પુરુષે બાથરૂમ સાફ રાખવામાં પત્નીની મદદ શું કામ કરવી?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આ જગતમાં પતિ અને પત્ની વચ્ચે ડખા થવાના કરોડો કારણ ભલે હશે, પરંતુ જો કોઈ એક મુદ્દો કરોડો પતિ-પત્નીની બબાલમાં સામાન્ય હોય તો એ મુદ્દો છે બાથરૂમ સાફ રાખવાનો. પુરુષોને તો બાપડાને આ વતને લઈને ઝાઝો વાંધો નથી હોતો, પરંતુ સ્ત્રીના મનમાં એક માન્યતા અત્યંત દૃઢ હોય છે કે એમનો સાહેબ આમ ભલે ગામ ગજવતો હોય, પરંતુ બાથરૂમ સ્વચ્છ રાખવામાં એ અત્યંત રેઢિયાળ છે. આ કારણે જ સ્ત્રી સમયાંતરે બાથરૂમની સ્વચ્છતાને લઈને પુરુષને ટકોર કરતી રહે છે. બીજી તરફ, પુરુષ દર વખતે એ ટકોરનું ઉલ્લંઘન કરે છે. આ તો ઠીક, જાણે કટ્ટર ગાંધીવાદી હોય એમ પુરુષ બાથરૂમને લગતા સ્ત્રીએ બનાવેલા નિયમોનો સવિનય કાનૂન ભંગ પણ કરે છે. જેને કારણે અંતે ગૃહયુદ્ધ ફાટી નીકળે છે.
જોકે બાથરૂમને લઈને પુરુષે સ્ત્રીને સહયોગ કરવો જોઈએ એવું અમે પણ સ્પષ્ટપણે માનીએ છીએ, કારણ કે બાથરૂમ વિશે જ્યારે અમે ગહન વિચાર કર્યો ત્યારે અમારા ધ્યાનમાં પણ કેટલીક વાત આવી છે.વળી એ પણ ધ્યાનમાં આવ્યું કે બાથરૂમ સાફ રાખવામાં સહયોગ આપવો એ પુરુષ માટે માત્ર લગ્ન સંબંધ જ નહીં , પરંતુ પારિવારિક, સામાજિક અને માનસિક રીતે પણ અત્યંત લાભદાયી છે. શું છે એ બધા લાભ? એક નજર આ તરફ.
સહભાગીધારાનું મહત્ત્વ
ઘર સંચાલન એક સહભાગી પ્રક્રિયા છે. જ્યારે બંને પતિ-પત્ની ઘરે મળીને કામ કરે છે, તે સંબંધમાં સમાનતા અને સહકારની ભાવનાને મજબૂત થાય છે. બાથરૂમ સાફ રાખવામાં સહભાગી થવાથી પુરુષને આદર અને કદર બંને મળે છે. વળી, આ પ્રક્રિયાથી ઘરમાં અને જીવનમાં શાંતિ પણ બરકરાર રહે છે.
આરોગ્ય માટે લાભદાયી
બાથરૂમ સાફ કરવું એ શારીરિક રીતે કપરું કામ હોય છે. વળી, પત્નીને જે પ્રકારની સ્વચ્છતા જોઈએ છે એ સ્વચ્છતા મુજબ તો બાથરૂમની દીવાલો અને છત પણ આવે એટલે માત્ર ટાઇલ્સ, બેઝિન કે કમોડને સ્વચ્છ કરવામાં જેટલો સમય અને શ્રમ લાગે એટલો જ સમય અને શ્રમ દીવાલ અને છત સાફ કરતા પણ લાગે. અંતત: પુરુષને માટે બાથરૂમ સફાઈ માત્ર ઘરની શાંતિમાં જ નહીં, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ અત્યંત લાભ આપે છે. આખરે આટલો શ્રમ કેલરી બધી કેટલી બાળે?
ઉદાહરણ બની શકો
બાળકો માટે માતા-પિતા કેવું વર્તન કરે છે, તે મોટું ઉદાહરણ હોય છે. જ્યારે પિતા બાથરૂમ સાફ કરવામાં મદદરૂપ હોય છે, એ બાળકોને સમાનતા અને સ્વચ્છતાનું મહત્ત્વ શીખવે છે એટલે એ બહાને તમે એક આદર્શ નાગરિક પણ તૈયાર કરો છો, જે નાગરિક કાલ ઊઠીને દેશને કામ આવે કે ન આવે, પરંતુ એની પત્નીને તો જરૂર કામ આવવાનો… આખરે એને પણ પિતાને બાથરૂમ સાફ કરતા જોયા હશે!
ક્વોલિટી ટાઈમ વધુ મળે
પતિ બાથરૂમ ધોવામાં કે સાફ રાખવામાં પોતાનું યોગદાન આપે એટલે સ્વાભાવિક જ પત્નીનું મગજ શાંત રહે. તે ક્લાઉડ નાઇનમાં રહે. અને એ ખુશ હોય એટલે સ્વાભાવિક જ એ સારી સારી વાતો કરે, સારું સારું જમવાનું બનાવે કે પુરુષોને એમના દોસ્તો સાથે બહાર જવાની ખુશી ખુશી પરવાનગી આપે. ઇનશોર્ટ, પત્ની રાજી હોય એટલે આપોઆપ જીવનમાં ક્વોલિટી ટાઈમનો વધારો થાય છે, જેની સીધી અસર આપણા જીવન, સ્વાસ્થ્ય અને આપણા કામની પ્રગતિ પર પડે !
સમાનતાનો સંદેશ
વળી, બાથરૂમ સાફ કરીને પુરુષ સમાજમાં સમાનતાનો સંદેશ પણ આપી શકે છે. પુરુષ સમાજને સમજાવી શકે આ પિતૃસત્તાક સમાજમાં પુરુષ આ રીતે પણ પોતાની ભૂમિકા ભજવી શકે છે. જે ભૂમિકાને પગલે સદીઓથી સ્ત્રી પર જે જુલમો ગુજારવામાં આવતા એનું પ્રાયશ્ર્ચિત્ત થઈ શકે છે. અને ભવિષ્યમાં સ્ત્રી સુરક્ષા અને સમાનતાને લઈને પુરુષ સજાગ રહેશે એની ડિપોઝિટ પણ જમા કરાવી શકાય છે.
બીજા શબ્દોમાં બાથરૂમ સાફ કરવામાં મદદરૂપ થવું એ પુરુષને માટે અનેક રીતે લાભદાયી છે. જેથી એણે સ્ત્રીની વાત ટાળવી નહીં અને ‘તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે’ના ન્યાયે પુરુષે બાથરૂમ ધોવામાં મચી પડવું જોઈએ.