આર્થિક આયોજનની જેમ આપણે ઊર્જાનું આયોજન કરીએ છીએ ખરા?
જાણો, ઊર્જાનું સુનિયોજન કઈ રીતે ફાયદાકારક બની શકે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
આપણે સૌ ઊર્જાનો નિયમ ભણ્યા છીએ. ઊર્જાનું સર્જન કરી શકાતું કે ઊર્જાનો નાશ કરી શકાતો નથી. એનર્જી- ઊર્જાનું માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું રહે છે.
જો કે, આપણે સૌ ઊર્જાના નિયમને માત્ર ભૌતિક રીતે જોઈએ છીએ. એ નિયમ આપણે આપણા માટે લાગુ પાડતા નથી, પરંતુ આજના સમયમાં જો કોઈ અમુક કિસ્સામાં એક વાત દરેક વ્યક્તિને લાગુ પડે છે તો એ છે આપણી પોતીકી ઊર્જાનું સંરક્ષણ!
કોઈને થશે કે ઊર્જા સંરક્ષણ તો પર્યાવરણનો વિષય થયો હવે તમે ભૌતિક વિજ્ઞાન પરથી પર્યાવરણ સંરક્ષણ પર ક્યાં આવ્યા? પરંતુ મારે અહીં આ બંને વિષયની નહીં, પરંતુ જાતને સાચવવાની વાત કરવી છે.
આજે આપણી પાસે એટલી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ મનોરંજનના એટલા બધાં માધ્યમ ઉપલબ્ધ થઈ ગયા છે કે આપણે સતત બિઝી રહેવા માંડ્યા છીએ. મોટાભાગના કિસ્સામાં આપણે કોઈ ને કોઈ સ્ક્રિન પર સતત કશુંક જોઈ રહ્યા છીએ. ક્યાં તો મોબાઈલ પર, ક્યાં તો ટીવી પર કે પછી લેપટોપ પર અને જોવાનું છે ત્યાં સુધી ઠીક (આમ તો એ પણ યોગ્ય ન કહેવાય), પરંતુ સોશિયલ મીડિયા પર આપણે ઈન્ટરેક્શન્સ પણ કરી રહ્યાં છીએ. આ વિચાર-વાતની આપ-લે ક્યાંક ને ક્યાંક આપણી ઊર્જા કે પછી આપણી માનસિક અવસ્થા પર નકારાત્મક અસર ઊભી કરે છે.
સૂક્ષ્મ રીતે જોઈશું તો ખ્યાલ આવશે કે આપણા અકારણ સ્ટ્રેસ કે ઉચાટનું કારણ પણ એ ઈન્ટરેક્શન્સ જ હોય છે, કારણ કે આપણને આદત થઈ ગઈ છે કે સતત કોઈને કોઈની સાથે વાતો કરીએ કે સંપર્કમાં રહીએ. જો કે, આવાં સંપર્ક ને સંવાદ કંઈ દર વખતે મજાના નથી હોતા. માત્ર ‘ફેસબુક’ કે ‘વ્હોટ્સઅપ’ની જ વાત કરીએ તો આપણે દર ચોથે દિવસે કોઈને કોઈ સાથે ચકમકમાં ઊતરી જઈએ છીએ, કારણ કે આપણી પાસે આપણા પોતાનાં મંતવ્ય છે,જેને આપણે કોઈ બીજા પર ઠોકી બેસાડીએ કે આપણો કક્કો સાચો પાડીએ!
શું? જરૂર છે અમુક મંતવ્ય આપવાની કે શું જરૂર છે અમુક સંવાદો કરવાની કે અમુક સંપર્ક રાખવાની? એના કરતાં એ સમય પરિવારને કે આપણી જાતને આપીએ તો? તો એના બે ફાયદા થશે. એક ફાયદો એ કે આપણે નાહકના લોકો સાથે નાહકની ઊર્જા બગાડતાં બચીશું. આખરે કોઈને આપણા હાજરી-ગેરહાજરીથી કશોય ફરક નથી પડતો. એમને તો એ જ કરવું કે માનવું છે જે એ માને છે તો પછી એમની પાછળ સમય કે ઊર્જા પણ શું કામ બગાડવા?
બીજો ફાયદો એ થશે કે આપણે ગામની પંચાત મૂકી દઈશું તો એટલો ગુણવત્તાયુક્ત સમય સ્વજનોને આપી શકીશું, જેમની આપણને વિભિન્ન તબક્કે જરૂર પડે છે. એમને મન તમારું અસ્તિવ મહત્વનું છે. તમારાં મંતવ્ય સાથે એ સહમત નહીં હોય તો પણ એ તમારાં મંતવ્યની એ કદર તો કરતા જ હશે.
આમ આ સદીના -આ દાયકાની જો સૌથી મોટી શીખ કોઈ હોય તો એ છે કે સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ્સ પર ખોટા લોકો પાછળ પોતાની ઊર્જા વાપરવાનું બંધ કરો! આવું કરવું આપણે માટે અનેક રીતે લાભદાયી છે. આપણે એટલા સ્વાર્થી તો થઈ જ શકીએ કે જેમાં સ્વજનો સાથે પણ આપણને સારું રહે, એમની સાથે આત્મિયતા વધે ને ખોટા લોકોની ખોટી-અર્થહીન વાતોથી પણ દૂર રહીએ અને ખાસ તો આપણી માનસિક શાંતિ પણ ન જોખમાય.
આજના સમયમાં માનસિક સ્થિતિ સારી રહે એ અત્યંત જરૂરી છે. જો એ બગડી તો આપણું ઘણુંબધુ એકસાથે બગડી જશે. એના કરતાં જેમ આપણે આર્થિક આયોજન
કરીએ છીએ એમ આપણે ઊર્જાનું પણ આયોજન કરીએ ને એને યોગ્ય જગ્યાએ
વાપરતાં શીખીએ.