પુરુષ

યુવાનોને મોહી લેતું આ ‘પોડકાસ્ટ’ પુરાણ શું છે?

ટેલિવિઝનના આગમન સાથે એક જમાનાનો લોકપ્રિય રેડિયો ભૂલાઈ ગયો હતો ત્યાં અચાનક સોશ્યિલ નેટવર્કિંગ મીડિયાની સાથે એફ.એમ રેડિયોનું પુનરાગમન થયું,જેને પગલે આજે પોડકાસ્ટિંગનો રોમાંચક દૌર પણ શરુ થઈ ગયો છે..

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આદિમાનવ પાસે મનમાં અસ્તવ્યસ્ત વિચારો હતા,પણ એને વ્યકત કરવા માટે શબ્દો નહોતા- બોલવાની ભાષા નહોતી. ક્રમશ: પોતાની વાત સામેવાળા સુધી પહોંચાડવા એની પાસે પ્રથમ ચિતરામણની ભાષા આવી આકૃતિરુપે.

દરમિયાન પોતાની વાત એ જાતભાતના અવાજ અને હાવભાવ દ્વારા વ્યકત કરતો થયો.આગળ જતા આકૃતિમાંથી લિપિ બની ત્યારબાદ શબ્દો ગોઠવાતા ગયા અને વ્યવસ્થિત ભાષા બની. એ પછી તો માનવી એકમેક સાથે બોલતાં-લખતાં થયા. સદીઓ પછી આજે માનવી વચ્ચે અનેકવિધ સાધન દ્વારા કમ્યુનિકેશન- માહિતીની આપ-લે કેવી ત્વરિત કક્ષાએ પહોંચ્યું છે એ આપણે સૌ જાણીએ જ છીએ. સંદેશા વ્યવહારનાં અનેક સાધનો છે આપણી પાસે,જેમકે તાર-ટપાલ-ટેલિફોન-ટેલિપ્રિન્ટર- ફેક્સ-ઈમેલ-સેલફોન-રેડિયો-ટેલિવિઝન- કમ્પ્યુટર- ઈન્ટરનેટ- સેટેલાઈટ,ઈત્યાદિ. એ દરેકની જેટલી ઉપયોગિતા છે એમ મર્યાદા પણ છે. આમાં રેડિયોનું બ્રોડકાસ્ટિંગ અને ટીવીનું ટેલિકાસ્ટિંગની સાથે આજકાલ પોડકાસ્ટિંગ જેવો થોડો અજાણ્યો-અપરિચિત લાગતો શબ્દ પણ આપણી રોજિંદી ભાષામાં બહુ ઝડપથી ઉમેરાઈ
ગયો છે.

-તો શું છે આ પોડકાસ્ટ ?
આ પોડકાસ્ટ વિશે જાણવા- સમજવા માટે આપણે વેબકાસ્ટિંગ (કે સ્ટ્રીમિંગ) વિશે અલપઝલપ જાણવું જરૂરી છે. કોઈ પણ ઘટનાની વીડિયો તથા ઑડિયોનું ઈન્ટરનેટના માધ્યમથી જીવંત (દૃશ્ય- શ્રાવ્ય) પ્રસારણ થાય એને આપણે ‘વેબકાસ્ટિંગ’ કહીએ છીએ.

બીજી તરફ, પોડકાસ્ટ’ એટલે ડિજિટલ ઑડિયો (ધ્વનિ),જેને આપણે માત્ર સાંભળી શકીએ. મોટાભાગે આવાં પોસ્ટકાસ્ટ એક પછી એક વારાફરતી સાંભળી શકીએ એ રીતે શ્રેણીબદ્ધ અગાઉથી રેકોર્ડ કરવામાં આવ્યાં હોય છે. સામાન્ય રીતે પોડકાસ્ટ એક જ વ્યક્તિ રજૂ કરે છે. આમ છતાં ક્યારેક બે વ્યક્તિ- હોસ્ટ અને ગેસ્ટ પણ હોઈ શકે. વિભિન્ન પ્લેટફોર્મ પરથી પોડકાસ્ટિંગ થતી ઑડિયો ફાઈલની પોતાની વિવિધ વિષયોની વિશેષતા પણ હોય છે.પોડકાસ્ટ આપણે લેપટોપ-ડેસ્કટોપ કે મોબાઈલ પર અથવા તો એનાં પ્લેટફોર્મની એપને વેબસાઈટ દ્વારા સાંભળી શકીએ.
કેટલીય વસ્તુની શોધખોળ એવી છે,જે વર્ષો પહેલાં જાહેરમાં આવી હોય,પરંતુ એક યા બીજાં કારણસર સીમિત ઉપયોગને લીધે એ વિસરાઈ ગઈ હોય… આમાંની કેટલીક ફરી અચાનક આપણી સમક્ષ પ્રગટે ને લોકપ્રિય બની જાય.

પોડકાસ્ટ સાથે પણ કંઈક આવું જ થયું. અગાઉ રેડિયો કાર્યક્રમની કે સંગીતની રેકોર્ડ કરેલી ઑડિયો ફાઈલ સંગીતકારો વાપરતા પછી પોતાના વિચાર વ્યકત કરવા એનું રેકોર્ડિંગ કરી બ્લોગર્સ પ્રસારણ કરતા થયા. જો કે આના મર્યાદિત ઉપયોગને લીધે એ સમયે આ પ્રસારણ સિસ્ટમ ખાસ જાણીતી ન થઈ, પરંતુ ‘એપલ’ કંપનીના અદ્યતન મ્યુઝિક પ્લેયર આઈપોડ’ના આગમન સાથે ઑડિયો જગતનો સમગ્ર સિનારિયો પલટાઈ ગયો. એના સમાંતરે ડિજિટલ ધ્વનિ પ્રસારણને ‘પોડકાસ્ટ’ના નામે નવું જીવન મળ્યું. (બાય ધ વે, પોડ’નો એક ડિક્ષનેરી અર્થ છે: માલ ભરવાનું સાધન-પાત્ર!) એ પછી તો આજે ઈ-કોમર્સની દુનિયામાં પોડકાસ્ટને એક નવી દિશા મળી
ગઈ છે.

ધારો કે તમારા ટીવી સ્ક્રીન પર એક દ્ર્શ્ય ચાલી રહ્યું છે,જેને જોવાં-સાંભળવા તમારે એકધારા એક જ્ગ્યાએ બેસીને આંખ-કાન સતર્ક રાખવા પડે. જો આવું જ કઈ માત્ર તમારે સાંભળવાનું હોય તો તમે કિચનમાં કે અન્ય કોઈ જગ્યાએ બીજાં કામ કરતાં કરતાં પણ સાંભળી શકો. એ ખરુ કે વિડિયો કિલ્પિસનું એક અલગ મહત્વ છે,પરંતુ એ જોવી શક્ય ન હોય ત્યારે એની ગેરહાજરીમાં કોઈ લખાણના શબ્દો કરતાં પણ બોલાયેલા શબ્દ-અવાજ વધુ શક્તિશાળી પુરવાર થાય છે અને આ જ વાતનો બખૂબી ઉપયોગ કરીને પોતાનાં ઉત્પાદન ગ્રાહકો સુધી સરળતા-સચોટતાથી પહોંચાડી શકાય છે. આ સુવિધાને લીધે ઈ-કોમર્સની દુનિયામાં આજે પોડકાસ્ટનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે.

આમ તો મૂળભુત રીતે પોડકાસ્ટ એટલે સ્વર-ધ્વનિનું પ્રસારણ ૧૯૮૦ના દાયકામાં શરૂ થયું ત્યારે એ ‘ઑડિયો બ્લોગિંગ’ તરીકે જાણીતું હતું. પાછળથી એક અમેરિકન પત્રકાર બેન હેમર્સલી આવા પ્રસારણને પોડકાસ્ટિંગ’ તરીકે ઓળખાવ્યુ પછી એ આવા નવા નામથી જાણીતું થયું. હવે તો વિડિયો ક્લીપ્સ પણ એમાં ઉમેરીને વિડિયો પોડકાસ્ટ તૈયાર કરવાનો ટ્રેડ શરૂ થઈ ગયો છે. અલબત્ત, આવાં દૃશ્ય – શ્રાવ્ય પોડકાસ્ટ બનાવવા થોડાં કડાકૂટવાળા છે,પરંતુ ડિજિટલ ઍડિટિંગનાં લેટેસ્ટ સાધનો અહીં કામે લગાડવામાં આવે છે. જેમ કોવિડ-કાળના સમયમાં ઘઝઝ પ્લેટફોર્મ્સ જે રીતે લોકપ્રિય થયાં એ જ રીતે, વિડિયો પોડકાસ્ટને ય અચ્છો બ્રેક મળી રહ્યો છે.

આપણે ત્યાં ભારતમાં પોડકાસ્ટનો કેવોક સિનારિયો છે?

આપણે ત્યાં અગાઉ રડ્યુખડ્યું ર્પોડકાસ્ટિંગ થતું.પરંતુ કોવિડ-કાળની કટોકટી વખતે લોકોની જે આકરી ઘરબંધી થઈ એમાં જેમ ઘઝઝની માર્કેટ ખૂલી ગઈ એવું જ પોડકાસ્ટ માટે થયું. શરૂઆતમાં ઘેરબેઠા કુતૂહલવશ ટાઈમપાસ મનોરંજન તરીકે પોડકાસ્ટને આવકાર્યું. એ પછી તો લોકોને એમાં એવો જબરો રસ પડ્યો કે આજે દરમહિને પોડકાસ્ટને ૫૮ મિલિયન (૫ કરોડ ૮૦ લાખ) લોકો સાંભળતા થઈ ગયા છે. પોડકાસ્ટના વપરાશમાં આજે આપણે અમેરિકા- ચીન પછી ત્રીજે નંબરે છીએ અને આ આંક આપણે ત્યાં આ વર્ષ -૨૦૨૩માં ૧૮ મિલિયન (૧ કરોડ ૮૦ લાખ )થી વધી જાય તો આશ્ર્ચર્ય નહીં!

વ્યવસાય-ધંધાની દ્રષ્ટિએ પણ આપણે ત્યાં પોડકાસ્ટિંગનું ભવિષ્ય ઊજળું છે,કારણ કે આપણી પ્રજા પહેલેથી જ રેડિયોની ચાહક રહી છે. હા, વચ્ચે ટેલિવિઝનના આગમનથી શહેરોમાં રેડિયો કામચલાઉ રેઢો પડયો,પણ દૂર દૂરનાં ગામોમાં- અંતરિયાળ વિસ્તારોમાં ટીવીનાં સિગ્નલ્સ-ફૂટપ્રિન્ટસ નબળાં પડતાં હતાં એટલે ગ્રામ્યપ્રજાનો રેડિયો પ્રેમ અકબંધ રહ્યો. સમય જતાં બીજી તરફ, ઋખ (ફ્રીકવેન્સી મોડ્યુલેશન) રેડિયો સ્ટેશનો દ્વારા આગવી રીતે રજૂ થતા મનોરંજનના પ્રોગ્રામ્સે આજની યુવા પેઢીને વધુ આકર્ષ્યા અને શહેરોમાં રેડિયોનું પૂનરાગમન થયું. એને પગલે યુવા પેઢીમાં પોડકાસ્ટિંગનો પણ દૌર શરૂ થઈ ગયો છે
પોડકાસ્ટની પહોંચ કેટલી?

આજે એકલા અમેરિકામાં ૮ લાખથી વધુ પોડકાસ્ટ ઍપ સક્રિય છે, જેના દ્વારા અત્યાર સુધીમાં ૩૦ મિલિયનથી વધુ પોડકાસ્ટ એપિસોડ પ્રસારિત થયા છે (નોંધ: ૧ મિલિયન = ૧૦ લાખ) આવા એપિસોડ ક્યો વર્ગ કયાં
સાંભળે છે?

વેલ, ૪૯% લોકો ઘેર બેસીને સાંભળે છે૨૨% શ્રોતા કાર ડ્રાઈવ કરતી વખતે સાંભળે છે તો ૧૧% ઑફિસમાં અને ૮% જિમમાં કસરત કરતી વખતે પોડકાસ્ટ માણે છે…

દેશ હોય કે પરદેશ, આજે સામાજિક- સાંસ્કૃતિક- વ્યવસાય-વેપાર- આરોગ્ય- આધ્યાત્મિક – હાસ્ય – ગુનાખોરી તેમ જ રાજકરણ જેવાં વિષયોને નજરમાં રાખીને પોડકાસ્ટની શ્રેણીઓ તૈયાર કરવામાં આવે છે. જો કે આજના તરુણ-યુવાનો કેરિયર તેમજ આરોગ્ય વિશે વધુ સજાગ છે. મનના ઉચાટને આધ્યાત્મિક રીતે કેમ શાંત પાડવો, ઈત્યાદિનું માર્ગદર્શન આપે એવાં પોડકાસ્ટ આ પેઢીને વધુ પસંદ છે. સહેજે છે કે આવી યુવા પેઢીને-જનરેશન ણ’ને પોતાની પ્રોડ્ક્ટ્સ – બ્રાન્ડસ પહોંચાડવા ઉત્સુક મોટી કંપનીઓ લોકપ્રિય પોડકાસ્ટને જાહેરખબરો દ્વારા ટેકો આપવા લાગી છે. આર્થિક નિષ્ણાતોના કહેવા અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આપણી મ્યુઝિક ઑડિયો-પોડકાસ્ટની માર્કેટ ૧૭.૬૨ કરોડ રૂપિયાના આંકને આંબી જાય તો નવાઈ ન પામવી!
(સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button