આજકાલ અનંત બ્રહ્માંડના કેવાં કેવાં અટપટા ભેદ-ભરમ ખુલી રહ્યાં છે?
અખિલ બ્રહ્માંડમાં અવિરત રહસ્યો સર્જાતાં જ રહે છે. અતિ આધુનિક ઉપગ્રહ - અવકાશયાન અને અવકાશી ટેલિસ્કોપની મદદથી કાળા માથાનો માનવી એને સતત ઉકેલવા મથતો રહે છે. પરિણામે આજે અનેક રોચક રહસ્ય છતાં થઈ રહ્યાં છે.

ક્લોઝ અપ -ભરત ઘેલાણી
*બ્રહ્માંડનું સૌથી જૂનું ૧૩ અબજ વર્ષ જૂનું બ્લેક હોલ
*પૃથ્વીથી બે હજાર પ્રકાશવર્ષ દૂર સૌથી મોટું BH-૨ બ્લેક હોલ.
નાના હતા ત્યારે કાળા ડિબાંગ આકાશ તરફ બા કે દાદીમા અંતરિક્ષમાં ઝ્બૂક ઝ્બૂક તારા-નક્ષત્ર તરફ આગંળી ચીંધીને કહેતાં: ‘આ છે ધ્રૂવનો અચળ તારો ને આ છે રોહિણી નક્ષત્ર’ ત્યારે આપણે બધા આશ્ર્ચર્યથી ઉઘાડા મોં અને પહોળી થઈ ગયેલી આંખે દૂર દૂર વિસ્મયથી પેલાં ટિવંકલ ટિવંકલ લીટલ સ્ટાર્સને નિહાળી રહેતાં એ સમયના બાળસહજ વિસ્મયમાં જ્ઞાન-વિજ્ઞાન ઉમેરાતું ગયું અને ધરતી પરથી તારા-નક્ષત્રને સમીપથી જોવાં -ઓળખવા માટે ટેલિસ્કોપ-દૂરબીનથી લઈને પ્લેનેટેરિયમની ભૂમિકા પણ સમજાતી ગઈ ને આકાશદર્શન ધીરે ધીરે સ્પષ્ટ થતું ગયું. એ પછી તો કરોડો માઈલ દૂરના તારાદર્શન માટે માનવીએ અંતરિક્ષમાં ગોઠવી દીધેલા જંગી ટેલિસ્કોપની પણ અદભુત કામગીરી જાણીને અવાક થઈ જવાયું.
આપણી ભાષાના પ્રખર વિદ્વાન અને સમર્થ તંત્રી (‘જન્મભૂમિ’) મનુભાઈ મહેતા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. વિજ્ઞાન ક્ષેત્રે એક પારંગત પત્રકાર તરીકે એમનું પ્રદાન આજે પણ યાદ રાખવું પડે. કોઈ પણ ખગોળશાસ્ત્રીને વિસ્મય થાય એવું એ ઊંડું જ્ઞાન એ ખગોળવિજ્ઞાનમાં ધરાવતા હતા. અંતરિક્ષ અને ખગોળમાં જિજ્ઞાસા ધરાવતા વાચકોએ મનુભાઈ મહેતાનું પુસ્તક ‘બ્રહ્માંડની કથા’ જરૂર વાંચવું જોઈએ. એમાં એમણે સરળ શૈલીમાં બ્રહ્માંડના સર્જનની વાત કરી છે. એ જે રીતે, આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ખગોાળ -વિજ્ઞાની પંકજ જોષીએ એમનાં બ્રહ્માંડ-દર્શન પુસ્તકમાં બ્રહ્માંડનાં ૨૫ રોચક રહસ્યોની વાત કરી છે.
-તો ખગોળ શાસ્ત્રમાં અનન્ય પ્રદાન માટે વિશ્ર્વભરમાં પંકાયેલા ‘મુંબઈ નહેરુ પ્લેનેટેરિયમ’ના પૂર્વ વડા અને ખગોળવિજ્ઞાની એવા ૮૧ વર્ષી ડો. જે.જે.રાવલ પણ બ્રહ્માંડ વિશે વિસ્મય પમાડે એટલી રોચક માહિતી આપતા કહે છે: ‘આપણે બ્રહ્માંડનો તો એક અંશ માત્ર ઓળખીએ છીએ એ બ્રહ્માંડમાં ૧૦૦ અબજ ગેલેકસી છે-૫૦૦ અબજથી વધુ તારા છે. આ બ્રહ્માંડમાં તો ૫૦૦ અબજ સૂર્ય છે અને ચોંકી ન જતા, બે તારા વચ્ચે ૪૫ અબજ (જી હા, ૪૫ અબજ!) કિલોમીટર જેટલું તો અંતર છે..! ’
હવે વાત રહી ખગોળવિજ્ઞાનમાં ઉપગ્રહ-યાન અને ટેલિસ્કોપની. અંતરિક્ષના પદાર્થો આપણી ધરતી-પૃથ્વીથી લાખો માઈલના અંતરે છે એટલે એનું ઘેરબેઠાં નજીક દર્શન -નિરીક્ષણ ટેલિસ્કોપ દ્વારા જ થઈ શકે. જો કે ચંદ્ર કે મંગળ કે બીજા ગ્રહોની આસપાસના ઉપગ્રહોને બહુ જ મર્યાદિત રીતે દૂરબીન દેખાડી શકે. એ બધાના નિરીક્ષણ માટે માનવીએ રોકેટ-યાન દ્વારા ઉપગ્રહો જ ત્યાં મોકલવા પડે
બ્રહ્માંડમાં નવી શું શું ઊથલપાથલ ચાલી રહી છે એ જાણવાની માનવીની ‘ભૂખ’ બળવત્તર થઈ રહી છે. એને જબરી જિજ્ઞાસા છે કે કયા નવા ગ્રહોમાં માનવી જેવાં જીવ વસે છે-પૃથ્વી પછી બીજે કયાં વસી શકાય એ માટે ‘હબલ’ અને ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ન દ્વારા આકાશ-અંતરિક્ષમાં માનવી વધુ ને વધુ ખગોળ શોધ-સંશોધનમાં કરતો રહ્યો અને આજે અંતરિક્ષનાં ભેદ ખોલવા અમેરિકાની સ્પેસ સંશોધન સંસ્થા ‘નાસા’ સાથે ૨૯થી વધુ દેશના પ્રત્યક્ષ-પરોક્ષ રીતે હજારો વિજ્ઞાનીઓ તેમજ ટેક્નિશિયનો સંકળાયેલા છે.અત્યારની ટીમમાં ‘નાસા’ના પ્રોગ્રામ સાયન્ટિસ્ટ તરીકે મૂળ ભારતીય એવાં લખનઊનાં હસીમા હસન
પણ છે!
(આ બધા વચ્ચે,તાજેતરમાં ૨૩ ઓગસ્ટે આપણે ત્યાં ‘ચન્દ્રયાન-૩’ની સફળતા નિમિત્તે પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ની ઉજવણી થઈ. આપણું ‘ઈસરો’ (ધ ઈન્ડિયન સ્પેસ રિ-સર્ચ ઑર્ગનાઈજેશન) પણ અંતરિક્ષમાં એક પછી એક ગર્વ થાય એવી કામગીરી બજાવી રહ્યું છે. એ વિશે ફરી ક્યારેક !) આશરે ૧૧ હજાર કિલોગ્રામના ‘હબલ’ની સરખામણીએ ૭ ટન વજન ધરાવતું જેમ્સ વેબ ટેલિસ્કોપ ૧૦ અબજ ડૉલર(અંદાજે રૂપિયા ૭૪ હજાર કરોડ!) ના ખર્ચે તૈયાર થયું છે.
૩૨ વર્ષ પહેલાં ૨ અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલું હબલ એને સોંપેલી કામગીરી સફળતાપૂર્વક બજાવી. અનેક ઐતિહાસિક અવકાશી ઘટનાઓના દસ્તાવેજી પુરાવા સાથે ‘હબલ’ સાક્ષી રહ્યું, પરંતુ આટલાં વર્ષોમાં અંતરિક્ષ સંશોધનમાં લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ છે. સમગ્ર બ્રહ્માંડનો સિનારિયો બદલાય રહ્યો છે એટલે હબલને ધીરે ધીરે નિવૃત્ત કરીને અતિ આધુનિક ‘જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ’ને અનેકવિધ કામગીરી માટે તરતું મૂકવામાં
આવ્યું છે.
આ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ૨૦૨૧ના ૨૪ ડિસેમ્બરના લોન્ચ થયું અને આમ અંતરિક્ષના તખ્તા પર એક નવા દૂરબીનનો પ્રવેશ થયો. આજની તારીખે વિશ્ર્વનું સૌથી પાવરફૂલ જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના અંતરે અવકાશમાં નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થિર થયા પછીઆજે અંતરિક્ષનાં એક પછી એક વિસ્મય આપણી સમક્ષ પેશ કરતું જાય છે. અગાઉ ‘હબલ’ ના સ્પેસ કેમેરાના લેન્સ જે જે દ્રશ્ય ઝીલી શકતા એનાથી અનેક દૂર દૂરનાં પદાર્થ પીંડની છબી જેમ્સ વેબ ટેલિસ્કોપનાં ચાર ઈન્ફ્રારેડ કેમેરા ઝડપી લે એવાં શક્તિશાળી છે. બીજાં શબ્દોમાં કહીએ તો એ ગેસયુક્ત વાદળોની આરપાર રહેલી પદાર્થની ઈમેજ આબેહૂબ ઝડપીને ધરતી પર આપણા ખગોળ વિજ્ઞાનીને અત્યારે પહોંચાડી રહ્યા છે. આ છબીઓની ખાસિયત એ છે કે કે એના ઈન્ફ્રારેડ કેમેરા પ્રત્યેક છબીને અલગ અલગ ૮ એન્ગલથી ઝડપીને એ બધાને ભેગી કરી એક તસવીર બનાવે, જેથી ખગોળ વિજ્ઞાનીઓને વિશેષ માહિતી મળી રહે. આમ ચન્દ્ર કરતાં ચાર ગણાં અંતરે અંતરિક્ષમાં સેટ થયેલું આ ‘જેમ્સ વેબ ટેલિસ્કોપ’ ઈનફ્રારેડ કિરણો-તરંગોને પકડી શકે છે-ભેદી શકે છે-ઉકેલી પણ શકે છે. આમ અંતરિક્ષનાં અનેક પડળ વીંધીને લાખો માઈલના અંતરે બ્રહ્માંડમાં રહેલા અન્ય ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરીને ત્યાં પણ જીવન છે કે નહીં એની શક્યતા જાણીને એનું તાત્કાલિક પૃથક્કરણ કરે છે.
આ રીતે મેળવેલી વિભિન્ન માહિતીના આધારે આજે ૧૩.૫ અબજ વર્ષ પહેલાં અંતરિક્ષમાં થયેલા ‘બીગ બેંગ’- જબરા વિસ્ફોટ સાથે બહ્માંડનું સર્જન થયું એ અને એના જેવી બીજી અનેક ઘટનાઓની તપાસ કરી-તાગ મેળવી માનવી બ્રહ્માંડના ભેદ-ભરમ ઉકેલી રહ્યો છે. ઉદાહરણરૂપે, પાંચેક મહિના પહેલાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે બ્રહ્માંડની સૌથી જૂની અને હવે મૃત : પ્રાય ગેલેકસી (આકાશગંગા) શોધી એની સંખ્યાબંધ તસવીરો ખગોળશાસ્ત્રીઓને મોકલીને અંતરિક્ષના અભ્યાસુઓને અવાક કરી દીધા છે.
સંશોધન દર્શાવે છે કે બ્રહ્માંડ જ્યારે એની બાલ્ય અવસ્થામાં હતું (૧૩. ૮ અબજ વર્ષ) ત્યારે આ ગેલેકસીનું સર્જન થયું હતું. સમય જતાં એમાં કુદરતી રીતે જન્મતા નવા નવા તારાઓની પ્રક્રિયા સાવ અટકી ગઈ. આમ સર્જાયેલા આ બ્લેકહોલનું દળ આપણા સૂર્યના દળ કરતાં ૧૦ લાખ ગણું વધુ છે.
આજ રીતે, આ વર્ષના એપ્રિલ મહિનામાં અત્યાર સુધીનો સૌથી મોટા બ્લેક હોલ મળી આવ્યો હતો., જેને ઇઇં-૩. નામ આપવામાં આવ્યું છે. આ બ્લેક હોલ આપણી પૃથ્વીથી બે હજાર પ્રકાશ વર્ષના અંતરે છે અને એ આપણા સૂર્યથી ૩૩ ગણું વધારે કદ ધરાવે છે !
જ્યારે કોઈ સ્ટાર-તારાની આવરદા પૂરી થાય છે ત્યારે એ ધડાકા સાથે તૂટી પડે છે અને ‘બ્લેક હોલ’ સર્જાય છે ત્યારે એનું ગુરુત્વાકર્ષણ એવું શક્તિશાળી બની જાય છે કે એ વિસ્તારની આસપાસના નાના ગ્રહ-તારાઓને પોતાની તરફ ખેંચી લે છે. પ્રકાશ પણ એની અસરમાંથી છટકી નથી શક્તો, પરિણામે એ વિસ્તાર કાળો ડિબાંગ દેખાય છે અને એટલે જ એ બ્લેક હોલ તરીકે ઓળખાય છે. આજે બ્રહ્માંડમાં આવા તો અસંખ્ય બ્લેક હોલ છે,જેને શોધવા કે ગણવા એકદમ અશક્ય જ છે . આમ છતાં અનેકવિધ સંશોધનો પછી ખગોળશાસ્ત્રીઓના અંદાજ મુજબ આજે ૪૦ અબજ આવા બ્લેક હોલ છે,જે લગભગ ૯૦ અબજ પ્રકાશ -વર્ષના વ્યાસમાં છે!
આમ તો અંતરિક્ષ કે બ્રહ્માંડનો કોઈ અંત નથી એમ નવું નવું જાણવાની માનવીની ઉત્કંઠા-જિજ્ઞાસાનો પણ કોઈ અંત નથી માટે બ્રહ્માંડમાં આવી અજાણી આકાશગંગાઓ – તારા- ગ્રહો – સુપર્નોવા અને ેઆવાં ભેદી બ્લેક હોલની શોધ અવિરત ચાલતી જ રહેશે અને માનવી બ્રહ્માંડનાં અકબંધ ભેદ-ભરમ ઉકેલતો જ રહેશે!