મેન્સ ડે ક્યારે આવ્યો અને ક્યારે ગયો, પણ
મેલ મેટર્સ – અંકિત દેસાઈ
ક્રિકેટ વર્લ્ડ કપની હાઈવોઈમાં આ વર્ષનો ઈન્ટરનેશનલ મેન્સ ડે ક્યાં આવીને જતો રહ્યો એની પુરુષોને પણ જાણ નથી રહી, કારણ કે પુરુષો માટે આવા કોઈ પણ દિવસોની ઉજાણી એ આમેય ચેટકથી વધુ કશું નથી. વળી, જે દિવસે અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચ રમવાનું હોય ત્યારે કંઈ આવા કોઈ મેન્સ ડેની કોઈ પરવા કરે? બીજી તરફ અખબારો પર રવિવારના દિવસે ક્રિકેટ ફીચર્સથી છલકાતાં હતાં. એટલે જેવી હોહા કે ઉજાણીઓ આઠમી માર્ચના દિવસે થતી હોય એવી ઉજાણીઓ તો ઠીક, પરંતુ સમ ખાવા પૂરતી નોંધ પણ ઓગણીસમી નવેમ્બરની ન લેવાઈ!
ઠીક છે. પુરુષને આમેય હાંસિયામાં રહેવાની આદત છે. આમ ભલે સમાજમાં એમ કહેવાતું હોય કે યુદ્ધો પુરુષો જ કરે છે કે પછી પુરુષો અત્યંત ક્રૂર હોય છે. પણ એ જ પુરુષ જીવન આખું ઘર અને સંસારની જવાબદારી તેના ખભા પર ઊંચકી ઊંચકીને બુઢ્ઢો થઈ જતો હોય અને બુઢ્ઢા થઈ ગયા પછી ય એમ નથી જતાવતો કે તમારા બધા માટે મારે જાત ઘસી નાખવી પડી! એ પુરુષ જ હોય છે જે ઘર અને સંસારની જવાબદારીઓ ઊંચકવા માટે કે પોતાનાં સંતાનોને સુખ મળે એ માટે જગત સાથે લડીલડીને ખુંવાર થઈ જતો હોય છે. અને કેટલાક કિસ્સામાં તો એ આજીવન કોઈકના ફિઝિકલ, મેન્ટલ કે ઈમોશનલ હરેઝમેન્ટનો ભોગ બનતો હોય છે!
અને બહાર પરિવાર માટે, પોતાના લોકો માટે લડીઝગડીને, ઘાયલ થઈને આવ્યા છતાં પુરુષ ફેમિલી ફ્રન્ટ પર પુરુષ માટે પત્ની, સંતાનો કે અન્ય સ્વજનો તરફથી અમુકતમુક પડકારો, અપજશ કે સમસ્યાઓ ઊભા જ હોય છે. એક સામાન્ય સંસારી પુરુષની હથેળીમાં જશની રેખા હંમેશાં ટૂંકી જ હોય છે. એટલે તેને ભાગે હંમેશાં અમુક બાબતો સાંભળવાની આવતી જ હોય છે. એ પૈસા વધુ કમાતો હોય તો તેના પર આક્ષેપ આવે કે તે માવડિયો કે બાયલો છે. જો પૈસા ઓછા કમાતો હશે તો તો તેના પર નિષ્ફળ હોવાના જ આક્ષેપો ઘડાતા રહેશે. પોતાની શારીરિક કે માનસિક પીડા કે યાતનાના મોટાભાગના કિસ્સામાં પુરુષ મૂંગા મોઢે ખમી જ જતો હોય છે, કારણ કે તેને તો વિક્ટિમ કાર્ડ રમવાનો પણ અધિકાર નહીં હોય.
એટલે પોતાની મન:સ્થિતિ વિશે એ કહેવા તો કોને જાય? પણ પોતાની વાત ન કહી શકવાના તેના સ્વભાવ અથવા તેવી સામાજિક જોગવાઈને કારણે આખરમાં પુરુષ આત્મહત્યા તરફ દોરાય છે અને એક દિવસ પૂરતો બીજા દિવસના અખબારની ન્યૂઝ આઈટમ બની રહે છે. ‘પારિવારિક કલેશમાં પુરુષે ભર્યું અંતિમ પગલું’. આર્થિક ભીંસને કારણે પુરુષે મોતને વહાલું કર્યું’. વિશ્ર્વની વાત બાજુએ મૂકીએ અને ભારતની વાત કરીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા રજૂ કરાયેલા આંકડામાં કહેવાઈ રહ્યું છે કે પાછલા એક દાયકામાં પુરુષોની આત્મહત્યામાં અત્યંત વધારો થયો છે! માત્ર ગયા વર્ષની એટલે કે વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો ખ્યાલ આવશે કે સત્તાવાર આંકડા મુજબ ભારતમાં ૧,૧૮,૯૭૯ પુરુષોએ આત્મહત્યા કરી છે. એની સામે સ્ત્રીઓના આત્મહત્યાના ૪૫,૦૨૬ કેસ સત્તાવાર રીતે નોંધાયા છે.
આત્મહત્યા એ આત્મહત્યા છે. એમાં કંઈ સ્ત્રી અને પુરુષ જેવી બેહૂદી સરખામણી ન કરી શકાય, પણ સાથે બે આંકડા વચ્ચેનો જે ડિફરન્સ છે એને પણ આપણે અવગણી નહીં શકીએ. કદાચ એટલે જ આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ગ્લોબલ થીમ છે ‘ઝીરો મેલ સ્યુસાઈડ’. જેમાં પણ એક બાબત અન્ડરલાઈન કરીને કહેવામાં આવી છે કે પુરુષો પર ઘર-સંસાર- કરિઅર કે ભણતરનું વધુ પડતું, કારણ વિનાનું પ્રેશર આપવામાં આવે છે. જેને પગલે તેઓ અંતિમ પગલું ભરે છે!
તો પછી આ સમસ્યાનું સમાધાન શું? કઈ રીતે પુરુષોમાં વધી રહેલા આત્મહત્યાને આપણે ટાર્ગેટ કરી શકીશું? આપણે ઈન્ટરનેશનલ મેન્સ ડેને ભલે અવગણી કાઢ્યો હોય, પરંતુ એ દિવસની થીમને અવગણી નહીં શકીએ. આ થીમનું વર્તમાન સમયમાં અત્યંત મહત્ત્વ છે, નહીંતર આપણે એક એક કરીને અનેક પુરુષોને ખોઈ બેસીશું. આપણે એ સમસ્યા સામે બાથ ભીડવી જ પડશે. આવતા ગુરુવારે આ વિશે વિગતે વાત કરીએ.