લોકો શું કહેશે એ વિશે જોનરેન્દ્ર મોદી વિચાર કરતા રહ્યા હોત તો?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ
નરેન્દ્ર મોદી આજે શું કામ અજેય છે અને શું કામ એમની ગ્લોબલ લોકપ્રિયતામાં દિવસે ને દિવસે અત્યંત વધારો થઈ રહ્યો છે એ વિશે આપણે એક સિરીઝ ચલાવી રહ્યા હતા. એમાં આપણે અત્યાર સુધીમાં ચાર મુદ્દા જોયા. આજે છેલ્લા બે મુદ્દા જોઈએ… જો કે આ છ મુદ્દા કંઈ નરેન્દ્ર મોદી જેવી વિરાટ પર્સનાલિટી-વ્યક્તિત્વને કોઈ શબ્દોમાં કોઈ ચોક્કસ પરિભાષામાં વર્ણવી ન શકે. એમના ગુણ- વિશેષતા-એમની લાક્ષણિકતા વિશે ત્રણેક વોલ્યુમ-દળદાર પુસ્તકો પ્રકાશિત કરવા પડે!
જો કે, આ છ મુદ્દા પણ એ વિરાટમાં ટપકું તો ખરા જ! એટલે હવે નજર કરીએ આ બીજા બે અંતિમ મુદ્દા પર…
લોકો ગમે એ કહે…
નરેન્દ્ર મોદીની સમગ્ર કારકિર્દીને આપણે જોઈશું તો એમણે ભારતના અન્ય કોઈ પણ રાજકારણીઓ કે વડા પ્રધાનો કરતાં વધુ ગાળો ખાધી છે. લોકો એમને ધિક્કારતા થાય એ માટે સેક્યુલરોથી લઈ ડાબેરીઓ સુધીની અનેક ગેંગે નેશનલ મીડિયાના માધ્યમથી આખી ઈકોસિસ્ટમ ગોઠવી હતી કે સવાર થાય ને માંડો નરેન્દ્ર મોદીને ભાંડવા.. દેશમાં થતી કોઈ પણ ઊથલપાથલ કે હિંસા માટે એમને જવાબદાર ઠેરવો. કોઈ પણ નેતા કે એકાદ વ્યક્તિ માટે આ રીતે આખેઆખી ગેંગ આ રીતે કામે લાગી જતી હોય ત્યારે એમને માનસિક સ્તર પર ખાળવા એ કંઈ ખાવાના ખેલ નથી. સામાન્ય લોકોના સંદર્ભે તો એવું થાય છે કે એમને સતત ચિંતા હોય છે કે એમના કોઈપણ નિર્ણય કે તેમના કોઈપણ પગલાં વિશે લોકો શું કહેશે? મોદીજીને માટે પણ આ સમસ્યા પહેલેથી રહી જ હતી. એમના કોઈપણ નિર્ણયો કે કોઈ પણ કામને સંદર્ભે ટોકાટોકી કરવા માટે એક આખી ફોજ તત્પર ને તૈયાર જ રહેતી.
વળી, આવી ફોજ પક્ષની બહાર જ હતી એવું થોડું હતું ? પક્ષનું ય પોતાનું એક આગવું રાજકારણ હોય છે. એટલે એમાંય સમયાંતરે એમને રાજધર્મની યાદ અપાવનારાઓ કે પછી એ રાજીનામું ન આપે તો આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપનારાઓ પણ હાજર હતા. એ જ રીતે, એમના દુશ્મનો તો ટાંપીને જ બેઠાં હોય, પણ એવા સમયે લોકો શું કહેશે – કે શું વિચારશે એનો વિચાર નહીં કર્યો? અને એમને ગાળો દેવા માટે પહેલેથી આખી ઈકો સિસ્ટમ લઈને બેઠેલાઓને પણ એમણે ગણકાર્યા નહીં. એમણે એ જ કર્યું જે એમણે કરવું હતું, જેને કારણે એક સમયે લોકોને એવું લાગતું હતું કે મોદીજી નેશનલ લેવલ પર ઝાઝું કાઠું નહીં કાઢી શકે, પરંતુ લોકો શું વિચારે છે એ બાબતને અવગણતા રહેવાને કારણે મોદીજી સતત નવું ને નવું આપતા રહ્યા, સતત પોતાનું આગવું પ્રોજેક્શન કરતા રહ્યા અને ખાસ તો એ સાવ નવા ગણિત સાથે પોતાને રજૂ કરતા રહ્યા. આ કારણે એ એક નેતા તરીકે યુવાનોમાં અને વોટર્સમાં અત્યંત પ્રિય થતાં રહ્યા અને વર્ષ ૨૦૧૪ પછી જે થયું એનો તો ઇતિહાસ સાક્ષી છે.
લોકોથી જુદું કરો…
જેમ લોકોનું સાંભળવાનું કે લોકો શું વિચારશે એનું મોદીજીએ ધ્યાન નહીં રાખ્યું એ જ રીતે એમણે હંમેશાં એ વિશે વિશેષ ધ્યાન રાખ્યું કે હંમેશાં લોકોથી જુદું કરો! એટલે કે એમણે રાજકારણ જેવા શુષ્ક ક્ષેત્રમાં પણ પરંપરાગત બાબતોને ફગાવી દીધી અને એમણે પોતાના ફેશન સ્ટેટમેન્ટથી લઈ પોતાની બોલવાની ઢબ કે પોતાના સોશિયલ મીડિયા પ્રેઝન્ટેશન સુધીની બાબતોમાં એમણે લોકોથી જુદું કર્યું ને અલગ તરી આવ્યા. એવું નથી કે આ બધું એમણે જોગાનુજોગ કર્યું, પરંતુ એમણે જે કર્યું એ પૂરી સમજણ સાથે કર્યું . એ સાથે એમણે અત્યાર સુધી, પાછલાં સાંઠ વર્ષોમાં નેતાઓ કે રાજકારણીઓની જે ઇમેજ-છબી હતી એને તોડી પાડી, જેથી યુવાનોને કે શહેરી વિસ્તારના મતદાતાઓનો વિશ્ર્વાસ જીતી શકાય. મોટાભાગના લોકો એમ જ માનતા હોય છે કે આપણા ક્ષેત્રમાં જે વર્ષોથી ચાલતું આવ્યું છે એ પરંપરા છે અને આપણે પરંપરા તોડી ન શકીએ! વર્ષો જૂની પરંપરા હોય તેને કારણ વિના એક રૂઢિની જેમ એ વળગી રહે અને પછી એવી અપેક્ષા રાખે કે એમને પ્રચંડ સફળતા મળે! પરંતુ આવું બીજાથી જુદું કરવાનો અભિગમ કે એ માટે મહેનત કરવાની દાનત તો જોઈએને? મોદીજીમાં એ અભિગમ અને દાનત હતા એટલે એ સફળ થઈ શક્યા અને આજેય દેશના કહેવાતા ફિલ્મ સ્ટાર્સ ને કે કહેવાતા માર્કેટિંગ ગુરુઓ ઉપરાંત કહેવાતા જાણીતા ચહેરાઓને એ હંફાવી રહ્યા છે.