પુરુષ

આપણને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું છે ખરું?

મેલ મેટર્સ અંકિત દેસાઈ

ગીતામાં એક જગ્યાએ બહુ સરસ મજાની વાત થઈ છે. એમાં કહેવાયું છે કે જેને અંતરનો આનંદ છે અથવા જેને આત્મસંતોષ થયો છે એ યોગી છે અને એવા યોગીઓ બ્રહ્મરૂપ બની બ્રહ્મનિર્વાણ પામે છે. આપણે તો અહીં જીવનની જ વાતો કરીએ છીએ. એટલે નિર્વાણ કે મોક્ષ સંદર્ભની કે પુન:જન્મ સંદર્ભની કોઈ વાત નહીં કરીએ, પરંતુ ગીતાની અંતરના આનંદવાળી અને આત્મસંતોષવાળી વાત આપણને અત્યંત ખપમાં આવે એવી છે. વળી, ગીતા તો એમ પણ કહે છે કે જેને આત્મસંતોષ થયો છે કે અંતરનો આનંદ છે એવા લોકો આત્મજ્ઞાની પણ છે. કેવી મોટી વાત છે આ! આત્મજ્ઞાની એ જ થઈ શકે અથવા આત્મજ્ઞાની હોવાનો દાવો એ જ લોકો કરી શકે, જેમને આત્મસંતોષ હોય!
ખૈર, આપણે આત્માના આનંદ વિશે વાત કરીએ. જેમ આપણે મોક્ષની વાત નથી કરવી એમ આત્મજ્ઞાનની વાત પણ હાલ પૂરતી મોકૂફ રાખીએ. આપણે વાત કરીએ માત્ર આત્મસંતોષ અને આત્માના આનંદ વિશે. આ વાતો અત્યંત ભૌતિક સ્તર પર કરીએ. મોટા ભાગે આપણા દુ:ખનું કે આપણી પીડાનું મૂળ કારણ આપણું મન જ છે. આપણું મન જ જાતજાતની અપેક્ષાઓ રાખીને બેઠું હોય છે અને આપણું મન જ અવનવી ઝંખનાઓ રાખીને બેઠું હોય છે. ક્યારેક તો આપણું મન એવી અબળખા રાખીને બેઠું હોય છે કે જેને મેળવવા કે પામવા માટે આપણે આખી જિંદગી કારણ વિના દોડાદોડ કરતા રહીએ છીએ.
અંતત: થાય શું કે આપણું મન સતત વિચલિત, સતત દોડતું અને સતત અસંતુષ્ટ રહે છે. મનની આ અસંતુષ્ટી જ આપણી અંદર ઉચાટ ઊભો કરે છે અને એને કારણે આપણે અનેક નકામી સ્પર્ધાઓમાં જોતરાઈ જતાં હોઈએ છીએ, જે સ્પર્ધાઓ આપણે ક્યારેય કરવાની જ નથી હોતી. વળી, મનની આ અસંતુષ્ટી કે ઉચાટ આપણને બીજાઓ સાથે પણ ઘર્ષણમાં ઉતારે છે. અને છેલ્લે કંઈ નહીં તો આપણને બીજાની પ્રગતિ કે બીજાનો દબદબો આંતરિક રીતે પ્રભાવિત તો કરતો જ હોય છે.
ઈનશોર્ટ મનની આ ચંચળતા, મનની આ અસંતુષ્ટી અને મનનો આ ઉચાટ આપણને આંતરિક રીતે સતત બળતા, ભડભડતા રાખે છે. એને કારણે આપણે ઘણીવાર ભૌતિક રીતે અત્યંત સંપન્નતા મેળવી હોય તો પણ આપણે દુ:ખીના દુ:ખી જ રહીએ છીએ. આપણને સતત એવું જ લાગ્યા કરે છે કે બીજાઓ આપણાથી સુખી છે કે બીજાઓ કરતા આપણને ઓછું મળ્યું છે. આ વૃત્તિને કારણે જ આપણને એમ લાગે છે કે આપણા સંબંધોમાં, આપણા ઘરમાં કે આપણા પ્રોફેશનલ ફ્રન્ટ પર પણ આપણા એફર્ટ્સ કે આપણા યોગદાન મુજબનો જશ મળી રહ્યો નથી, પરંતુ એવું નથી હોતું. આપણું જીવન એટલા બધા પરિમાણોથી સર્જાતું હોય છે કે હંમેશાં કોઈ એક બાબત, કોઈ એક મોરચો કે કોઈ એક ખૂણો ખાલી કે અભાવગ્રસ્ત રહેતો હોય છે. વળી, આપણે અનેક સંજોગોનો પણ ભોગ બનતા હોઈએ છીએ એટલે કંઈ દર વખતે આપણને આપણા એફર્ટ્સ મુજબનું પરિણામ નહીં પણ મળે. એટલે આપણે જ અમુક મર્યાદાઓ નક્કી કરી લેવાની છે. આપણે જ અમુક રેખાઓ ખેંચી લેવાની અને આપણે જ મનને અમુક બાબતો માટે કેળવવાનું છે, જેથી આપણો પર્સપેક્ટિવ બદલાય અને આપણા જીવનમાં ગ્રેટિટ્યૂડ આવશે.
જો આપણે અભિગમ બદલીશું અને શું નથી મળ્યું એની જગ્યાએ આપણે ડિઝર્વ નહોતા કરતા તો પણ શું શું મળ્યું છે એની ગણતરી કરીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા બ્લેસ્ડ છીએ અને આપણા નસીબે આપણને કેટલો સાથ આપ્યો છે! આ જ આત્મસંતોષ છે. આત્મસંતોષ આવે પછી આપણે શું નથીની ગણતરીઓ કરતા બંધ થઈ જઈએ છીએ અને શું શું પામ્યા છીએ એ વિશે વિચારતા થઈ જઈએ છીએ અને આ વિચાર આપણી અંદર આવતા જ આપણે અંતરથી સમૃદ્ધ થવા માંડીએ છીએ અને એ ક્ષણથી જ આપણી આંતરિક શાંતિની શરૂઆત થતી હોય છે.
આપણા માટે આંતરિક રીતે શાંત હોવું કે આંતરિક રીતે સંતોષી હોવું અત્યંત જરૂરી છે. આપણે આ સ્થિતિ કેળવીશું પછી આપણા જીવનમાં સુખ જ સુખ છે, કારણ કે પછી આપણને અભાવો સ્પર્શતા નથી કે કોઈ દ્વારા થતાં કહેવાતા અન્યાય વિશે આપણને ચિંતા નથી થતી. આ કારણે જ ગીતાકારે કદાચ આ ભાવ ધરાવનાર વ્યક્તિને યોગી કહ્યા છે. કદાચ એટલે જ યોગીઓ ક્યારેય કોઈ ઉપાધિઓમાં નથી પડતા અને હંમેશાં નિજાનંદમાં રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor…