પુરુષસ્પેશિયલ ફિચર્સ

લગ્નમાં આટલો બધો દેખાડો શા માટે?

કૌશિક મહેતા

ડિયર હની,

લગ્નની સિઝન હોય ત્યારે એમ જ લાગે કે, બધાને આ સિઝનમાં જ પરણી જવું છે. ઘણા લોકો તો કહેતા હોય છે કે, ‘આજે મેં પાંચ જગ્યાએ હાજરી આપી. એક જગ્યાએ સૂપ પીધું, બીજી જગ્યાએ સલાડથી ચલાવી લીધું, ત્રીજે મીઠાઈ, ચોથે થોડી રોટી અને સબ્જી, ફરસાણ અને પાંચમી જગ્યાએ દાળ-ભાતથી ચલાવી લીધું…!’

આમે ય આજકાલ લગ્નના ભોજનમાં એટલી બધી વાનગી હોય છે કે, બધું ખાઈ શકાતું નથી. લગ્નમાં હવે દેખાડો એટલી હદે વધ્યો છે કે, ઘણીવાર થાય છે: શા માટે આટલો નાણાંનો ધુમાડો?

તારા-મારા લગ્ન પણ ધામધૂમથી જ થયા હતા, પણ આજે જે ખર્ચા થાય છે એટલો તો ખર્ચ નહોતો જ થયો ને એટલી આર્થિક તાકાત પણ તારા કે મારા પરિવાર પાસે નહોતી. પણ આજે મોટા માણસો એકાદ્ અઠવાડિયું ચાલે એવી રીતે લગ્ન કરે છે. એની પાછળ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પણ ગજવાની તાકાત બહાર ખર્ચા કરે છે.

‘મેરી સાડી તેરી સાડી સે સફેદ કૈસે..’ આવી હોડ લાગી છે. કોઈ પાર્ટી પ્લોટમાં લગ્ન કરે છે તો કોઈ રિસોર્ટમાં તો કોઈ છેક રાજસ્થાનના મહેલમાં પહોચે છે, સેલિબ્રિટી તો વિદેશમાં લગ્ન કરે છે.

માની લીધું કે લગ્ન એ જીવનનો મહામૂલો અવસર છે. બે વ્યક્તિ જ નહિ, પણ બે પરિવાર વચ્ચે આ સબંધ બાંધનારો પ્રસંગ છે. લગ્નને એક સંસ્કાર આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે. એની વિધિઓનું મહત્ત્વ છે. એ બધું સાચું, પણ એમાં આટલી બધી ધામધૂમ -આવો બધો દેખાડો કરવાની શું જરૂર છે?


Also read: આ પંત શીખવે છે કે ખંતનો કોઈ વિકલ્પ નથી !


હમણા હું એક લગ્ન સમારંભમાં ગયો હતો. લગ્ન માટે જે સેટ ઊભો કરાયો એને પાછળ ફેંકી દેતાય કરોડથી વધુનો ખર્ચ થયો હતો. એમાંય દરેક પ્રસંગ માટે જુદી જુદી થીમ. મુંબઈથી કેટલાક કલાકારો બોલાવ્યા હતા. અને યજમાન હોંશે હોંશે મહેમાનોને કહેતા હતા કે,આ કલાકારો પાછળ આટલો ખર્ચ કર્યો છે. અને સંગીત સંધ્યામાં ક્યારેક તો બંને પક્ષનાં લોકો એવાં ઘટિયાં ગીતો પર ડાન્સ કરતા હોય છે કે સામાન્ય સંજોગોમાં એવો ડાન્સ કરતા શરમ આવે.

અહીં લગ્ન અને રિસેપ્શનમાં ભોજનનું મેન્યુ હતું એમાં અઢળક આઈટમ. અમે યજમાન સાથે ઊભા હતા અને કેટલાક લોકો સાથે હતા. એમણે ગર્વભેર કહ્યું કે, આજના મેન્યુમાં ૨૦૦ જેટલી વાનગીઓ છે. અમે જમવા ગયા ત્યારે સાચે જ એમણે કહેલી વાત સાવ સાચી હતી. પાર્ટી પ્લોટમાં એટલા બધા ટેબલ હતા, જુદી જુદી વાનગીનાં કે નાં પૂછો વાત.

દરેક પ્રકારના ભોજન. દેશી વાનગીથી માંડી કોન્ટિનેન્ટલ. અમે બે ચાર મિત્રો સાથે હતા, બધાએ નક્કી કર્યું કે,પહેલા બધે આંટો મારી લે અને આટલી બધી વાનગીઓમાંથી કઈ વાનગી પ્લેટમાં લેવી એ નક્કી કરીએ. અમે બધા છેલ્લે ગણતા હતા કે કેટલી વાનગી ખાધી. અમે આડેધડ ખાધેલી વાનગીઓનો સરવાળો પૂરો દસે પહોંચતો નહોતો તો પછી આટલી બધી વાનગીઓ શા માટે? પૈસાનો આવો તે કેવો બગાડ? ને વધેલી વાનગીઓનું શું થતું હશે?

મેં જોયું છે કે, ઘણા લોકો પ્લેટમાં એટલું બધું લે છે કે, પછી એંઠું મૂકી દે છે. જે પાર્ટી પ્લોટમાં જમતા હોઈએ એની બહાર રસ્તાની ફૂટપાથ પર બેઠેલા ગરીબ લોકોની ભૂખનો આપણે જરા જેટલો વિચાર પણ એંઠું મૂકતા પહેલા કરતા નથી. એક અહેવાલ મુજબ ભારતમાં લગ્નનો સરેરાશ ખર્ચ સાડા બાર લાખ રૂપિયા થાય છે. લગ્નનું બજાર ૧૦ લાખ કરોડથી વધુનું છે. અને આ મુદે આપણે અમેરિકાથી પણ આગળ છીએ. ત્યાં ૫.૮ લાખ કરોડનું લગ્નનું માર્કેટ છે. ચલો, આ બાબતે તો આપણે અમેરિકાથી આગળ છીએ, પણ શું આ ગૌરવની વાત છે?


Also read: મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ


લગ્ન એ એક ઉત્સવ છે એની ના નહિ. આપણે ત્યાં ગામડું હોય કે શહેર લગ્ન ધામધૂમથી ઉન્જ્વાય છે. લોકો દેણું કરી આ પ્રસંગ ઉજવે છે, પણ હવે તો એમ લાગે છે કે, આ મુદે આપણે વધુ ખર્ચો કરવા લાગ્યા છીએ, જેમાં દેખાદેખીનું કારણ પણ છે. કેટલાંક લગ્નો સાદાઈથી પણ ગૌરવભેર ઉજવાય છે લગ્ન સાથે એકાદ સારા વિચારને જોડવામાં આવે છે. કોઈ લગ્નનો ચાંદલો લેતા નથી, પણ જીવદયા માટે ફાળો કરે છે અથવા તો કોઈ સારા કોઝ-હેતુ માટે કામ કરતી સેવાભાવી સંસ્થાને ફંડ આપવા મહેમાનોને પ્રેરે છે.

કોઈ લગ્નમાં આવેલા ચાંદલાની રકમ દાન કરી દે છે. આવા એકાદ વિચારને લગ્નમાં બધાએ એ જોડવો જોઈએ. બે વ્યક્તિનું સહજીવન એકાદ સારા વિચાર સાથે શરૂ થાય તો એનાથી વધુ રૂડું શું!

આ મુદે વિચારવાની જરૂર છે. આ કોઈ અઘરું કામ નથી. કોઈ પહેલ કરે તો એને વધાવી લઈ જરૂર એમાંથી પ્રેરણા પણ લેવી જોઈએ.

તારો બન્ની

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button