેમ સુપરફ્લોપ જાય તો કેટલી મોટી ખોટ જાય…!
પન માનો કે જે તમે, વોશરૂમમાં હાથ ધોતાં ધોતાં કે પછી બગાસું ખાતાં ખાતાં ઓડકાર કે છીંક ખાતાં ખાતાં
એક સેક્ધડમાં લખી નાખો છો એવાં હાઇકુ ફ્લોપ જાય તો કાંઈ પૃથ્વી રસાતળ જવાની નથી. એટલે શરૂઆત તો
હાઈકુથી જ કરવી અને પછી જ રીઢા કવિત્વ પર જવું. હાઈકુના મસિયાઈ ભાઈ જેવાં મુક્તકો પણ તમારી પ્રતિભાને
શરૂઆતમાં નિખારવા કામ આવી શકે… પન હમનાં એક ગઝલવિરોધી – ગઝલશત્રુએ મને કીધેલું કે વકીલ હોય કે પ્રેમી હોય કે ટાઇમ પાસ કરતા નવરાઓ કે શેખચલ્લી મૂરખો હોય કે પછી રાતોરાત છવાઈ જવા માગતા હોય તેવાએ તો ગઝલો જ ચીતરવા માંડવી.. કેમ કે, એમ પન આખી જિન્દગી વકીલ, પ્રેમી કે શેખચલ્લીઓ દાવા-દલીલો જ તો કર્યા કરે છે.. તરહી મુશાયરાની ભોંય, હાઈરાઇઝ બાંધવા માટે, આજકાલ શું, વર્ષોથી શ્રેષ્ઠ સાબિત થતી આવી છે. અને જેમ હાઈરાઇઝ માટે હારી સિમેન્ટ, રેતી-ઈંટ જોઈએ છે, તેમ ગઝલ માટે મત્લા તેમ જ રદ્દીફ કાફિયાની એક નોટ ભરી લિસ્ટ તૈયાર કરીને પછી પલાંઠી વાળીને હાઈરાઇઝનો પાયો ખોદી નાખવો… હા, પણ શરૂઆત કરતાં પહેલાં ‘જય નર્મદ’ બોલવું ભૂલવું નહીં. આખરે ગઝલના પાયાની મજબૂતીનો સવાલ છે…. પણ પછી આજકાલ જેમ પાયો કાચો રહી જાય ને ઇમારત રિબીન કાપતાં પહેલાં જ કડડભૂસ થૈ જાય તેમ – હવાનો મહેલ બાંધવો શરૂ કરી દેવો અને એમ પણ હવાનો મહેલ બાંધવામાં ક્યાં પૈહા બેહવાના છે… કે ક્યાં એમાં કોઈ વિરોધી આડા ફાટવાના છે… હવામાં ગોળીબાર કરવાનો દરેકને જન્મસિદ્ધ હક છે. ભલેને પછી એ બંદૂક રમકડાંની કેમ ન હોય…!
કવિતાના લખ્ખણમાં કવિનાં લખ્ખણો પણ ઇનપુટ કરવાં પડે જ પડે ! જેમ કે, આ હાઈટેક જમાનામાં કવિતા કરતાં કવિતાનાં મથાળાં, કવિતાસંગ્રહનાં આગલાં-પાછલાં શણગારેલાં પૃષ્ઠો, ચિત્રો તેમ જ લાંબી લાંબી પ્રસ્તાવનાઓનું અદકેરું મહત્ત્વ છે. તેમ કવિતાનાં લખ્ખણોની હાથે હાથે હારા હારા કવિના આ પણ મહત્ત્વનાં મહામૂલાં આશીર્વચનો એટલાં જ ધ્યાનાકર્ષક છે. હારા કવિ બનવા માટે હારી કવિતા જ લખવી જરૂરી નથી, કવિતાનું હું છે, એ તો ગમે ત્યારે લખી કાઢવાની, પણ ખરી પ્રવૃત્તિ તો કવિતા લખાયા પછીની જ છે… ઝડપી ગતિએ બ્રહ્માંડમાં શબ્દને વિલસતો કરી દેવો હોય તો હારા કવિએ એનાં આંખ, કાન, નાક, હાથ, પગ (ખાલી મગજ જ બાજુ પર રાખવું)ને સતેજ રાખવાનાં છે. (અગમચેતી રૂપે) તા.ક. હરખપદૂડા થઈને ક્યારેય ભૂલેચૂકે પણ વિવેચકો પાસે દોડી જવું નહીં. મગજમાં બસ, એટલી જ ભમરી રાખવી કે જેઓ પોતે તો કૈં લખતા નથી તે વળી બીજાની કવિતાની ધોરી નસ કેવી રીતે ખોદી શકે… ચાપાચીપી કરવાનો અધિકાર એમણે કોની પાસે ખૂંચવ્યો છે….? બીજી મારી મફતની સલાહ એ છે કે, મહેનત કરવી જ હોય… પરસેવો પાડવો જ હોય તો પ્રસ્તાવના લખાવવા પાછળ પાડવો. જેમ નર્મદે ‘હું તારે ખોળે છઉં…!’ કહીને કલમને ખોળે માથું મૂકેલું, તેમ મોટ્ટા મોટ્ટા, મોટા ગજાના ખજ્ઞતિં ઈંખઙ જેવા મહાગુરુઓને ખોળે પૂરેપૂરા વજન સાથે માથું અફાળવું, વધેરવું અને ઊઠતી વેળાએ માથું ફરી ચેક પણ કરી લેવું. જમાનો ખરાબ છે, કૈં કહેવાય ની…!
આમ તો વજનના અનેક પ્રકાર હોય છે. તમે કેવા સામે કેવું વજન મૂકો છો અને એના બદલામાં તમને શું
જોઈએ છે ? મુશાયરા ? પ્રસિદ્ધિ કે પછી મોટ્ટા મોટ્ટા એવોર્ડ જોઈએ છે ? બીજી એક સાવ ખાનગી વાત – જો
પાછું કોઈને કે’તા નીં.. દરેક માગણી યથાયોગ્ય ગુરુ પાસે જ કરવી અને કાનોકાન એક ગુરુની માગણી બીજા ગુરુને
કાને પડવી જોઈએ નહીં… દેવ જુદા, મંદિર જુદાં.. એક દેવની વાત બીજા દેવને… ના, બાબા,… ના… તારે તો બસ,
‘કર્મ કરવાનું, ફળની આશા ગુરુ પર છોડી દેવી…’ બસ, હાઈરાઇઝ ચણવા માંડ… બસ, જરા એટલું ધ્યાન રાખજે કે
રિબીન કાપતી વખતે જ હાઈરાઇઝની ઈંટો ખરી ની પરે… આખરે આપના હૂરટીપણાની કવિતાનો હવાલ છે…
અને હા, અંતે ઉદાહરણરૂપે મારું હાઈકુ તમને અર્પન કરું છું.
ઊંધિયાને પાપરી પૂછે
તું લીલું થાય ?
ઊંધિયા તું મારા વિના ?
ના, લોચો પરે….!