પુરુષ

આ કાર્બન ડેટિંગ વળી શું છે…?

આપણાં વાદ-વિવાદે ચઢેલાં અમુક ઐતિહાસિક સ્મારક – મંદિર-મસ્જિદ કેટલાં પુરાણાં છે એની પરખ માટે ન્યાયાલયે પણ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી પડે છે. આમાંથી એક ‘કાર્બન ડેટિંગ’ હમણાં ચર્ચામાં છે એનો વિસ્મય જગાડે એવો ક્લોઝ અપ

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

છેલ્લાં થોડા મહિનાથી આપણાં અખબારોથી લઈને લગભગ બધી જ ટીવી ચેનલો પર એકસાથે અનેક વાદ-વિવાદોના સમાચાર ગાજી રહ્યાં છે. જોગાનુજોગ, એ બધા આપણા ઈતિહાસ સાથે જ વધુ સંકળાયેલા હતા. આમાંનાં કેટલાક તો ભવ્ય કહેવાતા ભૂતકાળને બદલે ભય જગાડનાર વધુ છે.

એ વખતે તો એક સાથે ચાર-પાંચ વિભિન્ન ધાર્મિક સ્થળના વિવાદ કોર્ટે ચઢ્યા હતા,જેમકે તાજ્ મહાલના કહેવાતા ભેદી ૨૨ ખંડનાં દ્વાર ખોલવાનો..બીજા નંબરનો વિવાદ હતો અને હજુ છે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિનો અને ત્રીજો વિવાદ છે મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ભોજશાળાને લઈને આ બધાને લઈને વિભિન્ન ન્યાયાલયની વિવિધ તબક્કે સુનાવણી ચાલી રહી હતી. આમાંથી આજે અમુકના વચગાળાના ચુકાદા આવી પણ ગયા છે.

જો કે એ વખતે સૌથી વધુ ગાજ્યો હતો અને અત્યારે પણ ફરી ગાજ્યો છે એ વિખવાદ છે કાશીની જ્ઞાનવાપી મસ્જિદનો..

અયોધ્યાની બાબરી મસ્જિદ- રામજન્મભૂમિનો ઓછામાં ઓછા ૫૦૦ વર્ષ જૂના વિખવાદનો માંડ માંડ ચાર વર્ષ પહેલાં ૨૦૧૯માં ઉકેલ આવ્યો અને હવે એ સ્થળે અનોખા રામમંદિરના નિર્માણની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યાં કાશી વિશ્ર્વનાથ મંદિરથી થોડે અંતરે આવેલું અન્ય એક ઐતિહાસિક સ્થળ જ્ઞાનવાપી મસ્જિદ તીવ્ર વિવાદના વંટોળમાં સપડાયું છે. કહે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસન વખતે જે સ્થળે આસ્થાળુના પ્રતીક સમું એક હિન્દુ મંદિર હતું એનો ધ્વંસ કરીને એક મસ્જિદ ખડી કરવામાં આવી હતી ,જે એ જમાનાથી આજ સુધી ‘જ્ઞાનવાપી મસ્જિદ’ તરીકે જાણીતી છે. અનેક માટે કુતૂહલ આજે પણ એ વાતનું છે કે આ ઈસ્લામી મઝહબ સ્થળના નામના પ્રથમ બે અક્ષર સંસ્કૃત છે !

બીજા શબ્દમાં કહીએ તો અહીં જ્ઞાન સાથે વાપી એટલે કે વાપ-કૂવો કે જળાશય શબ્દ જોડાયેલો છે અને જોગાનુજોગ કાશી વિશ્ર્વનાથ મંદિરમાં પણ એક કૂવો છે અને કાશી એ જમાનામાં ઉત્તમ વિદ્યા – જ્ઞાન અને શિક્ષણ માટે વિશ્ર્વભરમાં પંકાતું હતું.

આ શબ્દોની રમતમાંથી આપણે બહાર આવીએ તો હકીકેત એ છે કે કાશીનું આ ધાર્મિક સ્થળ મૂળ મંદિર છે કે મસ્જિદ છે એનો વાદ-વિવાદ બન્ને કોમ વચ્ચે વર્ષોથી અવિરત ચાલ્યા કરે છે.

જો કે, ફરીથી એ વિખવાદ વધુ ઉગ્ર થયો હતો ગયે વર્ષે વારાણસીની કોર્ટમાં રજૂ થયેલી એક અરજીથી. દિલ્હીની પાંચ મહિલાએ અરજી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદ બહારની એક દીવાલ પર અમુક દેવી-દેવતાની જે મૂર્તિઓ છે એની રોજ પૂજા કરવાની પરવાનગી મળે. અગાઉ અહીં વર્ષે એક જ દિવસ પૂજાની છૂટ મળતી હતી. આ અરજીનો અમુક મુસ્લિમ સંગઠનોએ સખ્ત વિરાધ કર્યો પછી ધર્મની એ હુંસાતુંસીમાં રાબેતા મુજબનું રાજકારણ ભળ્યું અને એ વિવાદ ભરેલો અગ્નિમાં ફેરવાઇ ગયો.

આ દરમિયાન, હિન્દુ-મુસ્લિમ સંગઠનો તરફથી દસ્તાવેજો અને દાખલા-દલીલોની રમત-શૂન્ય -ચોકડી જેવા દાવપેચ ચાલી રહ્યા હતા ત્યારે બન્ને પક્ષના ઐતિહાસિક અને પુરાતત્ત્વ પુરાવા વચ્ચે અદાલતે વાસ્તવિકતા જાણવા વિવાદાસ્પદ સ્થળ -મસ્જિદના ભોંયરા તથા પરિસરના સર્વે સાથે વીડિયોગ્રાફી કરાવાનો આદેશ આપ્યો. મસ્જિદના એ સર્વેં દરમિયાન એક કથિત શિવલિંગ મળી આવતા આ વિવાદમાં એક અણધાર્યો વળાંક આવ્યો. મુસ્લિમ પક્ષકારોએ એને ‘વઝુખાના’નો એક ફૂવારો ગણાવ્યો છે. આને ધ્યાનમાં લઈને અલ્હાબાદ હાઈ કોર્ટે એ શિવલિંગનુ કાર્બન ડેટિંગ કરવાનો આદેશ આપ્યો હતો.

એ અનુસાર છેલ્લાં કેટલાક સમયથી થઈ રહેલા એ વિવાદાસ્પદ સ્થળ -મસ્જિદના વૈજ્ઞાનિક સર્વે તેમજ કાર્બન ડેટિંગના પરીક્ષણ, ઈત્યાદિનો પૂરો રિપોર્ટ ‘ભારતીય પુરાત્ત્વ સર્વેક્ષણ’ સંસ્થા તરફથી વારાણસી કોર્ટમાં સીલબંધ કવરમાં જમા પણ કરાવી દીધો છે.

(કદાચ તમે આ વાંચતા હશો ત્યારે કોર્ટે એ વિશે ચુકાદો પણ આપી દીધો હશે)
જો કે આ બધી કાયદાકીય રમત વચ્ચે આપણને સહેજે જાણવાની જિજ્ઞાસા એ જાગે કે આ કાર્બન ડેટિંગ હકીકતમાં છે શું..એની વૈજ્ઞાનિક મહત્તા-ઉપયોગિતા શું અને કોઈ ઐતિહાસિક સત્ય પારખવામાં એ કેટલું સચોટ ? ’

‘કાર્બન ડેટિંગ’ એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એટલે સ્વાભાવિક છે કે સામાન્ય માનવી એ સહજતાથી સમજી ન શકે,પણ એને સરળ શબ્દોમાં આ રીતે સમજી-સમજાવી શકાય,જેમકે..
‘કાર્બન ડેટિંગ’ એ એક એવી પદ્ધતિ છે કે એના દ્વારા આપણે અમુક અપવાદ સિવાય, કોઈ પણ વસ્તુ કેટલી જૂની છે-એની ઉંમર શું છે એ જાણી શકીએ. કાર્બન ડેટિંગ’ની મદદથી આપણે હાડપિંજર-ચામડી-વાળ કે પછી લાકડાની આયુ જાણી શકીએ. બીજા શબ્દોમાં કહો તો જે જે વસ્તુમાં કાર્બનના અંશ-અવશેષ હોય એની અંદાજિત આયુ આપણે જાણી શકીએ.
કોઈ પણ તત્ત્વ (એલિમેન્ટ)ના પરમાણુ (ઍટમ)ની સંખ્યા સમાન હોય પણ એનો ભાર-વજન વિભિન્ન હોય એને ‘આઈસોટોપ’
(સમસ્થાનિક) કહે છે.

કાર્બનના ત્રણ પ્રકારના આઈસોટોપ છે. કોઈ પણ જીવનું મૃત્યુ થાય છે ત્યારે આસપાસના વાતાવરણમાં રહેલા કાર્બન સાથેનું એનું આદાનપ્રદાન બંધ થઈ જાય છે એટલે કે કાર્બન-૧૨ તથા કાર્બન -૧૪ (જેને પુરાતત્વ નિષ્ણાતો સી-૧૪’ કે રેડિયોએકટિવ કાર્બન’ પણ કહે છે.) વચ્ચેના રેશિયોમાં ફરક પડી જાય છે. ‘કાર્બન ડેટિંગ’ કરતી વખતે આ રેશિયાના ફેરફાર પરથી પેલી વસ્તુ કે અવશેષની અંદાજિત આયુ -ઉંમરની ખબર પડે છે. જો કે, સમય જતા મૃત પ્ર્રાણી -વનસ્પતિમાં રહેલું કાર્બનનું પ્રમાણ ક્રમશ: ઘટતું જતું હોવાથી જેટલું કાર્બનનું પ્રમાણ ઓછું એટલી એની આયુ વધુ.

અલબત્ત, આવી ગણતરી વખતે વયના અંદાજમાં કેટલીક વાર દાયકા- સદીની વધ-ઘટ આવી શકે. આમ છતાં, નિષ્ણાતોના કહેવા અનુસાર આ કાર્બન ડેટિંગ’ પદ્ધતિથી ઓછામાં ઓછા ૫૦થી ૫૫ હજાર વર્ષ પ્રાચીન વસ્તુની વય જાણી શકાય છે.

અહીં આપણે એ પણ જાણી લેવું જરૂરી છે કે આ ‘કાર્બન ડેટિંગ’ની જેમણે પરિકલ્પના કરી અને અનેક પરીક્ષણ પછી જેમણે વિક્સાવવી એ શિકાગો યુનિવર્સિટી’ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક વિલાર્ડ લિબીને આના માટે ૧૯૬૦માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
જો કે, આજે તો એમની ‘કાર્બન ડેટિંગ’ પદ્ધતિ વધુ આધુનિક બની છે,પણ પથ્થર જેવી વસ્તુ પર આ ટેકનિક કારગત નથી,કારણ કે જે વસ્તુમાં જૈવિક તત્વ હાજર નથી હોતું-જેમાં કયારેય કાર્બન હ્તું નહીં એના પર આ પદ્ધતિ કામ નથી કરતી.

‘કાર્બન ડેટિંગ’ સિવાય બીજી કંઈ ટેક્નિક છે,જે કોઈ પ્રાચીન ચીજ-વસ્તુની આયુ નક્કી કરવામાં ઉપયોગી થઈ શકે ?

હા, એના માટે વિશ્ર્વભરના ભૂસ્તરશાસ્ત્રીઓ તેમજ પુરાતત્ત્વ ક્ષેત્રના નિષ્ણાતો વધુ જાણીતી એવી અખજ (એક્સિલરેટર માસ સ્પેક્ટ્રોમેટરી) તરીકે ઓળખાતી ટેકનિકનો ઉપયોગ કરે છે. કોઈ કાળમીંઢ પથ્થર-પર્વત- સ્મારક, ઈત્યાદિ ઘન વસ્તુની આયુ-ઉમર આનાથી જાણી શકાય છે. આપણે ત્યાં પૌરાણિક સ્થળો પરથી મળી આવતી વસ્તુઓની આયુ જાણવાની ‘કાર્બન ડેટિંગ’ની કામગીરી દિલ્હી-અમદવાદ- લખનઊની આધુનિક પ્રયોગશાળામાં બજાવવામાં આવે છે.

અતિ આધુનિક જ્ઞાન-વિજ્ઞાનના આ યુગમાં કાળા માથાનો માનવી હવે ધરતીમાંથી માત્ર પૌરાણિક અવશેષો શોધી મ્યુઝિયમમાં ગોઠવીને સંતોષ માનતો નથી. નવી નવી પદ્ધતિ દ્વારા એ પોતાના ભવ્ય ભૂતકાળનાં રહસ્યો ઉકેલીને બધાને વિસ્મયના નવા જગત તરફ દોરી જાય છે. (સંપૂર્ણ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button